Delhi ni Vaat

મોદી સરકારના નવા મંત્રી મંડળમાં કેવા ફેરફાર થશે?

By GS Team
27 Jun 20265 mins read
TukuTouch Logo
નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળમાં આગામી 2-3 દિવસમાં ફેરફાર શક્ય છે. મહારાષ્ટ્રના 'ઓપરેશન ટાઇગર'ની અસર જોવા મળશે, જ્યાં શિંદે જૂથને એક કેબિનેટ મંત્રીપદ મળી શકે છે. ડો. શ્રીકાંત શિંદે અને ઓમ રાજે લિબાલકરના નામ ચર્ચામાં છે. ઉપરાંત, એનસીપીમાંથી સુનેત્રા પવારને પણ સ્થાન મળી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોદી સરકારના નવા મંત્રી મંડળમાં કેવા ફેરફાર થશે?

નવીદિલ્હી : જો બીજું કોઈ વિઘ્ન નહીં આવે તો આવનાર બે - ત્રણ દિવસમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે. મહારાષ્ટ્રમાં સફળ થયેલા 'ઓપરેશન ટાઇગર'ની અસર મંત્રીમંડળના ફેરફારમાં પણ જોવા મળશે. ઉદ્ધવ ઠાકરેના ૬ સાંસદો એકનાથ શિંદે સાથે જોડાતા શિવસેનાની તાકાત વધી ગઈ છે. ચર્ચા એવી છે કે, એક કેબિનેટ મંત્રીપદ શિવસેનાને પણ મળી શકે છે. મંત્રીપદ માટે શિંદેના પુત્ર ડો. શ્રીકાંત શિંદેની સાથે ધારાશિવના સાંસદ ઓમ રાજે લિબાલકરનું નામ પણ ચાલી રહ્યું છે. જો આમ થશે તો એનસીપી (સુનેત્રા પવાર)માંથી પણ કોઈ મંત્રી બની શકે છે. જ્યારે નરેન્દ્ર મોદીએ સોગંદ લીધા હતા ત્યારે પ્રફુલ્લ પટેલનું નામ મંત્રી તરીકે ચર્ચામાં હતું. જોકે એમને રાજ્ય મંત્રીનું પદ ઓફર થયું હોવાની વાત અટકી ગઈ હતી.
વિવાદ પછી ચૂંટણી કમિશનરે કહ્યું કે, સર માટે પાસપોર્ટ પણ માન્ય
ભારતીય પાસપોર્ટ બાબતે દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. વિદેશ મંત્રાલયના એક અધિકારીએ પાસપોર્ટને નાગરીકતા માટેનો પુરાવો નહી ગણતા ચર્ચા ચાલુ થઈ છે. હવે ચૂંટણી કમિશનએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. કમિશને કહ્યું હતું કે વોટર લિસ્ટમાં પોતાનું નામ દાખલ કરાવવા કે ચાલુ રખાવવા માટે ભારતીય પાસપોર્ટ આજે પણ સંપૂર્ણ રીતે માન્ય છે. વોટર લીસ્ટમાં પોતાનું નામ દાખલ કરાવવા કે ચાલુ રખાવવા માટે જે ૧૨ જરૂરી દસ્તાવેજો છે એમાંથી પાસપોર્ટ પણ એક છે. ચૂંટણી કમિશનના એક અધિકારીના કહેવા પ્રમાણે પહેલા પણ પાસપોર્ટ ઓળખ સાબિત કરવા માટે માન્ય હતો અને આજે પણ છે. આ નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બિહાર અને આસામમાં હમણા જ થયેલા એસઆઇઆર અભિયાન વખતે પાસપોર્ટને માન્ય દસ્તાવેજ તરીકે ગણવામાં આવ્યો હતો.

  • આઇબીના નવા ચીફ મહેશ દિક્ષીત કોણ છે
    કેન્દ્ર સરકારે ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના નવા ચીફ તરીકે સિનિયર આઇપીએસ અધિકારી મહેશ દિક્ષીતના નામને મંજૂરી આપી દીધી છે. તેલંગાણા કેડર અને ૧૯૯૩ બેંચના આઇપીએસ અધિકારી પાસે જાસુસી કામગીરી અને ઇન્ટરનલ સિક્યુરીટીનો બહોળો અનુભવ છે. એમની સૌથી મહત્વપૂર્ણ નિમણૂક જમ્મુ-કાશ્મીર અને લેહ વખતની છે. એમણે શ્રીનગરની આઇબી ઓફિસમાં ઇન્ટેલિજન્સ બ્યુરો ચીફ તરીકે કામગીરી કરી હતી. કેન્દ્ર સરકારે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ દુર કરી હતી ત્યારે પરિસ્થિતિને કાબુમાં રાખવા મહેશ દિક્ષીત ત્યા હતાં. એમ મનાય છે કે ગ્રાઉન્ડ લેવલ પર તેમજ આતંકવાદ વિરોધી અભિયાનોનો દિક્ષીતને મોટો અનુભવ છે. સામ્યવાદી ઉગ્રવાદ અને સરહદની પેલી બાજુથી થતી ઘૂસણખોરી પર એમણે ઘણું કામ કર્યું છે. દેશની આંતરીક સુરક્ષાનો એમને ઘણો અનુભવ છે.
  • અભિષેક બેનર્જીના પીએની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી
    તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ સાંસદ અભિષેક બેનર્જીના પ્રાઇવેટ આસીસ્ટન્ટ (પીએ) સુમિત રોય સામે કરોડો રૂપિયાની સરકારી જમીન ગોટાળાનો કેસ થયો છે. આ કેસ બાબતે કલકત્તા હાઇકોર્ટે એમને કોઈ રાહત આપી નથી. સુમિત રોયએ આગોતરા જામીન માટે અરજી કરી હતી જે ફગાવી દેવામાં આવી છે. હવે સુમિત રોયની ધરપકડનો રસ્તો ખુલી ગયો છે. કેસની સુનાવણી કરતા જસ્ટીસ જય સેનગુપ્તાએ કડક ટીપ્પણી કરીને કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ તમારી સામે છેતરપીંડી અને પૈસા લેવા માટે ગુનો કર્યો હોવાના પુરતા પુરાવા છે. કોર્ટે કડકાઇથી કહ્યું હતું કે આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ સરકારની લગભગ ૩૦૦ એકર જમીન બોગસ દસ્તાવેજો બનાવીને વેચવાનું સંગઠીત રેકેટ છે.
  • નિતિશના માનીતા આઇએએસ અનન્યા સિંહ કોણ છે
    નિતિશકુમારના ડ્રીમ પ્રોજેક્ટ જીવીકા માટે નવા એડિશનલ સીઇઓની નિમણૂક થઈ ગઈ છે. ૨૦૧૯ બેંચના આઇએએસ ઓફિસર અનન્યા સિંહ આ જવાબદારી સંભાળશે. જીવીકાએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, 'જીવીકા પરિવાર શ્રીમતી અનન્યા સિંહ, આઇએએસને જીવીકાના એડિશનલ સીઇઓ બનવા બદલ અભિનંદન આપે છે.' અનન્યા સિંહની આટલી ચર્ચા શા માટે થઈ રહી છે? પ્રયાગરાજના રહેવાસી અનન્યાએ ૧૦મી અને ૧૨મીની બોર્ડ પરીક્ષાઓમાં અગ્રક્રમ મેળવ્યો હતો. તેમણે ફક્ત ૨૨ વર્ષની ઉંમરે સીએસઇની પરીક્ષા પસાર કરી હતી. અનન્યા સિંહે દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોર્મસમાંથી ઇકોનોમીક્સની ડિગ્રી મેળવી હતી. આકર્ષક પ્રતિભા ધરાવતા અનન્યા સિંહના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. અનન્યા સિંહ પહેલેથી બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નિતિશકુમારના માનીતા રહ્યા છે.
  • ઇરાન - અમેરિકા વચ્ચેની સમજૂતી પછી આરબ દેશોને કઈ ચિંતા
    અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલી સમજૂતી ટકી રહે એ તરફ વિશ્વ આખાની નજર છે. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ અટકતો નથી. અમેરિકા અને ઇરાન યુદ્ધને કારણે વચમાં ફસાયેલા ખાડીના આરબ દેશો ચિંતીત છે. જો તણાવ પાછો વધે છે તો સૌથી વધુ નુકશાન ખાડીના દેશોને થવાનું છે. અમેરિકા - ઇરાન વચ્ચેના યુદ્ધમાં સૌથી વધુ નુકશાન ખાડી દેશોમાં થયું છે. જોર્ડનના આંતરરાષ્ટ્રીય કાયદા નિષ્ણાંત પ્રો. હમા મઝાલીનું કહેવું છે કે, 'આ યુદ્ધમાં અમેરિકા ઇઝરાયલને કારણે આવ્યું છે આ સમજૂતી કેટલી ટકશે એ માટે અમે ઇઝરાયલની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છીએ.' આરબ દેશોના સત્તાધિશો તેમજ પ્રજા શાંતિ ઇચ્છે છે, કારણ કે એમને મોટુ આર્થિક નુકશાન થયું છે. કુવેતની એક વ્યક્તિએ ટીવી મુલાકાતમાં કહ્યું હતું કે 'અમે યુદ્ધ ઇચ્છતા નથી. અમને શાંતિ જોઈએ છે. મને યાદ છે કે ઇરાનની મિસાઇલોના અવાજથી ડરેલા બાળકોને અમારે કઈ રીતે સમજાવવા પડતા હતા.'
  • કેતન અગ્રવાલ હત્યા કેસમાં આવી રહેલી વિરોધાભાસી વાતો
    પૂણેના કેતન અગ્રવાલ હત્યા કેસ દેશભરમાં ચર્ચાઇ રહ્યો છે. આ કેસમાં દરરોજ નવી વાતો બહાર આવી રહી છે. પોલીસ કેતનની હત્યાને આયોજન પૂર્વકની હત્યા માની રહી છે. આરોપી સિયા ગોયલની માતાએ પોતાના કુટુંબ તરફથી વાત કરી છે. સિયાની માતાના કહેવા પ્રમાણે એમની પુત્રીની ઇચ્છાને કારણે જ લગ્ન નક્કી થયા હતા. સિયા પોતે કેતન સાથે લગ્ન કરવા માંગતી હતી. અમને કદી એવું લાગ્યું નથી કે સિયાને કેતન ગમતો નથી. બંને આખો દિવસ વીડિયો ફોન પર વાત કરતા રહેતા હતા. અમને કદી શંકા આવી નહોતી કે સિયાને કેતન સાથે લગ્ન કરવા નથી. જોકે બીજી તરફ સિયા ગોયલએ પોલીસને એવું કહ્યું હોવાનું મનાય છે કે એને કેતન સાથે લગ્ન કરવા નહોતા. કેતનના વાળ ખરી રહ્યા હતા અને બોલતી વખતે પણ એ ખચકાતો હોવાથી સિયાને કેતન પસંદ નહોતો.