Delhi ni Vaat

મોદી દ્વિધામાં, ખોમેનેઇના અંતિમ સંસ્કારમાં જવું કે નહીં

By GS Team
26 Jun 20265 mins read
TukuTouch Logo
ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પોઝશકીયાન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અયાતુલ્લા અલી ખોમેનેઇના રાજકીય અંતિમ સંસ્કારમાં ભાગ લેવા આમંત્રણ અપાયું છે. 4 જુલાઈથી તહેરાનમાં અંતિમ દર્શન બાદ 9 જુલાઈએ મશહદમાં દફન કરાશે, જેમાં 2 કરોડ લોકો ઉમટશે. મોદી સામે અમેરિકા અને ઇરાન બંનેને ખુશ રાખવાનો પડકાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોદી દ્વિધામાં, ખોમેનેઇના અંતિમ સંસ્કારમાં જવું કે નહીં

નવીદિલ્હી : ભારતના દાવા પ્રમાણે ઇરાન સાથે એના સંબંધો હંમેશા સુમેળભર્યા રહ્યા છે. અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધ દરમિયાન પણ કેન્દ્ર સરકાર તરફથી ઇરાન વિરુદ્ધ કોઈ નિવેદન આપવામાં આવ્યું નહોતું. યુદ્ધની શરૂઆતમાં જ મૃત્યુ પામેલા ઇરાનના શાસક અયાતુલ્લા અલી ખોમેનેઇની અંતિમ વિધિ કરવામાં આવી નહોતી. હવે અંતિમ વિધિની શરૂઆત ૪થી જુલાઈથી થઈ રહી છે. ઇરાનના પ્રમુખ મસુદ પોઝશકીયાનએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખોમેનેઇના રાજકીય અંતિમ સંસ્કારમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. ખોમેનેઇના શબને તહેરાનના ગ્રાન્ડ મોસલ્લા ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યાર પછી ૯મી જુલાઈએ એમના શરીરને મશહદ સ્થિત ઇમામ રઝા દરગાહમાં દફન કરવામાં આવશે. આ અંતિમ યાત્રામાં લગભગ ૨ કરોડ લોકો ભેગા થવાની શક્યતા છે. મોદીએ ટુક સમયમાં નિર્ણય લેવો પડશે કે તેઓ ઇરાન જઇને ટ્રમ્પને નારાજ કરવા માંગે છે કે પછી અંતિમ યાત્રામાં નહીં જઈને ઇરાનને નારાજ કરશે.
પાઠય પુસ્તકમાં સરકારી એજન્ડા ઘૂસાડવાનો આક્ષેપ
નેશનલ કાઉન્સીલ ફોર એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ (એનસીઇઆરટી)એ પહેલી વખત નવમાં ધોરણના સામાજીક વિજ્ઞાાન પાઠય પુસ્તકમાં ૧૯૭૫ - ૭૭ની ઇમર્જન્સી વિશે ચેપ્ટર મૂક્યું છે. નવા પુસ્તક 'અન્ડર સ્ટેન્ડીંગ સોસાયટી : ઇન્ડિયા એન્ડ બીયોન્ડ'માં કટોકટીને કારણે ભારતીય લોકશાહી કઈ રીતે જોખમમાં આવી હતી એ વિશેનું લખાણ છે. એનસીઇઆરટીના એક અધિકારીએ કબુલ કર્યું છે કે ૭માં ધોરણમાં પહેલી વખત ઇમર્જન્સી પર અલગ ચેપ્ટર છે. આ ઉપરાંત પુસ્તકના 'ઇલેક્શંસ' ચેપ્ટરમાં ચૂંટણી કમિશનના ભારોભાર વખાણ કરવામાં આવ્યા છે. પાઠય પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં ઇન્દિરા ગાંધી સરકાર સામે લોકોની નરાજગી વધી રહી હતી. બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારના આરોપોને કારણે દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી. ટીકાકારોનું માનવું છે કે, કેન્દ્ર સરકારે પોતાનો એજન્ડા સેટ કરવા માટે કટોકટીનું ચેપ્ટર ઉમેર્યું છે.
વંશવાદની ટીકા કરનાર ભાજપએ રાજનાથ સિંહના પુત્રને સંગઠનમાં લીધા
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપએ ઉત્તર પ્રદેશમાં પોતાની નવી ટીમ જાહેર કરી છે. ભાજપની નવી ટીમમાં ઓબીસીને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહના પુત્ર નિરજ સિંહને ભાજપના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. એમના સિવાય પૂજા પાલ અને સુરેશ રાણાને પણ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. નવી યાદીમાં ૧૯ ઉપપ્રમુખ અને ૮ મહામંત્રીનો સમાવેશ થયો છે. એ જ રીતે પશ્ચિમ, વ્રજ, કાનપુર, અવધ, કાશી અને ગોરખપુર ક્ષેત્રના પ્રમુખોની જાહેરાત પણ કરવામાં આવી છે. સરોજ કુશવાહને મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે. દેવેન્દ્ર સિંહ કિશાન મોરચાના પ્રદેશ પ્રમુખ બન્યા છે. અશોક રાવત અનુસૂચિત જાતી મોરચાના પ્રદેશ પ્રમુખ તેમજ પ્રકાશ પાલ પછાત વર્ગ મોરચા પ્રદેશના પ્રમુખ તરીકેની કામગીરી બજાવશે. મુખ્ય પ્રવક્તા દિનેશ પ્રતાપસિંહને બનાવવામાં આવ્યા છે.
'ઉદ્ધવ ઠાકરેએ પણ એનડીએમાં આવવું પડશે'
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે એમના મજાકીયા સ્વભાવને કારણે જાણીતા છે. તેઓ સંસદમાં જોડકણા જેવી કવિતાઓ બનાવીને સાંસદોનું મનોરંજન કરતા રહે છે. જે પક્ષ સત્તામાં હોય એમને પડખે તેઓ હંમેશા રહે છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ધમાલ વિશે કોમેન્ટ કરતા એમણે કહ્યું છે કે એક દિવસ ઉદ્ધવ ઠાકરેએ પણ એનડીએમાં આવવું પડશે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ૬ સાંસદો પક્ષ બદલીને એકનાથ શિંદે સાથે ગયા એ સંદર્ભમાં એમણે આ ટીપ્પણી કરી હતી. એમના કહેવા પ્રમાણે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદોને લાગી રહ્યું છે કે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે વધુ મજબૂત નેતા છે અને એનડીએ તેમજ મહાયુતિમાં આવવાથી એમનો વિકાસ થશે. જે રીતે ઉદ્ધવ ઠાકરેની નજીકના નેતાઓ એનડીએ સાથે જોડાઈ રહ્યા છે એ જોતા લાગે છે કે ઉદ્ધવ ઠાકરે પણ એક દિવસ એનડીએ સાથે આવી જશે.
સુપ્રિયા સુલેનો આક્ષેપ, ૨૦૨૯ની ચૂંટણી પહેલા પક્ષોને તોડવાની કોશિષ
એનસીપી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સુલેએ આક્ષેપ કર્યો છે કે દેશમાં લોકશાહી જોખમમાં છે. ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોને તોડવામાં આવી રહ્યા છે. એમણે શંકા વ્યક્ત કરી હતી કે લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલા શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને ન્યાય અપાવી શકશે કે નહીં. એમણે આરોપ મૂક્યો છે કે, પક્ષો જીએસટી જેવા બિલો વખતે સર્વસહમતીથી મતદાન કરે છે. આમ છતાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિરોધ પક્ષોને તોડવામાં આવી રહ્યા છે. રાજકારણને કારણે કુટુંબો અને ઘર તૂટી રહ્યા છે. જો સંસદમાં મૂકવામાં આવેલા બિલ દેશ હિતમાં હોય તો દરેક પક્ષનું વલણ હકારાત્મક જ હોય છે. મહારાષ્ટ્રના રાજકારણમાં આવું પહેલીવાર બની રહ્યું છે.
નવાઈ નવાઈ, અખિલેશ યાદવ મોહન યાદવના બચાવમાં
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સત્તા પર આવ્યા પછી એમના કુટુંબીઓએ કરોડો રૂપિયાની જમીન ખરીદી હોવાનો આક્ષેપ થયો છે. નવાઇની વાત એ છે કે, ભાજપના પ્રવક્તાઓની સાથે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ મોહન યાદવના બચાવમાં આવ્યા છે. એમના કહેવા પ્રમાણે મોહન યાદવને બદલવા હોવાથી ભાજપનું જ એક જૂથ કાવતરૃં કરીને મોહન યાદવને રાજકીય રીતે બદનામ કરવાની કોશિષ કરે છે. જો મોહન યાદવ જમીન ખરીદવા માટે જવાબદાર હોય તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ તો ૬૦૦ એકર જમીન ખરીદી છે. મોહન યાદવે જમીન ખરીદી હોય તો એ કઈ નવી વાત નથી. તેઓ વર્ષોથી રીએલ એસ્ટેટ અને જમીનના વ્યવસ્યા સાથે જોડાયે હોવાનું અખિલેશ યાદવનું માનવું છે.
દિલ્હીના કોચિંગ કલાસીસની તપાસ થશે
દિલ્હીમાં દર ત્રીજી ગલીએ કોચિંગ કલાસીસ ફૂટી નિકળ્યા છે. દેશના કેટલાક ભાગોમાં કોચિંગ કલાસીસમાં આગ લાગવાથી ઘણી જાનહાની થતી રહે છે. હવે દિલ્હી સરકારે એકાએક જાગીને નક્કી કર્યું છે કે દિલ્હીના તમામે તમામ કોચિંગ કલાસીસમાં સુરક્ષા બાબતની તપાસ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી આશિષ સુદએ ૯૨૩ કોચિંગ સંસ્થાઓની તપાસ કરવાનો હુકમ કર્યો છે. મુખર્જી નગર, રાજેન્દ્ર નગર અને કટવરિયા સરાઈ જેવા સ્થળોએ આવેલા મુખ્ય કોચિંગ કલાસીસમાં ખાસ તપાસ અભિયાન ચલાવવામાં આવશે. અગ્ની સુરક્ષા, બાંધકામના નિયમો તેમજ બીજા નિયમોનું પાલન થયું છે કે નહીં એ જોવામાં આવશે. નિયમ તોડનાર કોચિંગ કલાસ સામે કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે ફક્ત કાગળ પર તપાસ કરવાની નથી, પરંતુ સ્થળ પર જઈને જોવાનું રહેશે.