Delhi ni Vaat

મોદી બાબતે ન્યૂઝીલેન્ડ મીડિયા કેટલું સાચુ

By GS Team
12 Jul 20265 mins read
TukuTouch Logo
નવીદિલ્હી: નરેન્દ્ર મોદીના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન સ્થાનિક મીડિયાએ તેમની ઉંમરને કારણે વિશેષ સુરક્ષા અને આરામની વ્યવસ્થાના અહેવાલો પ્રકાશિત કર્યા છે. 6 વર્ષ પહેલા સીડી પરથી લપસ્યા બાદ આ સાવચેતી રખાઈ હતી. જોકે, આ અહેવાલોની સત્યતા જાણી શકાઈ નથી. આ ઉપરાંત, પીઓકેમાં પાકિસ્તાન વિરુદ્ધ અસંતોષ વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોદી બાબતે ન્યૂઝીલેન્ડ મીડિયા કેટલું સાચુ

નવીદિલ્હી : નરેન્દ્ર મોદીના ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાબતે ન્યૂઝીલેન્ડના સ્થાનિક મીડિયાએ એવા રીપોર્ટ પ્રકાશીત કર્યા છે કે, મોદીની ઉંમરને કારણે પ્રવાસમાં કેટલીક વધુ તકેદારી રાખવામાં આવી હતી. એમની સીક્યુરીટી એકાએક વધારી દેવામાં આવી હતી અને સ્નાઇપર્સની સંખ્યા પણ વધુ હતી. આ ઉપરાંત દિવસ દરમિયાન એમને આરામ માટે કેટલોક સમય ફાળવવાનું પણ યજમાનને કહેવાયું હતું. દિવસ દરમિયાન મોદીને પુરતો આરામ મળી રહે એ પ્રમાણે કાર્યક્રમો રાખવાનું પણ યજમાનને કહેવામાં આવ્યું હતું. જે જગ્યાએ કાર્યક્રમો હોય એ જગ્યા સીડી વગરની હોય એનું ધ્યાન પણ રખાયું હતું. ખાસ કરીને ૬ વર્ષ પહેલા તેઓ સીડી પરથી લપસી ગયા હોવાથી આ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું હતું. જોકે સ્થાનિક અખબારોના આ અહેવાલો કેટલા સાચા છે એ જાણી શકાયું નથી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન જ નરેન્દ્ર મોદી વિમાનની સીડીઓ સડસડાટ ચઢતા જોવા મળ્યા હતા.
પીઓકે, પાકિસ્તાનના હાથમાંથી નિકળી જશે?
પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધનો અસંતોષ વધી રહ્યો છે. પાકિસ્તાનના એક જાણીતા અખબારના સમાચાર પ્રમાણે 'જોઇન્ટ આવામી એક્શન કમીટી' (જેએએસી)એ જાહેરાત કરી છે કે જો એમની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો ૧૫મી જુલાઈથી મોટી સંખ્યામાં લોકો મુઝફરાબાદ તરફ લાંબી માર્ચ શરૂ કરશે. પાકિસ્તાનના લશ્કરએ અત્યાર સુધી ખૂબ ક્રૂરતાપૂર્વક પીઓકેના વિરોધને કચડી નાખ્યો છે. ૫૦ થી વધુ નિર્દોષોની હત્યા કરવામાં આવી છે. ત્યાર પછી યુરોપિય યુનિયનએ ધમકી આપી છે કે, પાકિસ્તાનનો અત્યાચાર ચાલુ રહેશે તો એમની વ્યાપારીક છૂટ છીનવી લેવામાં આવશે. જો લાંબી માર્ચને રાવલકોટમાં રોકી દેવામાં આવશે તો પહેલેથી જાહેર થયેલો કાર્યક્રમ ફરીથી શરૂ થશે. પીઓકેના લોકો પાકિસ્તાન સરકારથી એટલા નારાજ છે કે હવે તેઓ સ્વતંત્ર કાશ્મીર માટે ચળવળ શરૂ કરી રહ્યા છે.
'કોર્ટના અપમાન બાબતે સમજૂતી નહીં'
સુપ્રિમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન અરજદારએ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા માટે અભદ્ર ટીપ્પણી કરી હતી અને ન્યાયાધિશો સમક્ષ કાગળો ઉછાળ્યા હતા. આ બાબતે સુપ્રિમ કોર્ટની બેંચે તો અરજદાર સામે કોઈ પગલા નહીં લેવાનું નક્કી કર્યું છે, કારણ કે તેઓ વિવાદ વધારવા માંગતા નહોતા. જોકે આ બાબતે 'સુપ્રિમ કોર્ટ બાર એસોસીએશન' (એસસીબીઇ)એ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એમણે આખા બનાવને ખુબ ગંભીર ગણાવ્યો છે. એસોસીએશનનું માનવું છે કે, આ પ્રકારની ઘટના કોર્ટની ગરીમા ઓછી કરે છે અને ન્યાયતંત્ર સામે એક ગંભીર પડકાર છે. ન્યાયમૂર્તિ કે વી વિશ્વનાથન અને ન્યાયમૂર્તિ આલોક અરાઘએની બેંચ સમક્ષ અરજી કરનારએ ગેરવર્તન કર્યું હતું. આવી વર્તણૂક કરનારને જવા દેવા જોઈએ નહીં અને એમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
લોરેન્સ બિશ્નોઇ હમણા તો ભારતની જેલમાં જ રહેશે
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવા માટે એફબીઆઇએ જે ચાર્જશીટ દાખલ કરી છે એમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનું નામ પણ છે. જોકે આમ છતા લોરેન્સ બિશ્નોઇ હમણા તો ભારતની જેલમાં જ રહેશે. ગુનેગારો માટે અમેરિકા સાથે થયેલી પ્રત્યાર્પણ સંધી પ્રમાણે ભારતમાં ટ્રાયલ અને સજા પુરી થયા પછી જ એને નિજ્જર હત્યાકાંડમાં અમેરિકા મોકલવામાં આવશે. મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને પણ અમેરિકાએ ત્યાં સજા પુરી થયા પછી જ ભારતને સોંપ્યો હતો. અત્યાર સુધી અમેરિકાએ ભારત પાસે લોરેન્સ બિશ્નોઇના પ્રત્યાર્પણની કોઈ માંગણી કરી નથી. જોકે ચાર્જશીટ થયા પછી હવે નજીકના ભવિષ્યમાં અમેરિકા આ માંગણી કરે તો નવાઈ નહીં. બિશ્નોઇ પર હત્યા અને ખંડણીના ૮૦ થી વધુ કેસીસ દેશની અલગ અલગ કોર્ટોમાં ચાલી રહ્યા છે.
સંઘની પ્રાંત પ્રચારક બેઠકમાં શું થયું
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (આરએસએસ)ના સિનિયર પ્રચારકોની વાર્ષિક બેઠક કર્ણાટકમાં ચાલી રહી છે. બેઠકમાં દેશભરમાં ચાલી રહેલી વસ્તિ ગણતરીની સમકાલીન અને સંગઠનાકત્મક વિષયો પર ચર્ચા થઈ હતી. અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે હાજર રહ્યા હતા. બેઠકમાં તમામ સહ સરકાર્યવાહ, અખિલ ભારતીય કાર્યવિભાગ પ્રમુખ, કાર્યકારી પરિષદના સભ્યો, પ્રાંત પ્રચારક, સહ પ્રાંત પ્રચારક, ક્ષેત્ર પ્રચારક અને સહ ક્ષેત્ર પ્રચારકો પણ હાજર રહ્યા હતા. દેશના તમામ ૧૧ ક્ષેત્રો અને ૪૬ પ્રાંતોના કાર્યકર્તાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. શાખાસ્તરે વાર્ષિક કાર્યયોજના વિશે ચર્ચા કરવામાં આવી હતી. સંઘના શતાબ્દી વર્ષ વખતે શાખા વિસ્તાર માટે કયા પગલા લેવામાં આવ્યા એ બાબતે પણ ચર્ચા થઈ હતી. ભવિષ્યમાં વધુમાં વધુ શાખાઓનું વિસ્તરણ થાય એ માટે રણનીતિ ઘડવામાં આવી હતી.
ફરીથી રાજપાલ યાદવને જેલ શા માટે
થોડા મહિના પહેલા ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવ જેલમાં હતા. ચેક બાઉન્સના કેસમાં ભરવાની થકી બાકીની રકમ એમના કેટલાક શુભેચ્છકોએ ભરી દેતા તેઓ જેલની બહાર આવ્યા હતા. હવે ફરીથી દિલ્હી હાઇકોર્ટે ચેક બાઉન્સના બીજા એક કેસમાં રાજપાલ યાદવને ત્રણ મહિનાની જેલની સજા કરી છે. ફરિયાદી કંપનીના વકીલના કહેવા પ્રમાણે 'દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ સ્વર્ણ કાંતા શર્માએ ચેક બાઉન્સના કેસમાં રાજપાલ યાદવને ગુનેગાર ઠેરવતા નીચલી કોર્ટના હુકમને મંજૂર રાખ્યો છે. એમણે ફરિયાદીને મૂળ રકમ પણ ચૂકવવી પડશે. એમ કહેવાય છે કે રાજપાલ યાદવે વારંવાર પૈસા પરત કરવાનું વચન આપ્યું હોવા છતાં વચન પાળવામાં નિષ્ફળ રહ્યા હતા. છેલ્લે રાજપાલ યાદવે કંપનીને ૭ ચેક આપ્યા હતા જે પણ બાઉન્સ થઈ ગયા હતા.
હરિયાણામાં પહેલી વખત એટીએસનું ગઠન
હરિયાણામાં આતંકવાદી હુમલાઓ કે પ્રવૃત્તિ પર નિયંત્રણ મેળવવા માટે પહેલી વખત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ)ની રચના કરવામાં આવી છે. એટીએસની કમાન્ડ ૨૦૦૭ બેંચના મહિલા આઇપીએસ અધિકારી નાઝનીન ભસીન સંભાળશે. એમની સાથે ૨૦૧૪ બેંચના આઇપીએસ લોકેન્દ્ર સિંહ અને ૨૦૧૭ બેંચના આઇપીએસ ઉપાસના અને વરુણ સિંગલા એટીએસના એસપી તરીકે કામ કરશે. નાઝનીન ભસીનની આ ટીમ હરિયાણા પોલીસના ડીજી અજય સિંઘલને રીપોર્ટ કરશે. હરિયાણા સરકારે વિધાનસભામાં બિલ પસાર કરીને પહેલી વખત એટીએસની રચના કરી છે. આધુનિક ટેક્નીક તેમજ મજબૂત જાસુસી તંત્ર અને બીજી એજન્સીઓના સન્મવય મારફતે એટીએસ આતંકવાદ અને કટ્ટરવાદી સંગઠનો સામે કાર્યવાહી કરશે. એટીએસની મુખ્ય ઓફિસ પંચકુલામાં હશે. જ્યારે પંચકુલા અને ગુરુગ્રામમાં સ્ટેશનો ખોલવામાં આવશે.