Delhi ni Vaat

દિલ્હી ની વાત : Delhi ni vat

By GS Team
13 Jul 20265 mins read
TukuTouch Logo
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલએ RSS પર પ્રહાર કરતા કહ્યું કે, અયોધ્યામાં દાનચોરી પર RSSનો શોક ચોરી કર્યા પછી પસ્તાવો કરનાર ચોર જેવો છે. આ મુદ્દો સંસદમાં જોરદાર ઉઠાવશે. RSS ફક્ત દુઃખ વ્યક્ત કરીને છટકી શકે નહીં. અખિલેશ યાદવ આ મુદ્દો ચૂંટણીમાં ઉઠાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી ની વાત : Delhi ni vat

'પહેલા ચોરી કરી, પસ્તાવાનો દેખાવ કરવો આરએસએસની ટેવ'
નવીદિલ્હી: કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપલએ આરએસએસ પર પ્રહાર કર્યા છે. એમણે કહ્યું છે કે, અયોધ્યામાં થયેલી દાનચોરી પર આરએસએસએ શોક વ્યક્ત કર્યો છે. આ તો ચોરી કર્યા પછી પશ્ચાતાપ કરનાર ચોરના જેવું છે. આ મુદ્દો કોંગ્રેસ સંસદમાં જોરદાર રીતે ઉઠાવશે. વેણુગોપાલના કહેવા પ્રમાણે અયોધ્યા ચોરીમાં થયેલો ગરબડનો મુદ્દો દેશ માટે મોટો છે. આરએસએસ ફક્ત દુઃખ વ્યક્ત કરીને છટકી શકે નહીં. એમણે પૂછયું હતું કે, 'જો કોઈ ચોર ચોરી કર્યા પછી પસ્તાવો વ્યક્ત કરે તો શું મામલો પુરો થઈ જાય? જો મંદિરની સંપત્તિ લૂંટનારાઓ પસ્તાવો કરે તો એનો મુદ્દો પુરો થઈ જાય? શું આ વિશ્વાસ પર હુમલો નથી? આરએસએસએ કર્ણાટકના બેલગામી ખાતે આયોજીત અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠકમાં અયોધ્યા રામ મંદિરમાં થયેલી ચોરી બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું.
સુપ્રિમ કોર્ટની ફોર્મ્યુલા ન હિન્દુઓને ગમી ન મુસ્લિમોને
જ્ઞાાનવાપી મસ્જિદ, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ તેમજ સંભલ મસ્જિદ બાબતે હિન્દુ અને મુસ્લિમ પક્ષે સુપ્રિમ કોર્ટનો પ્રસ્તાવ નકારી દીધો છે. સુપ્રિમ કોર્ટે ત્રણે કિસ્સાઓમાં મધ્યસ્થતા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે બંને પક્ષોએ કહ્યું કે, આ ત્રણે વિવાદો પર કોર્ટમાં જ કાયદાકીય લડાઈ લડીને નિર્ણય લેવામાં આવે. વારણસીમા એક બીજાની નજીકમાં આવેલા ધાર્મિક સ્થળોનો વિવાદ, અયોધ્યા અને મથુરામાં ત્રણ સૌથી વધુ ચર્ચીત બાબતોનો વિવાદ ચાલી રહ્યો છે. હિન્દુ પક્ષનો દાવો છે કે મૂળ કાશી વિશ્વનાથ મંદિરને ઔરંગઝેબના શાસન દરમિયાન તોડી નાખવામાં આવ્યું હતું અને એની ઉપર જ્ઞાાનવાપી મસ્જિદ બનાવવામાં આવી હતી. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે આ વિવાદ ઉપાસના સ્થળ કાયદા હેઠળ ચાલી શકે એમ નથી, કારણ કે વર્ષોથી અહીં મસ્જિદમાં નમાઝ પઠવામાં આવે છે.
અમેરિકન કેદીએ પાસ્તા માગતા તિહાર જેલનું મેન્યુ બહાર આવ્યું
ભારત - મ્યાનમાર બોર્ડર નજીકથી આતંકવાદી કાવતરૂ કરવા માટે તિહાર જેલમાં બંધ અમેરિકાના નાગરીક મેથ્યુ આરોન વૈનડાઇકએ જેલ શાસકો પાસે પોતાનું ભોજન બનાવવાની પરવાનગી માંગી છે. એનું કહેવું છે કે જેલમાં બનતું મસાલેદાર અને તેલવાળું ભારતીય ખાવાનું એને પસંદ નથી. આ ખોરાક ખાઈને એની તબિયત બગડી ગઈ છે. આ સાથે એણે પાસ્તા, ચીકન, રેડમીટ, દાળ, ઓલીવ ઓઇલ, ટોન્ડ મિલ્ક, સોયા મિલ્ક અને મીનરલ વોટરની માંગણી કરી છે. આ તમામ માટે એનો પરિવાર ખર્ચ ઉઠાવવા તૈયાર છે. જેલમાં રહેવાને કારણે એનું વચન ૧૪ કીલો ઘટી ગયું છે. આ અરજીની સુનાવણી ચાલી રહી છે ત્યારે હવે તિહાર જેલનું મેન્યુ બહાર આવ્યું છે. તિહાર જેલમાં દિવસમાં ચાર વખત ખાવાનું મળે છે. સવારે, બપોરે, સાંજે અને રાત્રે ડિનરનો સમાવેશ થાય છે. જેલમાં ૧૪ હજાર જેટલા કેદીઓ છે. સવારે જેલમાં ચાની સાથે બિસ્કીટ કે બ્રેડ અને પુરી - શાક મળે છે. બપોરના સમયે ચાર રોટલી, દાળ અને શાક મળે છે. મોડી બપોરે ફરીથી ચા અને બિસ્કીટ મળે છે. રાત્રે જમવામાં ૪ રોટલી, દાળ અને શાક આપવામાં આવે છે.
સીજેપીના ધરણામાં ગુંડા કોણે મોકલ્યા
'કોકરોચ જનતા પાર્ટી' છેલ્લા ૧૭ દિવસથી દિલ્હીના જંતરમંતર ખાતે ધરણા પ્રદર્શન કરી રહી છે. નીટની પરીક્ષામાં થયેલી ગરબડ બાબતે સીજેપી શિક્ષણ મંત્રી ધર્ર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગે છે. ધરણા પ્રદર્શનની આગેવાની સીજેપીના પ્રમુખ અભિજીત દિપકેએ લીધી છે. લદ્દાખના ચળવળકર્તા સોનમ વાંગચુક પણ જંતરમંતર ખાતે ભૂખ હડતાળ કરી રહ્યા છે. પ્રદર્શનમાં જોકે મામુલી લોકો દેખાય છે અને એમાંથી અરધા તો મફતમાં મળતા સમોસા અને વડા ખાવા આવે છે. અભિજીત દિપકે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને આરોપ મૂક્યો છે કે પ્રદર્શન સ્થળે ગુંડાઓ મોકલીને પ્રદર્શનને બદનામ કરવામાં આવે છે. એમણે લખ્યું છે કે, 'સીસ્ટમની અંદર રહેલા અમારા સૂત્રોએ કહ્યું છે કે, સંસદ સુધીની અમારી માર્ચ પહેલા જંતરમંતર ખાતે બહારના ગુંડાઓ મોકલવામાં આવશે.'
અખિલેશ યાદવ દાન ચોરીને ચૂંટણીનો મુદ્દો બનાવશે
અયોધ્યાના શ્રીરામ મંદિરમાં થયેલી દાન ચોરી બાબતે હવે વિરોધપક્ષો વિચારી રહ્યા છે કે આ મુદ્દાનો ફાયદો કઈ રીતે લેવો. દાન ચોરી બહાર આવવાથી કયા પક્ષને કેટલો ફાયદો થશે એના સમીકરણો પણ મૂકવામાં આવી રહ્યા છે. અયોધ્યામાં શ્રીરામ મંદિર બન્યુ ત્યારે ભાજપે પુરો રાજકીય ફાયદો ઉઠાવ્યો હતો એટલે હવે વિરોધપક્ષો પણ લાગ જોઈને આ બાબતે રાજકીય દાવ ખેલશે. કેટલાક રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, ભાજપ આ બાબતે કેટલુ ડેમેજ કન્ટ્રોલ કરે છે એ જોવું રહ્યું. લોકોની લાગણી સાથે આ મુદ્દો જોડાયેલો છે એ વાત સાચી, પરંતુ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે આટલા વર્ષો સુધી રામ મંદિરની ચિંતા કેમ કરી નહોતી એવો સવાલ પણ પૂછાશે. પરિસ્થિતિનો ફાયદો લેવા માટે અખિલેશ યાદવ સૌથી સક્રિય છે. એમણે સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું છે તેમજ શ્રીરામનો મહિમા ગાવાનું પણ શરૂ કર્યું છે.
ધારાસભ્યોને ખરીદવાના નિવેદન બદલ ફારૂખ અબ્દુલ્લાને નોટીસ
જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ સત પોલ શર્માએ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને કાયદાકીય નોટીસ ફટકારી છે. અબ્દુલ્લા પર એમણે જૂઠા અને પાયાવિહોણા આરોપ મૂકવાનો આક્ષેપ કર્યો છે. નોટીસમાં કહેવામાં આવ્યું છે કે જો અબ્દુલ્લા ૭ દિવસમાં માફી નહીં માગે અથવા નિવેદન પાછુ નહીં લે તો એમના પર ૧૦૦ કરોડ રૂપિયાનો ફોજદારી બદનક્ષીનો દાવો કરવામાં આવશે. આ વિવાદ ત્યારે શરૂ થયો હતો ત્યારે ઉમર અબ્દુલ્લાએ ૧૧મી જુલાઈએ શ્રીનગરમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાજપ પર ગંભીર આરોપ મૂક્યો હતો. મુખ્યમંત્રીનો આરોપ હતો કે ભાજપના એક પદાધીકારીએ નેશનલ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને પક્ષપલ્ટો કરવા માટે ૨૦ થી ૩૦ કરોડ રૂપિયા અને મંત્રીપદ આપવાની લાલચ આપી હતી. અબ્દુલ્લાએ એમ પણ કહ્યું હતું કે આ લાંચ આપનાર ભાજપનો પદાધિકારી સુપ્રિમ કોર્ટમાં વકીલાત કરે છે.
ત્રણ દસક પછી હિન્દુ પરિવારે હંદવાડામાં રેસ્ટોરાં ખોલી
ત્રણ દસક પહેલા આતંકવાદને કારણે કાશ્મીર ખીણમાંથી પરિસ્થિતિને કારણે પોતાનું ઘર છોડવા મજબૂર બનેલા વિસ્થાપિત કાશ્મીરી હિન્દુઓ પોતાના વતન પરત ફરવાની કોશિષ કરી રહ્યા છે. કુપવાડા જિલ્લાના લંગેટ (હંદવાડા)માં ચંદ્રા ધર કુટુંબ પોતાના પૂર્વજોના ઘરમાં રહેવા તો ગયા જ છે, પરંતુ એમણે ત્યાં 'ટેસ્ટ એન્ડ ટ્રીટ્સ' નામથી એક રેસ્ટોરાં પણ શરૂ કરી છે. આનંદની વાત એ છે કે, સ્થાનિક લોકોએ પણ એમનું સ્વાગત કર્યું છે. સ્થાનિકોએ એમને આશ્વાસન આપ્યું છે કે તેઓ એમની પડખે છે. ચંદ્રા ધરના કહેવા પ્રમાણે લંગેટની ગલીઓમાં એમનું બાળપણ વિત્યુ છે અને તેઓ હંમેશા પોતાના વતન પરત ફરવા માંગતા હતા. ચંદ્રાના બંને પુત્રો દિવ્યાંગ છે. તેઓ ગરમી સહન કરી શકતા નથી એટલે કાશ્મીરનું વાતાવરણ એમને વધુ અનુકુળ આવે એમ છે.