ગુજરાતની હિંસાનો મુદ્દો ઉઠાવવાની ટીકા

Updated: Jan 20th, 2023


ગુજરાતની હિંસાનો મુદ્દો ઉઠાવવાની ટીકા

નવી દિલ્હી: ગુજરાત રમખાણો પર બીબીસીએ બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મને કારણે ગુજરાતનાં રમખાણોનો મુદ્દો ફરી ચર્ચામાં છે. ભારત સરકારે આ ડોક્યુમેન્ટરી ફિલ્મને મોદી અને દેશ વિરોધી કુપ્રચાર ગણાવીને તેની ઝાટકણી કાઢી છે તો બ્રિટનની સરકારે પણ ડોક્યુમેન્ટરીમાં મોદીને જે રીતે રજૂ કરાયા તેની સાથે અસંમતિ દર્શાવી છે.

વિશ્લેષકો પણ ડોક્યુમેન્ટરી ફિલ્મની ટીકા કરી રહ્યા છે. તેમના મતે, સુપ્રીમ કોર્ટે રમખાણોના કેસમાં મોદીને ક્લીનચીટ આપી દીધી છે ત્યારે આ મુદ્દે મોદીને નિશાન બનાવવા યોગ્ય નથી. ગુજરાતમાં ૨૦૦૨ના રમખાણોનાં કેસોની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટીએ પોતાના ક્લોઝર રીપોર્ટમાં કહેલું કે,  રમખાણોમાં મોદીનો હાથ હોય એવા કોઈ પુરાવા મળ્યા નથી. જૂન ૨૦૨૨માં પણ સુપ્રીમ કોર્ટે મોદીને મળેલી ક્લીનચીટ પર મંજૂરીની મહોર મારી હતી.

'ધ મોદી ક્વેશ્ચન' ડોક્યુમેન્ટરીનો પહેલો એપિસોડ ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થયો હતો પણ સરકારે તેને હટાવી દીધો છે.  બીજો એપિસોડ ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થવાનો છે.

મોદીએ નડ્ડાને બંગાળ રવાના કરી દીધા

જે.પી. નડ્ડાને ફરી ભાજપ પ્રમુખ બનાવી દેવાયા પછી મોદીએ તેમને સૌથી પહેલી જવાબદારી પશ્ચિમ બંગાળમાં ભાજપનું ઘર સરખું કરવાની સોંપી છે. મોદીના આદેશને માથે ચડાવીને  નડ્ડા પશ્ચિમ બંગાળ પહોંચી ગયા છે. બંગાળમાં નડ્ડાએ એક જાહેર સભાને સંબોધિત કરી. સાથે સાથે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક પણ કરીને લોકસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી વધારે બેઠકો જીતે એ માટે શું કરવું તેની ચર્ચા પણ કરી.

બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારના પગલે ભાજપમાં હતાશાનો માહોલ છે. એક પછી એક નેતા ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આ કારણે ભાજપ માટે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જીતેલી ૧૮ બેઠકો જાળવી રાખવી પણ મુશ્કેલ લાગી રહી છે તેથી મોદીએ નડ્ડાને મોકલવા પડયા છે.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, બંગાળમાં મોદીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં અમિત શાહને જવાબદારી સોંપી હતી. શાહે જોરદાર પરિણામ લાવી બતાવ્યું પણ આ વખતે શાહને દૂર રખાયા એ આશ્ચર્યજનક છે.

રાજધાનીમાં મહિલા પંચનાં પ્રમુખની જ છેડતી

દિલ્હી મહિલા પંચનાં પ્રમુખ સ્વાતિ માલીવાલે પોતાની છેડતી થઈ હોવાનો આક્ષેપ કરતાં સનસમાટી મચી છે. દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા અંગે ફરી સવાલો ઉઠયા છે.

માલિવાલનો આક્ષેપ છે કે, નશામાં ધૂત એક કાર-ડ્રાઇવરે તેમની છેડતી કરીને ગંદી કોમેન્ટ્સ કરી હતી. સ્વાતિએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો કાર-ડ્રાઇવરે તેમને ૧૫ મીટર સુધી ઢસડયાં હતાં. સ્વાતિની ફરિયાદના આધારે પોલીસે ૪૭ વર્ષીય આરોપી હરીશચંદ્રની ધરપકડ કરી લીધી છે.

સ્વાતિ માલીવાલ દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા અંગે રિયાલિટી ચેક કરવા નિકળ્યાં ત્યારે એઇમ્સ પાસે રાત્રે ૩-૧૧ વાગ્યે આ ઘટના બની હતી. હરીશચંદ્રે સ્વાતિને કારમાં બેસવા કહેલું પણ સ્વાતિએ ના પાડી હતી. થોડી વાર પછી  પાછો આવીને સાવ નજીકથી કાર ચલાવીને ગંદી હરકતો કરી હતી.

હરીશચંદ્રે બળજબરી કરતાં તેને પકડવા સ્વાતિ કારની બારી પાસે પહોંચ્યાં ત્યારે હરીશે બારી બંધ કરી દેતાં સ્વાતિનો હાથ ફસાઈ ગયો હતો. હરીશે  કાર ભગાવીને સ્વાતિને અંદાજે ૧૫ મીટર સુધી ઢસડયાં હતાં.

રામસેતુ મુદ્દે સરકારની ગુલાંટ

સરકાર રામસેતુને મુદ્દે બરાબરની ભેરવાઈ છે ને ગુલાંટ લગાવવી પડી છે.  રામસેતુને રાષ્ટ્રીય હેરિટેજ સ્મારક જાહેર કરવાની માગ સાથે  રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ જાહેર હિતની અરજી કરી છે. મોદી સરકાર પહેલાં જ કહી ચૂકી છે કે, રામસેતુ અસ્તિત્વમાં હોવાના કોઈ પુરાવા નથી. તેના પગલે માછલાં ધોવાતાં કેન્દ્ર સરકારે વલણ બદલીને સુપ્રીમ કોર્ટમાં કહેવું પડયું છે કે, રામસેતુને રાષ્ટ્રીય હેરિટેજ સ્મારક જાહેર કરવા અંગે સરકાર વિચારી રહી છે.

સ્વામીએ આ મુદ્દે લીધેલું વલણ પણ મોદી સરકાર માટે માથાનો દુઃખાવો છે. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેંચે સ્વામીને આ મુદ્દે સરકારને અરજી આપવા કહ્યું હતું પણ સ્વામીએ ઈન્કાર કરી દીધો. સ્વામીની દલીલ છે કે, કેન્દ્રમાં જેની સત્તા છે એ જ પક્ષમાં પોતે છે. અમારા પક્ષના ચૂંટણી ઢંઢેરામાં રામસેતુને હેરિટેજ સ્મારક જાહેર કરવાનું વચન અપાયેલું તેથી કેન્દ્રે વલણ સ્પષ્ટ કરવું જોઈએ કે, આ અરજીનો વિરોધ કરી રહી છે ?

શાહનું બ્રિજભૂષણને ફેડરેશન છોડવા અલ્ટિમેટમ

રેસલિંગ ફેડરેશન આફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મહિલા કુશ્તીબાજોના શારીરિક શોષણના આક્ષેપોએ મોદી સરકારને ભીંસમાં મૂકી છે. કુશ્તીબાજોએ સિંહને હટાવવા માટે મોદી અને શાહના હસ્તક્ષેપની માંગ કરી હતી. ભાજપના સૂત્રોનો દાવો છે કે, શાહે સિંહને ફેડરેશનના પ્રમુખપદેથી હટી જવા કહી દીધું છે પણ સિંહ હટવા તૈયાર નથી. સિંહને શનિવાર સુધીનું અલ્ટિમેટમ અપાયું છે. સિંહ નહીં માને તો ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાશે એવો પણ સૂત્રોનો દાવો છે.

રમતગમત મંત્રાલયે કુશ્તીબાજોના આક્ષેપોને ગંભીરતાથી લઈને  ફેડરેશનનને ૭૨ કલાકમાં  જવાબ આપવા માટે નોટિસ મોકલવામાં આવી છે. આ મુદત પણ શનિવારે પૂરી થઈ રહી હોવાથી શનિવારે અંતિમ નિર્ણય લેવાઈ જશે. જાણીતાં મહિલા કુશ્તીબાજ વિનેશ ફોગાટ સિંહનાં કરતૂતોની વાત કરતાં જાહેરમાં  રડી પડયાં હતાં. તેના કારણે લોકોની સહાનુભૂતિ કુશ્તીબાજો તરફ છે. આ કારણે મોદી સરકાર બ્રિજભૂષણ સામે નરમાઈથી વર્તીને ઈમેજ બગાડવા માંગતી નથી.

રાજને રાહુલને વખાણ્યા, ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી

ભારતીય રિઝર્વ બેન્કનાં ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને રાહુલ ગાંધીની પ્રસંશા કરી તેનો કોંગ્રેસીઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ ભાજપ સમર્થકો એમ કહીને મજા લઈ રહ્યા છે કે, રાજનને મોદીએ ભાવ ના આપ્યો એટલે રાહુલને પકડયા છે.

રઘુરામે એક ઈન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીને સ્માર્ટ વ્યક્તિ ગણાવીને કહ્યું કે, રાહુલની ઈમેજ દુર્ભાગ્યપૂર્ણ છે. રાહુલ કોઈ રીતે પપ્પૂ નથી. રાહુલ સ્માર્ટ, યુવા અને જિજ્ઞાસુ વ્યક્તિ છે. યુવાનોમાં દેશ માટે પ્રાયોરિટી શું છે, જોખમ શું છે અને જોખમનું મૂલ્યાંકન કરવાની ક્ષમતાની સારી સમજ હોવીં જરૂરી છે.  રાહુલ આ તમામ બાબતોમાં સક્ષમ છે.

રઘુરામ રાજન રાજસ્થાનમાં રાહુલની ભારત જોડો યાત્રામાં જોડાયા હતાં. તેના કારણે એવી અટકળો શરૂ થઈ છે કે, રઘુરામ રાજન કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસને આર્થિક નિષ્ણાતની જરૂર હોવાથી રાજનને આવકારવા આતુર છે. રાજને ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસમાં જોડાવાનો જ નહીં પણ રાજકારણમાં આવવાનો પણ ઈન્કાર કર્યો છે.

    Sports

    RECENT NEWS