મોદી કેબિનેટમાં ફેરબદલ, વૈષ્ણવને પ્રમોશન નક્કી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : ભાજપના સંગઠનમાં થયેલા ફેરફાર પછી હવે મોદી સરકારની કેબિનેટનું વિસ્તરણ થવાની ચર્ચા દિલ્હીમાં થઈ રહી છે. સંગઠનમાં જે રીતે ફેરફાર થયા એ જ રીતે મંત્રીમંડળમાં પણ મોટા પાયે ફેરફાર થશે. ઘણા સિનિયરોને મંત્રી મંડળમાંથી પડતા મૂકાશે અને કેટલાક યુવા અને કેટલાક નવા ચહેરાઓને એન્ટ્રી મળી શકે છે. કેબિનેટમાં ફેરફાર ૨૦૨૭ વિધાનસભાની ચૂંટણીઓ તેમજ ૨૦૨૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પ્રમોશન મળી શકે છે. વિવાદાસ્પદ નિતિન ગડકરીનું મંત્રાલય પણ બદલાશે એવી શક્યતા છે. લગભગ ૧૬ થી ૧૭ નવા ચહેરાઓને લોટરી લાગે એમ મનાય છે. મંત્રી મંડળમાં કોને સ્થાન મળશે એની ખબર તો વડાપ્રધાન મોદી જેમને ચા પીવા બોલાવશે ત્યારે ખબર પડશે. દરેક મંત્રીની કામગીરીનું એનાલીસીસ થઈ રહ્યું છે.
'૨૦૨૯માં રાહુલ ગાંધી વિજયને વડાપ્રધાન બનાવશે'
તામિલનાડુમાં ટીવીકેના ધારાસભ્ય કનીમોઝી સંતોષએ કહ્યું છે કે, ૨૦૨૯ની લોકસભાની ચૂંટણીમાં પક્ષપ્રમુખ અને મુખ્યમંત્રી જોસેફ વિજય જ પ્રધાનમંત્રી પદ માટે તમામ પક્ષોની પસંદગી હશે. જોકે થોડા દિવસો પહેલા જ તામિલનાડુ કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે, વિજય જો રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ નહીં કરે તો કોંગ્રેસના મંત્રીઓ રાજીનામું આપી દેશે. હવે કનીમોઝી કહી રહ્યા છે કે, વડાપ્રધાન કોણ બનશે એનો નિર્ણય દિલ્હીમાં નહીં થાય, પરંતુ તામિલનાડુની જનતા કરશે. રાહુલ ગાંધીએ વિજયને મુખ્યમંત્રી બનાવ્યા છે એ જ રીતે રાહુલ ગાંધી ૨૦૨૯માં પણ વિજયનો હાથ પકડીને એમને વડાપ્રધાન બનાવશે. આ નિવેદન પછી ટીવીકે અને કોંગ્રેસ વચ્ચેનો મતભેદ જાહેરમાં આવ્યો છે.
પીયુ છાત્રસંઘ ચૂંટણીમાં એબીવીપીની જીતના પડઘા કેન્દ્રમાં કેમ પડયા
પંજાબ યુનિવર્સિટી છાત્રસંઘની ચૂંટણીમાં અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદ (એબીવીપી)ની જીતના પડઘા રાષ્ટ્રીય સ્તરે પડયા છે. નવા ચૂંટાયેલા પ્રમુખ અંકિત બિધાનને જીત માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા મંત્રીઓ તેમજ રાજ્યોના મુખ્યમંત્રીઓએ એમને અભિનંદન આપ્યા છે. અત્યાર સુધી એબીવીપી જ્યારે ચૂંટણી લડતી હતી ત્યારે ભાજપના નેતાઓ ચૂંટણીથી અલિપ્ત રહેતા હતા. જેન ઝી આંદોલન પછી એકાએક જાગેલા ભાજપએ હવે પોતાની વિદ્યાર્થી પાંખને ગંભીરતાથી લેવાનું નક્કી કર્યું છે. અમિત શાહે સોશ્યલ મીડિયા એક્સ પર પણ લખવું પડયું છે કે, એબીવીપીની શાનદાર જીત માટે પરિષદના તમામ કાર્યકરોને અભિનંદન. આ જીત યુવાશક્તિને રાષ્ટ્ર પ્રથમની વિચારધારા માટે અતૂટ વિશ્વાસનું પ્રમાણ છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પણ અંકિતને અભિનંદન આપ્યા છે અને આ જીતને યુવાનોની જીત ગણાવી છે.
'ગોરખપુર આવ્યો તો લાગ્યું કે, સ્પેન આવી ગયો છું'
નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદએ રવિ કિશનને ટોણો મારીને કટાક્ષ કર્યો છે. ચંદ્રશેખરે કહ્યું હતું કે, 'હું ગોરખપુર આવ્યો તો મને ખુબ ગૌરવ થઈ રહ્યું છે. અમે જ્યારે નેપાળ જતા હતા ત્યારે વીઝા લેવા પડતા નહોતા. હવે ખબર પડી છે કે ગોરખપુર સ્પેન બની ગયું છે. મને હતું કે સ્પેન આવ્યો છું તો વીઝાની જરૂર પડશે, પરંતુ વીઝાની જરૂર પડી નહીં. આ માટે યોગી સરકારને અભિનંદન. થોડા દિવસો પહેલા કલ્યાણ મંડપમના ઉદઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગીની હાજરીમાં સાંસદ રવિ કિશનએ માખણ લગાવતા કહ્યું હતું કે, મને ગોરખપુર સ્પેન જેવું લાગે છે. જો કોઈને દેખાતું નહીં હોય તો તેઓ આંધળા છે. રવિ કિશનનું આ નિવેદન સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયું હતું. આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદએ ગોરખપુરની એઇમ્સ હોસ્પિટલની ગેરવ્યવસ્થા વિશે પ્રશ્નો કર્યા હતા. આ ઉપરાંત ગોરખપુરમાં વિવિધ યોજનાઓ નિષ્ફળ જઈ રહી છે એ વિશે પણ કહ્યું હતું.'
આસીમ વકાર કોંગ્રેસમાં કેમ જોડાયા
હૈદ્રાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમના રાષ્ટ્રીય પ્રવક્તા આસીમ વકારએ એઆઇએમઆઇએમને ખુદા હાફીસ કરીને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. દિલ્હી સ્થિત કોંગ્રેેસની હેડઓફિસ ઇન્દિરા ભવનમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય રાય, ઉત્તર પ્રદેશના પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમ અને કોંગ્રેસ લઘુમતિ સેલના ચેરમેન ઇમરાન પ્રતાપ ગઢીની હાજરીમાં વકારને કોંગ્રેસનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. વકારનું કહેવું છે કે તેઓ જ્યારે એઆઇએમઆઇએમમાં હતા ત્યારે એમને લાગતું હતું કે, ભાજપ સામેની લડાઈ યોગ્ય રીતે લડવામાં આવતી નથી. ભાજપ સામે ખરેખર જો કોઈ લડે છે તો ફક્ત રાહુલ ગાંધી લડી રહ્યા છે. એક જમાનાના ટીએમસી નેતા હુમાયુ કબીરની પણ વકારે ટીકા કરી હતી. વકારનું કહેવું છે કે મે પહેલા જ કહ્યું હતું કે હુમાયુ કબીર ભાજપના એજન્ટ છે અને ભાજપના કહેવાથી જ બાબરી મસ્જિદ બનાવી રહ્યા છે.
દિશા સાલિયાનના મૃત્યુનો વિવાદ ફરી શરૂ
બોમ્બે હાઇકોર્ટે એક્ટર સુશાતસિંહ રાજપુતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુની તપાસ સીબીઆઇને સોંપી છે. દિશાના પિતાની અરજીને આધારે કોર્ટે આ નિર્ણય લીધો છે. દિશાના પિતાએ પોલીસ તપાસ બાબતે અસંતોષ જાહેર કર્યો હતો. ૨૦૨૦માં ૮મી જૂને દિશાનું મૃત્યુ મુંબઈના મલાડની એક બિલ્ડીંગમાં ૧૪મા માળેથી પડી જઈને થયું હતું. આ બનાવના છ મહિના પછી ૧૪મી જૂને સુશાતસિંહ પણ મુંબઈના બાંદ્રા ખાતે આવેલા એમના ફલેટમાંથી મૃત હાલતમાં મળ્યા હતા. દિશા કેસની તપાસ ત્રણ મહિનામાં જ બંધ કરી દેવામાં આવી હતી. આ કેસ વિશે સોશ્યલ મીડિયામાં લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો હતો. જસ્ટીસ એસવી કોટવાલ અને આરઆર ભોંસલેની બેંચ દિશાનું મૃત્યુ હત્યા હોઈ શકે એવી અરજીની સુનાવણી કરી રહ્યા હતા. સીબીઆઇના એક સિનિયર અધિકારીને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.
ગોવામાં હવે વકીલો પર હુમલો કરનારને ૭ વર્ષની જેલ
ગોવા વિધાનસભામાં વકીલો પર હુમલો કરનારને કડક સજા આપવાનું બીલ પસાર થઈ ગયું છે. જો આરોપ સાબિત થશે તો જવાબદારને ૭ વર્ષની સજા અને ૧ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. 'ગોવા એડવોકેટ્સ પ્રોટેક્શન બીલ, ૨૦૨૬' માં ધમકીનો સામનો કરી રહેલા વકીલોને પોલીસ રક્ષણ પણ આપવામાં આવશે. આ બીલનો દુરઉપયોગ થતો રોકવા માટે ઉપાય પણ સૂચવવામાં આવ્યા છે. વકીલો પોતાના વ્યવસાયની કામગીરી કરી રહ્યા હોય એ વખતે એમને હિંસા, ધમકી, તેમજ ખોટા કેસમાં ફસાવવા અને એમની મિલકતને નુકસાન પહોંચાડવાના કિસ્સા વધી રહ્યા હતા. આ કારણોસર વકીલો પોતાની કામગીરી સ્વતંત્રતાથી કરી શકતા નહોતા. વકીલોની માંગણી હતી કે, ગુનેગારો પ્રત્યે સરકાર કડકાઈ દાખવે.




