mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દિલ્હીની વાત : મંડેલા રોડ પર ગાંધીજીની પ્રતિમા મૂકવાનું રદ કરાયું

Updated: Jul 9th, 2024

દિલ્હીની વાત : મંડેલા રોડ પર ગાંધીજીની પ્રતિમા મૂકવાનું રદ કરાયું 1 - image


નવી દિલ્હી : ગુજરાત સરકારે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળકાય પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની સ્થાપના કરી ત્યાર પછી દિલ્હીના નેલશન મંડેલા માર્ગ પર ગાંધીજીની પ્રતિમા મૂકવાનું આયોજન થયું હતું. પ્રતિમાની ઊંચાઈ ૫૦ ફૂટ તેમ જ પાયાની ઊંચાઈ ૧૦ ફૂટ થઈને પ્રતિમાની કુલ ઊંચાઈ ૬૦ ફૂટ જેટલી બનાવવાનું નક્કી થયું હતું. ઘણા પ્રયત્નો પછી છેવટે દિલ્હીના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી)એ હવે આખુ આયોજન રદ કરી નાંખ્યું છે. એમ મનાય છે કે કેટલાક અધિકારીઓ એવા મતના હતા કે આટલી વિશાળકાય પ્રતિમાનું વજન ૫૦૦ કીલો જેટલું હોવાથી પ્રતિમા નમી જાય એવી શક્યતા હતી.

લુધિયાણામાં પંજાબની પહેલી હાઇસિક્યુરીટી સેન્ટ્રલ જેલ બનશે

ખાલિસ્તાનવાદીઓના ઉધામા અને ડ્રગના દુષણને કારણે પંજાબ હંમેશા સંવેદનશીલ રાજ્ય રહ્યું છે. પંજાબની જેલોમાંથી ભૂતકાળમાં ઘણા આતંકવાદીઓ ભાગી ગયા હોવાની ઘટના બની છે. હવે પહેલી વખત પંજાબમાં હાઇસિક્યુરીટીની કેન્દ્રીય જેલ બનવા જઈ રહી છે. લુધિયાણા ખાતે આવેલા ગોરસિયાન કાદર બક્ષ ગામમાં ૫૦ એકર જમીન પર આ જેલ બનશે. ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનારી આ જેલમાં ૩૦૦ જેટલા કેદીઓને રાખી શકાશે. આ જેલ બનાવવાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર આપશે. આધુનિક કેમેરાઓથી સજ્જ આ જેલમાં રીઢા ગુનેગારો પર સતત વોચ રાખવામાં આવશે. પંજાબની વિવિધ જેલોમાં કેદ જોખમી કેદીઓને આ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

ભોલે બાબા મુદ્દે માયાવતી અને ચંદ્રશેખર આઝાદ સામસામે

ઉત્તર પ્રદેશમાં ભોલે બાબાકાંડ પછી માયાવતીએ ભોલે બાબાની ભારે ટીકા કરી અને દલિતોને આવા ઠગોથી દૂર રહેવા કહ્યું હતું. ઉત્તર પ્રદેશમાં આઝાદ સમાજ પાર્ટી અને ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ પણ કાશીરામના અનુગામી થવાની હોડમાં છે. ભોલે બાબાની સભામાં મંચ પરથી બોલતા ચંદ્રશેખર આઝાદનો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં ચંદ્રશેખર આઝાદ કહી રહ્યા છે કે, બાબાના સત્સંગમાં પોલીસે યોગ્ય બંદોબસ્ત ગોઠવવો જોઇએ. ઉત્તર પ્રદેશની નગીના બેઠક પરથી ચંદ્રશેખર ચૂંટાઈને આવ્યા છે. આઝાદનો ઉલ્લેખ અમેરિકાના ખ્યાતનામ મેગેઝીન ટાઇમમાં નવા ઉભરતા વિશ્વના ૧૦૦ રાજકીય નેતાઓની યાદીમાં થયો હતો. આવનાર દિવસોમાં ઉત્તર પ્રદેશના દલિતોના સાચા નેતા કોણ છે એ બાબતે માયાવતી અને ચંદ્રશેખર આઝાદ વચ્ચે સ્પર્ધા થવાની છે. 

એનએસએની ટીમના બંધારણમાં મોટાં ફેરફારો થશે

અજીત ડોભાલ જ્યારથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) બન્યા છે ત્યારથી આ પદનું મહત્ત્વ વધી ગયું છે. હવે એડિશનલ નેશનલ સિક્યુરીટી એડવાઇઝરની નિમણૂક પણ થઈ છે. નેશનલ સિક્યુરીટી કાઉન્સિલ સેક્રેટેરીએટ તેમ જ એનએસએ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે કોણે કોને રીપોર્ટિંગ કરવું એ બાબતે પણ નવી ગોઠવણ થઈ રહી છે. એમ મનાય છે કે હવે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની જવાબદારી સલાહ આપવાની હશે અને જમીની કામગીરી એમણે ઓછી કરવાની રહેશે. લશ્કરની ત્રણે પાંખના વડાઓ તેમ જ સંરક્ષણ, ગૃહ તેમ જ વિદેશ મંત્રાલયના સચિવોએ એનએસએને પોતાના અહેવાલો મોકલવાના રહેશે.

તામિલનાડુમાં પોલીસ અત્યાચારથી દિલ્હીના એનજીઓ ચિંતિત

છેલ્લા થોડા દિવસો દરમિયાન તામિલનાડુમાં પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસ અત્યાચારને કારણે મૃત્યુ થવાના બનાવો વધી રહ્યા છે. પોલીસ કોઈની ધરપકડ કરીને લઈ જાય ત્યારે એમના કુટુંબીઓ ધ્રૂજી ઉઠે છે. એમને એવું લાગે છે કે, પોલીસ જે વ્યક્તિને લઈ ગઈ છે એ જીવતી પાછી આવશે કે નહીં. લોકસભામાં રજુ થયેલા ૨૦૧૮થી ૨૦૨૩ના આંકડા પ્રમાણે દેશમાં સૌથી વધુ કસ્ટોડિયલ મૃત્યુ ગુજરાતમાં થયા છે. ત્યાર પછી મહારાષ્ટ્ર અને તામિલનાડુના નંબર આવે છે. જોકે ૨૦૨૦ પછી તામિલનાડુ પોલીસની બદનામી વધી રહી છે. કોવિડના લોકડાઉન દરમિયાન પોતાની દુકાન ૧૦ મિનિટ વધારે સમય માટે ખુલ્લી રાખવાથી એક બાપ અને દીકરાને પોલીસે બેરહમીથી મારી નાખ્યા હતા. એ કિસ્સો દેશ આખામાં ચગ્યો હતો. તામિલનાડુના આઇપીએસ અધિકારી બલવીર સિંહ પર ૧૯ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં ટોર્ચર કરીને મારી નાખ્યા હોવાનો આક્ષેપ થયો છે. હવે દિલ્હીના કેટલાક એનજીઓએ તામિલનાડુ સરકારને ચિમકી આપતા કહ્યું છે કે જો પોલીસ અત્યાચારની ઘટનાઓ નહીં અટકે તો એમણે સુપ્રિમ કોર્ટ સમક્ષ જવું પડશે.

ડિજીટલ હાજરી બાબતે ઉત્તર પ્રદેશમાં શિક્ષકોનો ભારે વિરોધ

ઉત્તર પ્રદેશના શિક્ષકો થોડા દિવસમાં રાજ્યવ્યાપી આંદોલન કરવાના છે. ઉત્તર પ્રદેશની સરકારે નક્કી કર્યું છે કે શિક્ષકોની ઓનલાઇન હાજરી લેવાશે. મતલબ કે ટેબલેટ પર ચહેરો બતાવીને શિક્ષકોએ પોતાની હાજરી નોંધાવવી પડશે. સરકારના આ નિર્ણયને કારણે શિક્ષકો નારાજ થઈ ગયા છે. રાજ્યના વિવિધ શિક્ષક સંગઠનોએ ભેગા મળીને નક્કી કર્યું છે કે જ્યાં સુધી સરકાર આ ફતવો પાછો નહીં ખેચે ત્યા સુધી શિક્ષકો કાળી પટ્ટી બાંધીને કામ કરશે. ૧૫મી જુલાઈએ દરેક જિલ્લાની કલેક્ટર ઓફિસ સમક્ષ શિક્ષકો ધરણા - પ્રદર્શન કરવાના છે. રાજ્ય શિક્ષક યુનિયનના પ્રમુખ સંતોષ તિવારીએ જાહેરાત કરી છે કે, જો જિલ્લાસ્તરે થયેલા વિરોધની અસર નહીં થાય તો મુખ્યમંત્રી સમક્ષ પણ રજુઆત કરવામાં આવશે.

બંગાળમાં મમતાને ટક્કર આપવા ભાજપને મહિલા ચહેરાની તલાશ

પશ્વિમ બંગાળમાં ભાજપને હવે એ સમજાઈ ચૂક્યું છે કે મમતા બેનર્જીને હરાવવાનું કામ એટલું આસાન નથી. મમતા બેનર્જીને સામ-દામ-દંડ-ભેદ - એમ બધા જ પ્રકારનું રાજકારણ આવડે છે. તેમની સામે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીને આગળ કરવાનો ભાજપનો પ્લાન હતો, પરંતુ ગાંગૂલીએ સલામત અંતર રાખ્યું. હવે ભાજપે બંગાળમાં મહિલા આઈકનની તલાશ આદરી છે, જે મમતા બેનર્જી સામે પડકાર સર્જી શકે. લોકેટ ચેટર્જી અને અગ્નિમિત્રા પાલના નામની વિચારણા અત્યારે હાઈકમાન્ડે શરૂ કરી છે.

ખાલિસ્તાની અમૃતપાલ સરકાર માટે મુશ્કેલી બનશે

ખાલિસ્તાની અલગતાવાદી અમૃતપાલ સિંહે જેલમાંથી ચૂંટણી લડી હતી અને વિજેતા બન્યા બાદ સાંસદપદના શપથ લીધા હતા. સાંસદપદના શપથ લેતી વખતે દેશની અખંડિતતા અને એકતાને જાળવી રાખવાની કસમ ખાવામાં આવે છે, પરંતુ શપથ લીધાના ગણતરીના દિવસો બાદ જ અમૃતપાલ સિંહે એક આક્રમક નિવેદન રજૂ કર્યું હતું. ખાલસા રાજનું સપનું જોવું એ ગુનો નથી એવું તેનું નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. અમૃતપાલની માતાએ કહ્યું હતું કે તેનો દીકરો ખાલિસ્તાનનો સમર્થક નથી. એ પછી તુરંત અમૃતપાલનું નિવેદન આવ્યું હતું. અમૃતપાલનું આ વલણ સરકાર માટે પડકાર બનશે, કારણ કે એ હવે સાંસદ છે.

કેજરીવાલના જામીનનો મુદ્દો ન્યાયતંત્ર માટે ભારે પેચીદો બન્યો

કેજરીવાલની જામીન અરજી મુદ્દે દિલ્હી હાઈકોર્ટે ઈડીનો જવાબ માગ્યો હતો. એ પછી હવે તિહાર જેલ પ્રશાસનનો જવાબ પણ માગ્યો છે. કેજરીવાલ વતી વકીલો સાથે બેઠકો કરવાની માગણી થઈ છે. એ સંદર્ભમાં જેલનો જવાબ આવશે પછી હાઈકોર્ટ કોઈ નિર્ણય કરશે. એ દરમિયાન અગાઉ હાઈકોર્ટે નીચલી કોર્ટની જામીન અરજી પર સ્ટે મૂક્યો એ મુદ્દેય વિવાદ વધ્યો છે. ૧૫૭ વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશને પત્ર લખીને આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને હાઈકોર્ટના નિર્ણય સામે સવાલો ખડા કર્યા હતા. મૂળ વાત એવી હતી કે ન્યાયધીશ સુધીર કુમાર જૈને આ મામલે સુનાવણી કરી હતી. બીજી તરફ તેમના ભાઈ અનુરાગ જૈન ઈડીના વકીલ છે. એ કારણે આ મુદ્દો ચર્ચામાં છે. 

હરિયાણાની ચૂંટણીમાં અભય ચૌટાણા અને માયાવતીનું ગઠબંધન

હરિયાણાની વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી શરૂ થઈ ચૂકી છે. હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની છે, પરંતુ આપ પણ રાજ્યમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. તે ઉપરાંત ચૌટાલા પરિવારની પાર્ટીઓ પણ કોઈનો ખેલ બગાડશે ને કોઈને ફાયદો કરાવશે. આવી સ્થિતિ વચ્ચે પૂર્વ નાયબ વડાપ્રધાન દેવીલાલે સ્થાપેલી ઈન્ડિયન નેશનલ લોકદળ પાર્ટીના અભય ચૌટાલાએ કહ્યું હતું કે માયાવતીના બસપા સાથે વાતચીત થઈ રહી છે. બંને પાર્ટી ગઠબંધન કરીને ચૂંટણી ઝંપલાવશે. અભય સિંહ ચૌટાલાને ભત્રીજા દુષ્યંત ચૌટાલા સામે આ વખતે દેવીલાલાનો રાજકીય વારસો બચાવવાની ટક્કર છે.

- ઈન્દર સાહની

Gujarat