દિલ્હી ની વાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એનડીએ બંને ગૃહોમાં જરૂરી બેઠકોની નજીક પહોચતા હવે શું?
નવીદિલ્હી: લોકસભામાં હમણા કુલ ૫૪૦ સાંસદો છે. એનડીએએ ૨/૩ બહુમતિ મેળવવા માટે ૩૬૦ સાંસદોની જરૂર છે. રાજ્ય સભામાં એનડીએ ૨/૩ બહુમતિના આંકડા ૧૬૪ની નજીક પહોંચી ગયું છે. એનડીએની સંખ્યામાં બીજી ૩ બેઠકોનો વધારો થવાની શક્યતા છે. બીજી પેટા ચૂંટણીમાં એનડીએ વધુ ૩ બેઠકો ઉમેરી શકે છે. એનડીએને કોઈપણ હિસાબે સીમાંકન બીલ પસાર કરવું છે. બીલના મતદાન વખતે ડીએમકેના ૮ સાંસદ મતદાનથી દુર રહી શકે છે. ભાજપ કોઈપણ હિસાબે આગામી લોકસભાની ચૂંટણી પહેલા સિમાંકન બીલ પસાર કરાવવા માંગે છે. નવા સિમાંકનને કારણે ભાજપને મોટો ફાયદો થઈ શકે એમ છે. ટીએમસીના ૨૦ સાંસદો નાના પક્ષ સાથે જોડાઈને એનડીએને ટેકો આપશે એમાં શંકા નથી. નવા સિમાંકનને કારણે લોકસભામાં વધારે વસ્તી ધરાવતા ઉત્તરના રાજ્યોનું પ્રતિનિધિત્વ દક્ષિણ અને પશ્ચિમના રાજ્યો કરતા વધી જશે.
ઓડીસાના પાઠય પુસ્તકોમાં ૧,૬૭૮ ભૂલો
ઓડીસામા નવું શિક્ષણ વર્ષ ચાલુ થયા પછી સ્કૂલોના પાઠય પુસ્તકોમાં ભારે ભૂલો સામે આવી રહી છે. બાળકો અભ્યાસ શરૂ કરે એ પહેલા જ ગૂંચવાઈ ગયા છે. પહેલા ધોરણથી માંડીને આઠમાં ધોરણ સુધીના નવા પાઠય પુસ્તકોમાં ૧,૬૭૮ ભૂલો સામે આવી છે. અમુક ભૂલો તો એટલી ગંભીર છે કે એવું લાગે કે આ પુસ્તકો લખનાર પોતે અભણ હોવા જોઈએ. પુસ્તકમાં આઇઝેક ન્યૂટનને પાયલટ ગણાવવામાં આવ્યા હતા તો હમ્પી મંદિરને કોણાર્કના સૂર્ય મંદિર તરીકે ગણાવવામાં આવ્યું હતું. બીજા રાજ્યોની જાણીતી ઐતિહાસીક મિલકતોને ઓડીસામાં બતાવવામાં આવી હતી. આ ઘટના બહાર આવ્યા પછી મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ તપાસના આદેશ આપીને ચાર સિનિયર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ થયેલા અધિકારીઓમાં સ્કૂલ અને જનશિક્ષા વિભાગના એડિશનલ સેક્રેટરી મનોજ પાઢી ઉપરાંત જોઇન્ટ ડિરેક્ટર કક્ષાના ત્રણ અધિકારીઓ પ્રલિપ્તા મિશ્રા, દિલીપકુમાર સાહુ અને ભારતી ટુડુનો સમાવેશ થાય છે.
જજ સ્વર્ણકાંતા શર્મા એમપી-એમએલએ કેસોની સુનાવણી નહીં કરે
દિલ્હી હાઇકોર્ટના જજો માટે એક નવા રોસ્ટરની જાહેરાત થઈ છે. આ રોસ્ટર ૧લી જુલાઈ ૨૦૨૬થી લાગુ થશે. રોસ્ટરમાં સુનાવણી માટે હાલની બેંચોના પાવરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તાજા રોસ્ટર પ્રમાણે અરવિંદ કેજરીવાલના કેસથી ચર્ચામાં આવેલા દિલ્હી હાઇકોર્ટના જજ સ્વર્ણકાંતા શર્માની જગ્યાએ હવે જસ્ટીસ મનોજ જૈન હાલના અને ભૂતપૂર્વ સાંસદ - ધારાસભ્યોના કેસોની સુનાવણી કરશે. જસ્ટીસ શર્મા હવે આરટીઆઇ, કાર્યસ્થળે મહિલાઓના થતા યૌન શોષણ વગેરે બાબતની સુનાવણી કરશે. મનોજ જૈન જુદા જુદા પ્રકારના જામીન, વર્ષ ૨૦૨૬ની ક્રિમિનલ રીવીઝન પીટીશન, રીટ પીટીશન અને ક્રિમિનલ રીટ પીટીશનની સુનાવણી કરશે. આ પહેલા સાંસદો અને ધારાસભ્યો સાથે જોડાયેલા કેસોની સુનાવણી કરવાની જવાબદારી સુવર્ણાકાંતા પાસે હતી. જાણી શકાયું નથી કે અરવિંદ કેજરીવાલના વિવાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે બીજા કોઈ કારણસર.
છત્તીસગઢમાં પણ યુનીફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી
દેશના વધુ એક રાજ્યમાં યુનીફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાની તૈયારી થઈ ગઈ છે. છત્તીસગઢ સરકારે રાજ્યમાં યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવાની કસરત ચાલુ કરી છે. આ માટે સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ સમીતી દેશના બીજા રાજ્યોમાં લાગુ કરવામાં આવેલા યુસીસી કાયદાનો અભ્યાસ કરશે. આ બાબતે જનભાગીદારી માટે લોકો સમક્ષ જવામાં આવશે અને ત્યાર પછી રાજ્ય સરકારને રીપોર્ટ આપવામાં આવશે. યુનીફોર્મ સિવિલ કોડ એટલે દેશના તમામ નાગરીકો માટે ધર્મ, જાતી કે લીંગની પરવા કર્યા વગર એક જ કાયદો. હમણા પરિસ્થિતિ એવી છે કે અલગ અલગ ધર્મ માટે અલગ અલગ કાયદાઓ છે. જેમ કે હિન્દુ મેરેજ એક્ટ કે મુસ્લિમ પર્સનલ લો.
ભારતમાં કુવારાઓની સંખ્યા કેમ વધી રહી છે?
ભારતમાં યુવાનોમાં મોડેથી લગ્ન કરવાની અને અપરણીત રહેવાની પ્રથા વધી રહી છે. પહેલા એમ મનાતું હતું કે, આ સમસ્યા ફક્ત કન્યા ભુ્રણ હત્યાને કારણે વધી છે, પરંતુ એક આંતરરાષ્ટ્રીય રીસર્ચ કર્યા પછી બીજા કેટલાક ગંભીર કારણો પણ બહાર આવ્યા છે. દેશમાં ઓછી નોકરી અને આર્થિક અસ્થિરતા આજના યુવાનોના લગ્ન માટેની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. પોપ્યુલેશન સ્ટડીઝમાં પ્રકાશિત રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કન્યા પક્ષ હવે એવા પતિની શોધમાં છે કે જેની પાસે સ્થાયી નોકરી અને આર્થિક સુરક્ષા હોય. આ કારણે મોટી સંખ્યામાં યુવાન પુરુષો લગ્ન કરી શકતા નથી. પ્રથમ વર્ગમાં એવા યુવાનો આવે છે કે જેઓનું શિક્ષણ ઓછું હોય છે અને બેરોજગાર હોય છે. બીજા વર્ગમાં શિક્ષીત હોય, પરંતુ બેરોજગાર હોય એવા યુવાનોનો સમાવેશ થયો છે અને ત્રીજા વર્ગમાં એવા યુવાનો છે કે જેઓ શિક્ષીત હોય છે અને જેમની પાસે સ્થાયી રોજગારી પણ હોય છે.
એનસીઇઆરટીના પુસ્તકોનો વિવાદ વધી રહ્યો છે
નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ (એનસીઇઆરટી)ના નવમાં ધોરણનું સામાજીક વિજ્ઞાાનના પાઠય પુસ્તકમાં કેટલીક નવી બાબતો જોડવામાં આવી છે. આ પાઠય પુસ્તકમાં કટોકટી, ચૂંટણી કમિશન અને ભારતીય જ્ઞાાન પરંપરા જેવા વિષયો સમાવવામાં આવ્યા છે. પુસ્તકમાં મનુસ્મૃતિનો એક શ્લોક પણ મૂકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી એનસીઇઆરટીના પાઠય પુસ્તકોમાં કોઈને કોઈ કારણસર વિવાદ થઈ રહ્યો છે. ગયા વર્ષે આઠમાં ધોરણના એક પાઠય પુસ્તકમાં ન્યાયતંત્રના ભ્રષ્ટાચાર વિશે પ્રકરણ છપાયું હતું. આ પ્રકરણને કારણે સુપ્રિમ ર્કાર્ટના ન્યાયાધીશો એટલા ભડકી ગયા હતા કે છેવટે આ પુસ્તકને આખા દેશમાંથી પરત ખેંચવામાં આવ્યું હતું. ત્યાર પછી હવે નવા પુસ્તકમાં ન્યાયતંત્રના ભારોભાર વખાણ કરવામાં આવ્યા છે.
'તમે ભારતમાં ચૂંટણી લડયા હોત તો લાખો મત મળત'
૨૦૨૩ના વર્ષમાં ભારતમાં થયેલા જોરદાર સ્વાગત બાબતે ઇટલીના વડાપ્રધાન જોર્જીયા મેલોનીએ એક દિલચસ્પ વાત શેર કરી છે. એ વખતે નવી દિલ્હીના રસ્તાઓ પર એમની તસવીર સાથેના પોસ્ટર્સ ચોટાડવામાં આવ્યા હતા. તેઓ જ્યારે ઇટલી પરત ફરી રહ્યા હતા ત્યારે એમણે જોયું કે એ જ પોસ્ટર્સ પર નવો મેસેજ લખ્યો હતો, 'વીઝીટ કરવા માટે થેંક્યુ .' આ કિસ્સો 'જોર્જીયાજ વીઝન' નામના પુસ્તકમાં છે. જે પુસ્તક પત્રકાર એલેસેન્ડ્રો સાલુસ્ટીએ મેલોની સાથેની વાતચીત પરથી લખ્યું છે. ભારતમાં થયેલા સ્વાગત પર ઇટલીના ડેપ્યુટી વડાપ્રધાન એન્ટોનિયો તઝાનીએ મજાક પણ કરી હતી. એમણે કહ્યું હતું કે, 'આ બધા પોસ્ટર્સ જોઈને લાગે છે કે, તમે જો દિલ્હીની બેઠક પરથી ચૂંટણી લડો તો આપને લાખો મત મળે.'




