મોદી 8 મંત્રીને રવાના કરશે, યુવાઓને તક મળશે

Updated: Jan 25th, 2023


મોદી 8 મંત્રીને રવાના કરશે, યુવાઓને તક મળશે

નવીદિલ્હી: બજેટ સત્રની શરૂઆત પહેલાં રવિવારે  મોદી કેબિનેટમાં ફેરફાર થાય એવી શક્યતા છે ત્યારે મોદી ૮ મંત્રીને દૂર કરશે એવી વાતો પણ વહેતી થઈ છે. આ તમામ મંત્રી ૭૦ વર્ષથી વધુ વયના છે. તેમના સ્થાને ૮ યુવાઓને તક અપાશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે.  ભાજપમાં  ૭૫ વર્ષથી વધુ વયનાં લોકોને હોદ્દા નહીં આપવાનો નિયમ બનાવી ઘણાંને રવાના કરાયા હતા. હાલમાં એ નિયમ બાજુ પર મૂકી દેવાયો છે પણ હવે ફરી આ નિયમ લાગુ કરીને  ૭૦ વર્ષથી વધુ વયના મંત્રીઓને દૂર કરાશે.

આ યાદીમાં સોમ પ્રકાશ, રાવ ઈન્દ્રજીત સિંહ અને વી.કે. સિંહ નોંધપાત્ર નામો છે. ગિરિરાજ સિંહ, શ્રીપદ યેસો નાયક અને આર.કે. સિંહનો પણ વારો પડી જશે એવું મનાય છે.

આ વરસે નવ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે. આ પૈકી કર્ણાટક, છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ ભાજપ માટે મહત્વનાં હોવાથી આ રાજ્યોના યુવા સાંસદોને કેબિનેટમાં લેવાશે.

જયરામે દિગ્વિજયને બોલતા રોક્યા, પત્રકારને હડસેલ્યા

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને જયરામ રમેશનો વીડિયો વાયરલ થયો છે. દિગ્વિજય સિંહ પુલવામા મુદ્દે પત્રકારના સવાલનો જવાબ આપતા હતા ત્યારે અચાનક પાછળથી જયરામ રમેશ ધસી આવ્યા હતા. જયરામે પત્રકારને દૂર હડસેલીને દિગ્વિજયને જવાબ આપતા રોકી દીધા હતા ને તેમને ખભે હાથ મૂકીને દૂર લઈ ગયા હતા. આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રા દરમિયાન દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઈક સામે સવાલ ઉઠાવતા કહ્યું કે,  મોદી  સરકારે હજી સુધી સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા આપ્યા નથી. મોદી સરકાર સર્જિકલ સ્ટ્રાઈકના મુદ્દે જૂઠાણાંનો ભંડાર લઈ દીધો છે. કેન્દ્ર સર્જિકલ સ્ટ્રાઈક વિશે વાતો તો મોટી મોટી કરે છે કે અમે ઘણા આતંકવાદીઓને માર્યા પણ પુરાવા કોઈ નથી.

દિગ્વિજયે કહ્યું કે, ભાજપની સરકાર માત્ર જુઠ્ઠાણાં ફેલાવે છે. આપણા ૪૦ જવાન પુલવામામાં શહીદ થઈ ગયા. સીઆરપીએના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે, આ જવાનોને એરલિફ્ટ કરવામાં આવે પણ વડાપ્રધાન આ વાતથી સહમત ન થયા. સાવ આવું કેવી રીતે થઈ શકે?

કોશ્યારીને હોદ્દો છોડવા મંજૂરીની શું જરૂર 

મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીએ રાજ્યપાલપદ છોડવાની જાહેરાત કરીને મોદી પાસે મંજૂરી માંગી છે. કોશ્યારીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મેં તમામ રાજકીય જવાબદારીઓ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. શિવાજીને જૂના જમાનાના આદર્શ ગણાવીને વિવાદ સર્જનારા કોશ્યારીએ ગયા મહિને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ વિવાદ અંગે માર્ગદર્શન માંગ્યું હતું. તેમણે સલાહ માગી હતી કે,  તેમણે રાજ્યપાલપદે ચાલુ રહેવું જોઈએ કે નહીં ?  કોશ્યારીએ ૬ ડિસેમ્બરે લખેલો પત્ર મીડિયામાં ફરતો થઈ ગયો હતો.

વિપક્ષો કોશ્યારીની વાતોને નાટક ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, કોશ્યારીએ રાજ્યપાલપદ છોડી દેવું જ હોય તો તેના માટે શાહ કે મોદીની મંજૂરીની ક્યાં જરૂર છે ? કોશ્યારી કોઈના ગુલામ નથી કે મંજૂરી લેવી પડે. કોશ્યારી શિવાજીનું અપમાન કર્યા પછી હિંદુઓમાં અપ્રિય થઈ ગયા છે ને ભાજપ માટે બોજ બની ગયા છે તેથી માનપૂર્વક ખસવાનો તખ્તો તૈયાર કરી રહ્યા છે.

નડ્ડાના દીકરાનાં આજે લગ્ન, સંગઠન આખું જયપુરમાં

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના દીકરા હરીશનાં બુધવારે  લગ્ન હોવાથી આખું ભાજપ સંગઠન જયપુરમાં ઉમટયું છે. હરીશનાં લગ્ન જયપુરના જાણીતા હોટલ ગ્રુપ સાથે જોડાયેલા બિઝનેસમેન રમાકાંત શર્માની દીકરી રિધ્ધી સાથે છે. ૨૫ જાન્યુઆરી ને બુધવારે રાત્રે થનારા લગ્નનું  રાત્રે  ૮ વાગે રિસેપ્શન છે. જયપુરમાં લગ્ન પછી દિલ્હીમાં અલગ રીસેપ્શન યોજાશે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજો એ વખતે નવદંપતિને આશીર્વાદ આપવા પધારશે.

જયપુરમાં ૨૨ અને  ૨૩ જાન્યુઆરીએ ભાજપની કારોબારી હતી. સોમવારે કારોબારી બેઠક પૂરી થયા પછી પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા, પ્રભારી અરૂણ સિંહ, સંગઠન મહામંત્રી ચંદ્રશેખર, વસુંધરા રાજે, દીયા કુમારી,  ગુલાબચંદ કટારિયા સહિતના રાજસ્થાન ભાજપના નેતા લગ્નને મહાલવા ઉપડી ગયા હતા. રીસેપ્શનમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિતના રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા પણ હાજરી આપશે. નડ્ડાના મોટા દીકરા ગિરીશના લગ્ન પણ હનુમાનગઢના બિઝનેસમેન અજય જ્યાણીની દીકરી પ્રાચી સાથે પુષ્કરમાં થયાં હતાં.

જસ્ટિસ સોઢી રિજિજુ પર બગડયા, મારા ખભે...........

દેશની અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયાને મુદ્દે કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ઉગ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે કાયદા પ્રધાન કિરેન રિજિજુએ દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ આર. એસ. સોઢીના ઈન્ટરવ્યૂનો વીડિયો શેર કર્યો હતો. આ મુદ્દે બગડેલા જસ્ટિસ સોઢીએ રિજિજુને પોતાના ખભે બંદૂક મૂકીને સુપ્રીમ કોર્ટ સામે નિશાન નહીં તાકવા સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, કોલેજિયમ સિસ્ટમ ગેરબંધારણીય છે એવી કોમેન્ટ મારો અંગત અભિપ્રાય છે.

વીડિયોમાં જસ્ટિસ સોઢી કહે છે કે, સુપ્રીમ કોર્ટે એક રીતે ન્યાયાધીશોની બંધારણને હાઈજેક કરી લીધું છે. જસ્ટિસ સોઢીએ ન્યાયાધિશોની નિમણૂક સુપ્રીમ કોર્ટ દ્વારા કરાય છે તેની ટીકા કરીને હાઈકોર્ટની સ્વાયત્તતા છિનવી લેવાય છે એવી ટીપ્પણી પણ કરી હતી.

રિજિજુએ આ વીડિયો શેર કરીને લખ્યું હતું કે, ભારતીય લોકશાહીમાં વાસ્તવિક જનતા પોતાના પ્રતિનિધિઓના માધ્યમથી શાસન કરે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે કાયદા બનાવે છે. આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર છે પણ આપણું બંધારણ સર્વોચ્ચ છે.

બ્રિજભૂષણે રસોઈયા પાસે અરજી કરાવી

કેન્દ્ર સરકારના ફરમાન પછી બ્રિજભૂષણ શરણ સિંહ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખપદેથી તો કામચલાઉ રીતે હટી ગયા પણ તેમણે કુસ્તીબાજો સામે પોતાના રસોઈયા મારફતે કરાવેલી અરજીના કારણે મોદી નારાજ છે.  બ્રિજભૂષણ તથા ફેડરેશનના કોચ સામે જાતિય શોષણના આક્ષેપો કરીને ધરણાં કરનારા કુસ્તીબાજો વિરુધ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી થઈ છે. ભાજપનાં સૂત્રોના મતે, કેન્દ્રે તપાસની જાહેરાત કરી પછી અરજી કરાવીને બ્રિજભૂષણ પેંતરા કરી રહ્યા છે. 

અરજીમાં આક્ષેપ મૂકાયો છે કે,  વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ ન્યાયની મજાક બનાવીને જાતીય સતામણી કાયદાનો સંપૂર્ણપણે દુરુપયોગ કર્યો છે. કોઈ ખેલાડીનું જાતિય શોષણ થયું હોય તો તેણે પોલીસ અને કોર્ટ દ્વારા કાયદા અનુસાર કાર્યવાહી કરવી જોઈતી હતી પણ કુસ્તીબાજોએ એવું કર્યું નથી.  આ અરજીમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને અન્ય ખેલાડીઓ સામે કાયદાની પ્રક્રિયાનો કથિત દુરુપયોગ કરવા બદલ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. અરજદાર વિકી બ્રિજભૂષણ શરણ સિંહના સત્તાવાર નિવાસસ્થાને રસોઈયા તરીકે કામ કરે છે.

    Sports

    RECENT NEWS