Delhi ni Vaat

વસ્તી ગણતરી વખતે બેંક ખાતાની જાણકારી મંગાશે?

By GS Team
19 Aug 20265 mins read
TukuTouch Logo
નવીદિલ્હી: 2027ની વસ્તી ગણતરીમાં નાગરિકો પાસેથી આધાર, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને મોબાઈલ નંબરની માહિતી મંગાશે. જોકે, બેંક ખાતાની ખાનગી વિગતો જેવી કે IFSC કોડ, ATM/ડેબિટ કાર્ડ નંબર, પાસવર્ડ કે OTP નહીં પૂછાય. ફક્ત ખાતાઓની સંખ્યા જ પૂછવામાં આવશે. આ બાબતે અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વસ્તી ગણતરી વખતે બેંક ખાતાની જાણકારી મંગાશે?

નવીદિલ્હી : વસ્તી ગણતરી ૨૦૨૭ને લઈને લોકો પાસે આધાર, ઇલેકશન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાસપોર્ટ, મોબાઇલ નંબર અને બેંક ખાતા સાથે જોડાયેલી જાણકારી માંગવા બાબતે કેટલાક સવાલો થઈ રહ્યા છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વસ્તી ગણતરી વખતે નાગરીકો પાસેથી કોઈ ખાનગી બેંકીંગ જાણકારી માગવામાં આવશે નહીં. લોકોને ફક્ત બેંકના ખાતાઓની સંખ્યા પૂછવામાં આવશે. એનો મતલબ છે કે બેંક ખાતાની સંખ્યા, આઇએફએસસી કોડ, એટીએમ કે ડેબીટ કાર્ડ નંબર, પાસવર્ડ, પીન, ઓટીપી, ખાતામાં જમા રકમ કે આવક - જાવકની માહિતી માંગવામાં આવશે નહીં. એ જ રીતે આધાર, ઇલેકશન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ અને પાસપોર્ટ જેવા સરકારી દસ્તાવેજોની જાણકારી માંગવામાં આવશે. આ જાણકારી હોય તો તે આપવી પડશે.
રામદેવ પછી કિરણ બેદીએ પણ મોદી સરકાર સામે નિશાન ટાંક્યું
ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી કિરણ બેદી એક જમાનામાં મોદી સરકારની ગૂડબુક્સમાં હતા. એમને પુંડીચેરીના ગવર્નર પણ બનાવવામાં આવ્યા હતા. કિરણ બેદી પણ ભાજપ તરફી રાગ આલાપતા હતા. હવે બાબા રામદેવની જેમ એમણે પણ પાટલી બદલી હોય એમ લાગી રહ્યું છે. પશ્ચિમ બંગાળના એક કાર્યક્રમમાં એમણે સ્ટેજ પરથી કહ્યું હતું કે, સરકાર બદલવાથી કઈ થવાનું નથી. લોકોએ એમને સવાલ પૂછવા જોઈએ. નેતાઓએ નિયમીત રીતે ટાઉન હોલ મીટીંગ કરવી જોઈએ. બેદીએ કહ્યું હતું કે, 'ભારતમાં ફેરફાર ફક્ત સરકાર બદલવાથી નથી થતો, એ માટે નાગરીકોએ પણ એક્ટીવ બનીને ભાગીદાર બનવું પડશે. સત્તામાં બેઠેલા લોકોને સવાલ પૂછવા પડશે. સત્તાધિશોએ પણ સામાન્ય માણસને મળીને એમની તકલીફ સમજવી પડશે. નવી પેઢીને સાંભળવી જરૂરી છે. યુવાનો વિરોધ કરે છે તો એને વિરોધ પ્રદર્શન ગણવો જોઈએ નહીં. જ્યારે નેતાઓ મત માંગવા આવે છે ત્યારે આપણી સેવા કરવાનો દાવો કરે છે, પછી કઈ થતું નથી.'
રાહુલ ગાંધીની મધ્યસ્થતા ફળી, રાંચીનું આંદોલન પાછું ખેંચાયુ
ઝારખંડના વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી પરીક્ષા પદ્ધતિના બદલાવ માટે આંદોલન કરી રહ્યા હતા. આંદોલનનો વ્યાપ વધતો જતો હતો. ઝારખંડમાં કોંગ્રેસ સત્તાધારી પક્ષને ટેકો આપે છે. રાહુલને જ્યારે લાગ્યું કે વિદ્યાર્થીઓની નારાજગી વધતી જાય છે ત્યારે એમણે મુખ્યમંત્રી હેમંત સોરેનને કડક પત્ર લખીને કહ્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે બેસીને વાતચીત કરે. આ પત્રના ૨૪ કલાકમાં જ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓની તમામ માંગણીઓ સ્વિકારી લીધી હતી. ત્યાર પછી ઘણા દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા વિદ્યાર્થી નેતા ઉમ્મે હબીબા અને રાહુલ ક્રાંતિએ એમની ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી. ઉમ્મે હબીબાનું કહેવું છે કે વિદ્યાર્થીઓ સામે દાખલ થયેલી એફઆઇઆર સરકારે પરત લેવી જોઈએ.
ગોવા કોંગ્રેસની મિટિંગમાં પણ અધુરુ વંદે માતરમ ગવાયું
સ્વતંત્રતા દિવસે કોંગ્રેસ ખાતેની ઓફિસ પર યોજાયેલા કાર્યક્રમમાં પુરુ વંદે માતરમ ગીત નહીં ગવાતા વિવાદ થયો હતો. એવો આક્ષેપ થયો હતો કે, સોનિયા ગાંધીએ અધવચ્ચેથી વંદે માતરમ ગીત અટકાવ્યું હતું. હવે ફરીથી નવો એક વિવાદ થયો છે. કોંગ્રેસે ગોવા ખાતેના એક કાર્યક્રમમાં પણ અધુરુ વંદે માતરમ ગાયું હતું. આ કાર્યક્રમમાં મલ્લિકાર્જૂન ખડગે પણ હાજર રહ્યા હતા. પક્ષના પદાધીકારીઓ અને કાર્યકરોએ શરૂઆતના બે છંદ જ ગાયા હતા. આ બાબતે ભાજપે કોંગ્રેસની ટીકા કરીને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે આ કોઈ ભૂલ નથી, પરંતુ કોંગ્રેસની વિચારસરણી છે. કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે હું પહેલા પણ આખુ વંદે માતરમ ગાતો નહોતો અને ભવિષ્યમાં પણ ગાઈશ નહીં. થોડા દિવસો પહેલા જ સરકારે સંસદમાં વંદે માતરમના અપમાન બદલ બીલ પસાર કર્યું હતું. જોકે સરકાર આ નવા કાયદાનો ઉપયોગ કરવાની હિંમત બતાવે એવું લાગતું નથી.
મૃત્યુદંડ માટે ફાંસીને બદલે ઇન્જેક્શન આપવાનો ઇન્કાર
મૃત્યુદંડ આપવા માટે ફાંસી દ્વારા અપાતી સજા ક્રૂર હોવાનું મનાય છે. મૃત્યુદંડની સજા ફાંસીને બદલે વધુ માનવીય ઝેરના ઇન્જેક્શન આપવાની માંગણી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આ જાહેરહીતની માંગણી ફગાવી દીધી છે. જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેચે ચોખ્ખુ કહ્યું છે કે, મૃત્યુદંડ માટે હમણા અપાતી ફાંસીની સજા બંધારણની દ્રષ્ટીએ યોગ્ય છે. સુપ્રિમ કોર્ટે આ બાબતે જૂના ત્રણ ચૂકાદાઓ મોટી બેચને મોકલવાની માંગણી ફગાવી દીધી હતી. સિનિયર વકીલ ઋષી મલ્હોત્રાએ આ જાહેરહીતની અરજી કરીને સીઆરપીસીની કલમ ૩૫૪ (૫) હવેની બીએનએસએસની કલમ ૩૯૩ (૫)ને પડકારી હતી. અરજી કરનારનું માનવું હતું કે જે રીતે ફાંસી દ્વારા મૃત્યુદંડ આપવામાં આવે છે એ અતિક્રૂર અને અમાનવીય છે.
ઓપરેશન સિંદુર પર બનેલી ડોક્યુમેન્ટરીથી પાકિસ્તાન નારાજ
પહેલગામના આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન વિરુદ્ધ ભારતે 'ઓપરેશન સિંદુર' દ્વારા વિવિધ હુમલા કર્યા હતા. હવે ડિસ્કવરી ચેનલ પર ઓપરેશન સિંદુરની ડોક્યુમેન્ટરી 'ડીક્લાસીફાઇડ : ઓપરેશન સિંદુર' પ્રદર્શીત થઈ રહી છે. ડોક્યુમેન્ટરીમાં ભારતીય સૈન્યની આંતરીક રણનીતિ બતાવવામાં આવી છે. ૧૫મી ઓગસ્ટે આ ડોક્યુમેન્ટરીનું પ્રિમીયમ થતા જ પાકિસ્તાન હતાશ થઈ ગયું છે. પાકિસ્તાનના સૈન્યએ ભારત પર જૂઠાણા ફેલાવવાનો આરોપ મૂક્યો છે. પાકિસ્તાનના પ્રવક્તાએ ડોક્યુમેન્ટરીને બોલીવુડની ફિલ્મોની જેમ જ કાલ્પનીક ગણાવી છે. મીનીયુદ્ધમાં પોતે જીત્યુ હોવાની ડંફાસ પણ પાકિસ્તાને મારી છે. ઓપરેશન સિંદુર દરમિયાન પાકિસ્તાનને મોટુ નુકશાન થયું હતું જે ડોક્યુમેન્ટરીમાં યથાવત બતાવવામાં આવ્યું છે. ડોક્યુમેન્ટરીમાં જે સત્ય બતાવવામાં આવ્યું છે એનાથી પાકિસ્તાનના સૈન્યની ભારે બદનામી થઈ છે.
કરુણાનીધિના અપમાનજનક સંબોધન બાબતે સીએમ વિજયએ માફી માંગી
તામિલનાડુ વિધાનસભામાં એક મંત્રીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ કરૂણાનીધિનું નામ કોઈ સન્માનજનક સંબોધન વગર લેવાવાથી મુખ્યમંત્રી જોસેફ વિજયએ તરત જ માફી માંગી લીધી હતી. રાજ્યના વન મંત્રી આર વી રંજીતકુમારએ ડીએમકેના પીઢ નેતાનું નામ લેતી વખતે કલૈયગનાર (વિદ્વાન) શબ્દનો ઉપયોગ કર્યો નહોતો. તામિલનાડુ વિધાનસભામાં એમના માટે સંબોધન કરતી વખતે આ વિશેષણ લગાડવાની પરંપરા છે. મંત્રીની ટીપ્પણી પછી વિરોધપક્ષ ડીએમકેએ તરત જ વિરોધ પ્રદર્શીત કર્યો હતો. વિરોધપક્ષના વિરોધને શાંત કરવા માટે મુખ્યમંત્રીએ મધ્યસ્થતા કરવી પડી હતી. તામિલનાડુમાં દિવંગત નેતાઓ માટે હંમેશા માનપૂર્વક સંબોધન કરવામાં આવે છે. આ બાબતે તામિલનાડુના લોકો પણ ખુબ સંવેદનશીલ છે. ચૂંટણી પ્રચાર વખતે પણ બીજા રાજ્યોની જેમ વિરોધીઓ છીછરી ભાષામાં એક બીજાની ટીકા કરી શકતા નથી.