દેવભૂમિ દ્વારકા: સાઈડ આપવા બાબતે બોલાચાલી, છરીના ઘા ઝીંકી માતા-પિતા સામે યુવાનની હત્યા, 3 આરોપીની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Devbhumi Dwarka News: દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાના ભાણવડમાં રહેતા 20 વર્ષીય એક યુવાન પર છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યાનો બનાવ બન્યો છે. સમગ્ર મામલે પોલીસે મૃતકના પિતાની ફરિયાદ આધારે ત્રણ શખસોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાણવડમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
મળતી વિગત મુજબ, ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતો વિજય રાજુભાઈ પરમાર નામનો યુવાન શનિવારે(17 ઓક્ટોબર) રાત્રિના સમયે પોતાના ઘરેથી છકડો રિક્ષા લઈને નવરાત્રિના તહેવારને લઈને જઈ રહ્યો હતો. જેમાં વિજય ઘરથી થોડે આગળ સબ સ્ટેશન પાસે પહોંચતા ઈનાજ ઈસ્માઈલ ઘુઘા નામનો શખસ કાર લઈને નીકળ્યો હતો. રાત્રિના આશરે સવા એક વાગ્યાના અરસામાં રસ્તામાં સાઈડ આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થવા પામી હતી. આ પછી કારચાલકની પાછળ મોટરસાયકલમાં આવેલા હુશેન ઉર્ફે ભુટીયો જુમાભાઈ મામદભાઈ ઘુઘા(ઉં.વ.36) અને અસલમ ઈશાકભાઈ હિંગોરા (ઉં.વ. 38) નામના બે શખસો પણ આવી પહોંચીને વિજયને માર માર્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
મારામારીની ઘટના સમયે અવાજ થતાં નજીકમાં રહેલા વિજયના પિતા રાજુભાઈ પરમાર તેમજ તેમના માતા સ્થળ પર દોડી આવ્યા હતા. જેમાં પીડિતના પરિવારે કહેલું કે "શું કામ વિના વાંકે મારા દીકરાને મારો છો?" આમ કહેતા ઈનાઝ ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું કે "માર્યો છે અને મારીશું" તેમ કહી, ફડાકો મારી દીધો હતો અને કહ્યું કે "આ ફરીથી માર્યો, શું તોડી લીધું મારું?" આ રીતે ત્રણેય શખસો ગાળો બોલવા લાગ્યા હતા. આ પછી ઈનાઝે તેની પાસે પેન્ટના નેફામાં રહેલી છરી કાઢી મારી નાખવાના ઈરાદે વિજયને છરીના ઘા ઝીંકવા ધસી આવ્યો હતો.
આ પછી વિજયના પિતા રાજુભાઈ અને માતા વચ્ચે પડતા આરોપી હુશેન ઉર્ફે ભુટીયો અને અસલમ ઈશાકે વિજયના માતા-પિતાને પકડી રાખી ઈનાજ ઈસ્માઈલ ઘુઘાએ પોતાની છરીનો ઘા વિજયના પેટમાં મારી દીધો હતો અને બીજો ઘા મારવા જતા રાજુએ બંને હાથેથી છરી પકડી લીધી હતી. જે છરી ખેંચી લેતા રાજુને બંને હાથોમાં ઇજાઓ થવા પામી હતી.
આ રીતે ત્રણેય શખસોએ બિભત્સ ગાળો ભાંડી, જો તેઓ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી, પોતાની પાસે રહેલા વાહનોમાં નાસી છૂટ્યા હતા. જીવલેણ હુમલાના કારણે વિજયભાઈ રાજુભાઈ પરમાર (ઉં.વ. 20)નું લોહી-લુહાણ હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું.
ત્રણેય આરોપીની ધરપકડ
સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે મૃતકના પિતા રાજુભાઈ પરબતભાઈ પરમાર(ઉં.વ. 55)ની ફરિયાદ પરથી આરોપીઓ સામે બી.એન.એસ. તેમજ જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. હત્યાના બનાવને પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે મૃતક વિજયના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે જામનગરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




