Delhi ni Vaat

પરમવીર ચક્ર વિજેતાઓ પણ સીજેપીના ટેકામાં

By GS Team
24 Jul 20265 mins read
TukuTouch Logo
નીટ પેપર લીક વિરુદ્ધ દેશભરમાં આંદોલન ઉગ્ર બન્યું છે. બે પરમવીર ચક્ર વિજેતાઓએ વિદ્યાર્થીઓને ટેકો જાહેર કર્યો છે અને સરકારને બળપ્રયોગને બદલે સંવાદ કરવા અપીલ કરી છે. બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહે પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સામાજિક કાર્યકર સોનમ વાંગચૂક ભૂખ હડતાળ પર હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં વિરોધ પક્ષના નેતાઓને તેમને મળવા દેવાયા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

પરમવીર ચક્ર વિજેતાઓ પણ સીજેપીના ટેકામાં

નવીદિલ્હી : નીટ પેપર લીક વિરુદ્ધ ચાલી રહેલું આંદોલન વધુ ઉગ્ર બનતું જાય છે. ભારતના ત્રણ જીવીત પરમવીર ચક્ર વિજેતાઓમાંથી બેએ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને ટેકો જાહેર કર્યો છે. બંનેએ સરકારને અપીલ કરી છે કે વિરોધ કરી રહેલા યુવાનો પર બળપ્રયોગ કરવાને બદલે એમની સાથે વાતચીત કરીને એમની ચિંતા દુર કરવી જોઈએ. ઓનરરી કેપ્ટન બાના સિંહ અને સુબેદાર મેજર યોગેન્દ્ર સિંહ યાદવએ એક અવાજમાં કહ્યું છે કે, લોકશાહીની સૌથી મોટી શક્તિ સંવાદ છે, ટકરાવ નહીં. એમનું માનવું છે કે નીટ પેપર લીક ફક્ત એક ભૂલ નહીં, પરંતુ લાખો વિદ્યાર્થીઓ સાથેનો વિશ્વાસઘાત છે. બાના સિંહ સીયાચીનના હીરો હતા અને ૧૯૮૭ માં એમને પરમવીર ચક્ર આપવામાં આવ્યો હતો. હવે સરકારની ચિંતા વધી છે કે, ભૂતપૂર્વ સૈનિકો પણ ખૂલીને આંદોલનને ટેકો આપી રહ્યા છે.
'જે પોતે અભણ હોય એમને શિક્ષણની અગત્યતા ક્યાથી સમજાય'
બોલીવુડના સિનિયર અભિનેતા નસીરૂદ્દીન શાહએ નીટ પરીક્ષા પેપર લીક બાબતે મોદી સરકારને બરાબર ભીસમાં લીધી છે. શાહે કહ્યું છે કે, જે પોતે અભણ હોય એમને શિક્ષણની અગત્યતા સમજાય નહીં. શાહે તો નરેન્દ્ર મોદીને 'જૂઠા' અને એમની સરકારને 'બહેરી, ગુંગી અને આંધળી' કહી છે. એમણે ટોણો મારતા એમ પણ કહ્યું છે કે તેઓ નરેન્દ્ર મોદીને કયારેય ગંભીરતાથી લેતા નથી. ૭૬ વર્ષના અદાકારે દિલ્હીના જંતર મંતરથી માંડીને મુંબઈ, બિહાર, પંજાબ, મીઝોરમ, તિરુવંતપુરમ સુધી પ્રદર્શન કરી રહેલા છાત્રોને ટેકો જાહેર કર્યો હતો. શાહે કહ્યું હતું કે, 'જે પોલીસ ધોળા દિવસે થતા બળાત્કાર, હત્યાઓ રોકી નથી શકતી એ વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરે છે.' નસીરૂદ્દીન શાહે દેખાવ કરનાર વિદ્યાર્થીઓના ટેકામાં ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પણ શેર કર્યો છે. હવે જ્યારે ફિલ્મસ્ટારો પણ ખૂલીને સરકારની ટીકા કરવા માંડયા છે ત્યારે લાગે છે કે સરકારના 'અચ્છે દીન' પૂરા થવા પર છે.
'રાતથી સવાર કેમ ન પડે, વાંગચૂકને મળીને જ જઈશ'
નીટ પપેર લીક માટે ચાલી રહેલું આંદોલન વેગ પકડી રહ્યું છે. ભૂખ હડતાળ પર બેઠેલા સામાજીક કાર્યકર્તા સોનમ વાંગચૂક હમણા દિલ્હીના ગુરુગ્રામ ખાતે આવેલી મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયા છે. ગુરુવારની રાતે એમને મળવા માટે વિરોધ પક્ષના ઘણા નેતાઓ પહોંચ્યા હતા. જોકે સત્તાવાળાઓએ એમને મળવા દીધા નહોતા. સપા સાંસદ પ્રિયા સરોજ, આપ સાંસદ સંજય સિંહ અને આરજેડીના સાંસદ સંજય યાદવ વાંગચૂકને મળવા માંગતા હતા. આ લોકો હોસ્પિટલની બહાર ફૂટપાથ પર મોડે સુધી બેસી રહ્યા હતા. પોલીસે એમને વાંગચૂકને મળવાની પરવાનગી આપી નહોતી એ બાબતે પ્રિયા સરોજે કહ્યું હતં્ કે, 'જ્યાં સુધી અમને મળવા દેવામાં નહીં આવે ત્યાં સુધી અમે બેસી રહીશું. રાતથી સવાર કેમ ન પડે. અમને ચિંતા નથી. અમારા પહેલા ઘણા નેતાઓને તમે મળવા દીધા છે તો અમારા માટે જ પ્રોટોકોલ શા માટે?'
વિદ્યાર્થીઓના સંઘર્ષને અન્ના હજારેના ટેકાથી ફેર પડશે?
સામાજીક કાર્યકર અન્ના હજારેએ અહલ્યાનગરમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે. અન્ના હજારેની નજીકની વ્યક્તિઓએ કહ્યું હતું કે અન્ના હજારે અહલ્યાનગર પહોંચીને વિદ્યાર્થીઓના દેખાવમાં સામેલ થશે. હજારેએ નિવેદન આપ્યું હતું કે, 'નરેન્દ્ર મોદી દેશના એક મોટા અને સન્માનીય નેતા છે. એમણે સમજવું જોઈએ કે હીંસા કોઈ રસ્તો નથી. તેઓ ઉચ્ચ પદ પર છે એ માટે મે એમને પત્ર લખ્યો છે. મે મારી જિંદગીમાં ૨૨ આંદોલનો કર્યા છે, પરંતુ કદી હીંસા થઈ નથી. આ આંદોલનામાં જે થયું છે તે ખોટું થયું છે. આંદોલન હંમેશા અહીંસક હોવું જોઈએ. સરકાર શું કરી રહી છે?' ૨૦૧૨માં જ્યારે અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કર્યું હતું ત્યારે એમને સફળતા મળી હતી એના કારણ ઘણા બધા હતા. આ વખતના આંદોલનમાં અન્ના હજારે હીરો બની શકે એમ નથી. કેટલાક એમને સરકારી એજન્ટ પણ માને છે.
યોગી આદિત્યનાથે બુથ પ્રમુખોને જીતની ચાવી બતાવી
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સમાજવાદી પક્ષને કોંગ્રેસની જેમ ભાજપે પણ અત્યારથી તૈયારી શરૂ કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપના કાર્યકરોને કેટલીક સલાહો આપી છે. સામાન્ય માણસ સાથે જોડાઈ રહેવા માટે એમને કેટલીક ચાવી બતાવી છે. ભાજપના બૂથ પ્રમુખોના સંમેલનમાં એમણે કહ્યું હતું કે, દરરોજ પાંચ ઘરોમાં જાઓ. જે પણ ઘરમાં જાઓ ત્યાં રહેનારાઓ પાસે લીમડાનું દાતણ માંગો. એ દાતણ વડે દાત સાફ કરો અને યજમાન સાથે ચા પીતા વાતચીત કરો. યોગીનું માનવું છે કે ચૂંટણીમાં અસલી લડાઈ બૂથો પર લડાય છે. ભાજપની વ્યૂહ રચના એવી છે કે, ફક્ત શહેરો નહીં, પરંતુ કસબાઓ અને ગામડાઓમાં પણ જમીનીસ્તરે પક્ષ મજબૂત બને.
રામ મંદિરના ચઢાવાની રકમની ગણતરી હવે કર્મચારીઓ નહીં કરે
અયોધ્યા રામ મંદિર દાન ચોરીની ઘટના પછી હવે ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે. શ્રીરામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ચઢાવાની ગણતરી કરવાની વ્યવસ્થા સંપૂર્ણ બદલી નાખી છે. હવે મંદિરમાં ચઢાવાના કેસની ગણતરી પહેલાની માફક ખાનગી એજન્સીના કર્મચારીઓ નહીં કરે. આ સંપૂર્ણ જવાબદારી હવે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓને સોંપી દેવામાં આવી છે. અત્યાર સુધી દાનની ગણતરી કરનારા ૩૬ કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા છે. આ પહેલા ૨૩ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા હવે બાકીના ૧૩ કર્મચારીઓને પણ દુર કરવામાં આવ્યા છે. દાન ચોરી બાબતે જેમની ધરપકડ થઈ હતી એ ૮ આરોપીમાં આ ૩૬ કર્મચારીઓમાંથી કોઈ નહોતું. આમ છતાં ટ્રસ્ટે પૂરી વ્યવસ્થા બદલી નાખી છે.
ખુલ્લી જેલમાં કેદીઓ પત્ની અને બાળકો સાથે રહેશે
ઝારખંડ સરકારે એક નવું આયોજન કર્યું છે. ઝારખંડમાં બની રહેલી ખુલ્લી જેલમાં કેદીઓ કુટુંબ સાથે રહી શકશે. રોજગાર માટે સવારે બહાર નીકળશે અને સાંજે ખુલ્લી જેલમાં પરત ફરશે. સુપ્રિમ કોર્ટના નિર્દેશ પછી આ શરૂઆત હજારીબાગની સેન્ટ્રલ જેલથી થશે. હજારીબાગમાં ૩૨ એકર જમીન પર બની રહેલી ખુલ્લી જેલમાં ૧૦૦ ફલેટ હશે. આ રહેઠાણોમાં કેદીઓ પત્ની અને બાળકો સાથે રહેશે. હજારીબાગ પછી રાંચી, ડુમકા, પલામુ, ઘાઘીડી અને જમશેદપુરમાં પણ આ પ્રકારની જેલો બનશે. ખુલ્લી જેલમાં એવા કેદીઓ રહેશે કે, જેમની પસંદગી ઉચ્ચસ્તરીય કમીટીએ કરી હશે. જોકે કેટલાકનું માનવું છે કે, ગંભીર ગુના માટે જેલમાં બંધ કેદીઓ માટે આ આયોજન ઉપયોગી નીવડી શકશે કે નહીં એ શંકા છે.