Delhi ni Vaat

રાહુલ ગાંધીએ લોંચ કર્યું 'સત્યાગ્રહ પોર્ટલ'

By GS Team
4 Oct 20265 mins read
TukuTouch Logo
લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ 'સત્યાગ્રહ' નામનું ડીજીટલ પ્લેટફોર્મ લોંચ કર્યું છે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ દેશભરમાં ચાલી રહેલા વિવિધ વિરોધ પ્રદર્શનો અને આંદોલનોની જાણકારી એક જ જગ્યાએથી મેળવીને સરખા મુદ્દાઓ પર સંઘર્ષ કરી રહેલા લોકોને એક સાથે જોડવાનો છે. આ પ્લેટફોર્મ પર પ્રદર્શન કરનારાઓ પોતાની તકલીફની જાણકારી મૂકી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાહુલ ગાંધીએ લોંચ કર્યું 'સત્યાગ્રહ પોર્ટલ'

નવીદિલ્હી : લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ 'સત્યાગ્રહ' નામનું ડીજીટલ પ્લેટફોર્મ લોંચ કર્યું છે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ દેશભરમાં ચાલી રહેલા વિવિધ વિરોધ પ્રદર્શનો અને આંદોલનોની જાણકારી એક જ જગ્યાએથી મેળવીને સરખા મુદ્દાઓ પર સંઘર્ષ કરી રહેલા લોકોને એક સાથે જોડવાનો છે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા એક્સ પર વીડિયો મૂકીને અન્યાય સામે લડતા લોકોની વાતો જાહેર કરવાની અપીલ કરી છે. એમણે કહ્યું હતું કે પ્રદર્શન કરનારાઓ પોતાની તકલીફની જાણકારી પ્લેટફોર્મ પર મૂકી શકે છે. એ સિવાય ઇન્ટરેક્ટીવ મેપ દ્વારા દેશના વિવિધ ભાગોમાં એક સરખા મુદ્દે ચાલી રહેલા આંદોલનને જોઈ પણ શકાશે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશ આખામાં ઘણા લોકો પોતાના અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યા છે અને કેટલીક વાર એમણે પોતે એકલાએ જ પોતાનો અવાજ ઉઠાવવો પડે છે. એમણે વિદ્યાર્થીઓ, ખેડૂતો, આદિવાસીઓ, દલીતો અને મહિલાઓ સાથે જોડાયેલા આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો.
ડ્રગ કિંગ નવપ્રિત સિંહને કઈ રીતે ભારત લાવવામાં આવ્યો
આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરી નેટવર્કના આરોપી નવપ્રિત સિંહને તુર્કીથી ભારત પરત લાવવામાં સફળતા મળી છે. નવપ્રિત સિંહને પ્રત્યાર્પણ સંધીને કારણે ભારત પરત લાવવામાં આવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઠંડક થઈ છે. ઘણા સમયથી નવપ્રિત સિંહ એમના રડાર પર હતો. અમિત શાહે પોતે આ બાબતે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું અને મોદી સરકારની એક મોટી સિદ્ધી ગણાવી હતી. નવપ્રિત સિંહે તૂર્કીની નાગરીકતા બોગસ દસ્તાવેજોને આધારે મેળવી હતી. નવપ્રિત સિંહ, નવાબ વિર્ક નામની ઓળખનો ઉપયોગ કરતો હતો. નવપ્રિત સિંહ પર આરોપ છે કે એ અફઘાનિસ્તાનથી ભારતમાં હેરોઇન અને મેથામમેટામાઇનની દાણચોરી કરતો હતો. ભારતની એજન્સીઓએ એની સાચી ઓળખ મેળવવા માટે ખૂબ મહેનત કરી હતી અને છેવટે એને પકડી પાડયો હતો.
મુંબઈમાં સીજેપી પ્રોટેસ્ટવાળી જગ્યા પર અરાજકતા
મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક ખાતે કોકરોચ જનતા પાર્ટી આંદોલન કરી રહી છે. વિરોધ પ્રદર્શનમાં યુવાનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારનું રાજીનામું માગતા હતા. એક સમયએ આ સ્થળે ગરમાગરમી થઈ ગઈ હતી. ૨૦ થી ૨૫ યુવાનોનું એક ટોળુ ત્યાં પહોંચ્યું હતું અને 'જય શ્રી રામ'ના સૂત્રો પોકારતું હતું. અપ્રિય ઘટનાને રોકવા માટે પોલીસ તરત આ યુવાનોના ટોળાને પ્રદર્શન સ્થળથી દૂર લઈ ગઈ હતી. એમ માનવામાં આવે છે કે શિવાજી પાર્ક ખાતે રહેતા લોકો એટલા માટે નારાજ છે કે શિવાજી પાર્કનો ઉપયોગ હવે દિલ્હીના જંતર મંતરની જેમ દરેક વિરોધ પ્રદર્શન માટે થઈ રહ્યો છે. પાર્કમાં ચાલવા માટે, રમત ગમત માટે કે વ્યાયામ માટે આવતા લોકો પણ પરેશાન થઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ કોણ છે
આગલા વર્ષના શરૂઆતમાં જ વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. રાજકીય પારો વધી રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં સંગઠનને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. પક્ષે અજય રાયને પ્રદેશ પ્રમુખ તરીકે દુર કરીને હવે આરાધના મિશ્રા ઉર્ફે મોનાને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા છે. આરાધના મિશ્રા 'મોના'નું કૌટુંબિક બેકગ્રાઉન્ડ જાણીતું છે. એમના પિતા પ્રમોદ તિવારી કોંગ્રેસના એક સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ છે. તેઓ હમણા રાજ્યસભામાં વિરોધપક્ષના ઉપનેતા છે. તેઓ ઉત્તર પ્રદેશની રામપુર વિધાનસભા બેઠક પરથી ૯ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. એક જ પક્ષના નિશાન પર સતત જીતવાનો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમના નામે છે. આરાધના પણ શરૂઆતથી જ સામાજીક કામગીરી સાથે જોડાયા હતા. એમણે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને ત્યાર પછી લાંબા સમય સુધી એનજીઓ સાથે જોડાયા હતા.
સાહીલના પિતા આઝાદ મેદાનમાં શા માટે પ્રદર્શન કરી શક્યા નહીં
આઇઆઇટી બોમ્બેના વિદ્યાર્થી સાહીલ વાંકોડે, જેમનું મૃત્યુ આત્મહત્યા કરવાથી થયું હતું, એમના પિતાને આઝાદ મેદાનમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં જોડાવાની પરવાનગી મળી નહોતી. ત્યાર પછી એમણે સંસ્થાના પવઇ કેમ્પસ જવાનું આયોજન કર્યું હતું. આઇઆઇટી બોમ્બેના વિદ્યાર્થીઓ સાહીલના મૃત્યુ પછી આંદોલન કરી રહ્યા છે. સંસ્થાના સત્તાધિશોની જવાબદારી નક્કી કરવાની માંગણી કરતા એમણે ભૂખ હડતાળ શરૂ કરી છે. કુટુંબના વકીલના કહેવા પ્રમાણે પોલીસે રવિન્દ્ર વાંકોડેને આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપી નહોતી. વાંકોડે દંપતીએ ગયા અઠવાડિયે ન્યાયની માંગણી કરીને પ્રો. સૂર્યનારાયણ દુલા અને આઇઆઇટીના ડિરેક્ટર સીરીસ કેડારેની ધરપકડની માંગણી કરી હતી. રવિન્દ્ર વાંકોડેની ફરિયાદ પછી પવઇ પોલીસે પ્રો. દુલા સામે આત્મહત્યાની ઉશ્કેરણી તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરી હતી.
મહારાષ્ટ્રની એમએલસી ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીને માટે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે શિક્ષક અને સ્નાતક મતવિસ્તારોની ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પક્ષે જૂના સભ્યો પર જ વિશ્વાસ મૂક્યો છે. જોકે અમરાવતી શિક્ષકની બેઠક પર અદિતી પહોરેને પહેલી વખત મોકો આપવામાં આવ્યો છે. ચૂંટણી ૨૩મી ઓક્ટોબરે થશે. કોંગ્રેસે નાગપુર સંભાગ મતવિસ્તારમાંથી અભિજીત વણજારીને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. પૂણે વિભાગ શિક્ષક મતવિસ્તારમાંથી જયંત દિનકર આસગાઉકરને પણ ફરીથી ટીકીટ મળી છે. કોંગ્રેસે ત્રણ બેઠકોમાંથી બે બેઠકો માટે હમણાના એમએલસીને જ ઉમેદવાર બનાવ્યા છે. આ વખતે મહારાષ્ટ્ર વિધાન પરિષદની કુલ પાંચ બેઠકો પર ચૂંટણી થવાની છે. મહાવિકાસ અઘાડીએ ચૂંટણી સાથે મળીને લડવાની યોજના બનાવી છે.
પેટાચૂંટણી પછી હુમાયુ કબીર દિલ્હી જઈને નેતાઓને મળશે
બંગાળના રેજીનગરની પેટા ચૂંટણી પહેલા આમ જનતા ઉન્નયન પાર્ટીના પ્રમુખ અને નાઉડાના ધારાસભ્ય હુમાયુ કબીરે કહ્યું હતું કે, ચૂંટણી પછી તેઓ દિલ્હી જઈને ભાજપ હાઇકમાન્ડને મળશે. રાજ્ય ભાજપ અને પોલીસ એમના પક્ષના કાર્યકરોને હેરાન કરતા હોવાનો આક્ષેપ એમણે કર્યો છે. હુમાયુના કહેવા પ્રમાણે પેટા ચૂંટણીમાં જીત કે હારની અસર દિલ્હી જવાના એમના નિર્ણય પર નહીં થાય. રેજીનગર પેટા ચૂંટણીમાં જે રીતે રાજ્યસરકાર અને પોલીસનો દુરઉપયોગ થઈ રહ્યો છે એનાથી હુમાયુ ચિંતીત છે. આ બાબતે હુમાયુ ચૂંટણી કમિશન તેમજ માનવાધિકાર કમિશનને પણ પત્ર લખવાના છે. એમને સમજણ પડતી નથી કે દેશમાં આટલા બધા રાજ્યોમાં ભાજપનું શાસન હોવા છતાં એક નાનકડી પેટા ચૂંટણી જીતવા માટે ભાજપએ શા માટે કાવાદાવા કરવા જોઈએ.