ઇલોન મસ્ક મામલે મોદી સરકારનું બેવડું ધોરણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : નરેન્દ્ર મોદીની સરકારે ઇલોન મસ્કને સેટેલાઇટ કોમ્યુનિકેશન્સમાં નિવેશ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. હરાજી નહી કરવી પડે એ માટે મોદી સરકારે ટેલીકોમ એક્ટ ૨૦૨૩માં પણ ફેરફાર કર્યો હતો. સ્પેસ એક્સને જગ્યા આપવા માટે મોદી સરકારે સેટેલાઇટ કોમ્યુનિકેશન્સમાં ૧૦૦ ટકા એફડીઆઇની મંજૂરી પણ આપી હતી. સ્પેસ એક્સએ માળખાકીય સગવડ તેમજ વહેંચણીમાં સરળતા રહે એ માટે ભારતની બે મોટી કંપનીઓ સાથે પણ કરાર કર્યા હતા. મોદી જ્યારે અમેરિકા ગયા હતા ત્યારે મસ્ક અને એમના કુટુંબને ખાસ મહેમાન તરીકે આમંત્રીત કર્યા હતા. આ મીટીંગની મોટાપાયે પ્રસિદ્ધી પણ થઈ હતી. ત્યાર પછીના સમયમાં એવું કંઈક થઈ ગયું કે હવે મોદી સરકારને એલોન મસ્ક પ્રત્યે અણગમો થઈ ગયો છે. જાણકારો કહી રહ્યા છે કે, ભારતે અચાનક વલણ બદલ્યું એને કારણે આંતરરાષ્ટ્રીય ઇમેજમાં મોટો ફટકો પડયો છે.
જીતની ક્રેડીટ વિજયએ કોને આપી
તામિલનાડુના મુખ્યમંત્રી અને ટીવીકેના સ્થાપક જોસેફ વિજયએ પોતાના પક્ષના ઉમેદવારો મરગથમ કુમારવેલ અને પી સત્યભામાને મદુરાંતકમ અને ધારાપુરમ વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણીમાં જીતવા માટે અભિનંદન આપ્યા હતા. એમણે વિરોધી પક્ષ ડીએમકે પર નામ લીધા વગર નિશાન તાંક્યું હતું અને કહ્યું હતું કે પેટા ચૂંટણીમાં મળેલી જીત મહિલાઓ માટે કરવામાં આવેલી અપમાનજનક ટીપ્પણીઓનો બદલો છે. પેટા ચૂંટણીના પ્રચાર વખતે ડીએમકેના પ્રમુખ એમ કે સ્ટાલીનએ સત્યભામાના કદ પર જે રીતની ટીપ્પણી કરી હતી એની ટીકા થઈ હતી. વિજયએ પોતાના નિવેદનમાં એઆઇએડીએમકેના પ્રમુખ પલાની સ્વામી પર પણ પ્રહારો કર્યા હતા. થોડા મહિનાઓ પહેલા દેશમાં ભાગ્યે જ કોઈને કલ્પના હતી કે તામિલનાડુમાં જોસેફ વિજયનો પક્ષ ટૂક સમયમાં જ લોકોમાં આટલો લોકપ્રિય થઈ શકશે.
ધરપકડ કરવામાં આવેલા વકીલોના છૂટકારા બાબતે સીજેઆઇને આશા
સુપ્રિમ કોર્ટના પરિસરની બહાર શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વકીલોની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે સીજેઆઇ સૂર્યકાંતે હસ્તક્ષેપ કર્યો છે. સુપ્રિમ કોર્ટ બાર એસોસીએશન (એસસીબીએ)એ સુપ્રિમ કોર્ટને આ બાબતે તત્કાલ નોંધ પર લેવા કહ્યું હતું. ત્યાર પછી સીજેઆઇએ જે તે અધિકારીઓને સૂચના આપી હતી કે વકીલોને છોડી દેવામાં આવે. દેખાવો કરી રહેલા વકીલોની ધરપકડ કરીને યમુના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં મોકલવામાં આવ્યા હતા. આ પહેલા એસસીબીએએ એક પ્રસ્તાવ પસાર કરીને વકીલો સામે દિલ્હી પોલીસે વધુ પડતો બળપ્રયોગ કરીને એમની ધરપકડ કરવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. એસસીબીએની માંગ હતી કે, વકીલોની સુરક્ષા માટે એમને ક્યા રાખવામાં આવ્યા છે એની જાણકારી આપવામાં આવે અને એમની કાયદાકીય મદદ પણ કરવામાં આવે. આ મામલે દેશના સોલીસીટર જનરલ તુષાર મહેતાએ પણ દખલ કરી હતી.
સપાના ત્રણ બળવાખોર ધારાસભ્યો ભાજપમાં જોડાશે
સમાજવાદી પાર્ટીના બળવાખોર ધારાસભ્યો વિનોદ ચતુર્વેદી, રાકેશ પ્રતાપ સિંહ અને અભય સિંહ ૧૪મી ઓક્ટોબરે ભાજપમાં જશે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સ્મૃતિ ઇરાનીની હાજરીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ તેમજ કેન્દ્રમાં રાજ્યના નાણામંત્રી પંકજ ચૌધરી ત્રણેને અમેઠીમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન પક્ષમાં પ્રવેશ આપશે. ૭ ધારાસભ્યો સાથે આ ત્રણ ધારાસભ્યોએ પણ બે વર્ષ પહેલા રાજ્યસભાની ચૂંટણી વખતે સપા સાથે બળવો કરીને ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. જોકે સપાએ ક્યારેય એમનું સભ્યપદ રદ કર્યું નહોતુ. બળવાખોર મનોજ પાંડેને ભાજપએ કેબિનેટ મંત્રી બનાવ્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એમને ભાજપમાં લેવામાં આવશે. જોકે વિધાનસભાની વેબસાઇટ પર વિનોદ ચતુર્વેદીનું નામ હજી પણ સપાના ધારાસભ્ય તરીકે જ ચાલુ છે.
'૨૦૨૯ પછી ભારત છોડીને દુબઈ સ્થાયી થઈશ'
બંગાળના રેંજીનગર વિધાનસભાની પેટા ચૂંટણી હાર્યા પછી આમ જનતા પુનયન પાર્ટીના નેતા હુમાયુ કબીરએ ૨૦૨૯ પછી ભારત છોડીને દુબઈમાં વસવાટ કરવાની ઇચ્છા બતાવી છે. એમણે કહ્યું હતું કે ૨૦૨૯ સુધી તેઓ ભારતમાં રહેશે. ત્યાર પછી ૧૦ વર્ષના વિઝા લઈને દુબઈ જઈ ત્યાં જ વસવાટ કરશે. મુર્શીદાબાદમાં બાબરી મસ્જિદ બનાવી રહેલા હુમાયુ કબીરએ કહ્યું હતું કે, હમણા તો એમની પ્રાથમિકતા મસ્જિદનું કામ પુરુ કરવાની છે. મસ્જિદ બની રહ્યા પછી જ તેઓ દુબઈ સ્થાયી થવાની યોજના આગળ વધારશે. કબીરે ૨૦૨૯ લોકસભાની ચૂંટણી બાબતે પણ પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. એમણે કહ્યું હતું કે જો કોંગ્રેસના નેતા અધિર ચૌધરી ચૂંટણી લડશે તો તેઓ એમને હરાવવા માંગશે. રેંજીનગર પેટા ચૂંટણીમાં હુમાયુ કબીરના પુત્ર ગુલામ નબી આઝાદ હારી ગયા હતા.
ભગવંત માનએ ગૌરવ યાદવને પંજાબના ડીજીપી બનાવ્યા
પંજાબની ભગવંત માન સરકારે ૧૯૯૨ બેંચના આઇપીએસ અધિકારી ગૌરવ યાદવને રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) બનાવ્યા છે. ઘણા સમયથી આ પોસ્ટ બાબતે ચર્ચા થઈ રહી હતી. ૨૫ વર્ષના ગૌરવ યાદવ જુલાઈ ૨૦૨૨થી પંજાબ પોલીસના કાર્યકારી ડીજીપી તરીકે જવાબદારી સંભાળતા હતા. એમને યુપીએસસી તરફથી ત્રણ સિનિયર આઇપીએસ અધિકારી પેનલમાંથી પસંદ કરવામાં આવ્યા છે. પેનલમાં શરદ સત્ય ચૌહાણ અને હરપ્રિત સિંહ સિદ્ધુના નામ પણ હતા. ગૌરવ યાદવની નિમણૂકની પ્રક્રિયા ખૂબ લંબાઈ ગઈ હતી. યુપીએસસીએ જુલાઈ મહિનામાં રાજ્ય સરકારને અધિકારીઓની પેનલના નામ મોકલ્યા હતા આમ છતાં ડીજીપીની નિમણૂકમાં મોડુ થયું હતું. આ બાબતે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પણ હસ્તક્ષેપ કરવો પડયો હતો.
માતા - પુત્રના મેળાપનો રસ્તો મુખ્યમંત્રીએ ખોલ્યો
ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિયંત સિંહની હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા જગતાર સિંહ હવારા પોતાના બીમાર માતાને મળવા માટે એક દિવસની પેરોલ મળવાથી રાજી થઈ ગયા છે. છેલ્લી ઘડી સુધી પેરોલ બાબતે કોઈ લેખીત હુકમ બહાર પાડવામાં આવ્યો નહોતો. મળવાની તારીખ પણ નક્કી થઈ નહોતી. ટોમી ઇન્સાફ મોરચાના નેતા ગુરુચરણ સિંહ હવારાએ આ સમાચાર આપ્યા હતા. ગુરુચરણ સિંહના જણાવ્યા પ્રમાણે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ પહેલા જગતાર સિંહ હવારાને એમના ગામ જઈને માતાને મળવા માટે ૧૦ દિવસના પેરોલની માંગણી કરી હતી. જોકે સુરક્ષા અને બીજા કારણોસર આ વિનંતીનો સ્વીકાર કરવામાં આવ્યો નહોતો. હવારાના માતાની બગડતી તબિયને ધ્યાનમાં રાખીને એમને પેરોલ આપવામાં આવ્યા હતા.




