Get The App

દિલ્હીની વાત : ચૂંટણી હાર્યા પછી મમતાને કેટલું પેન્શન મળશે

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ચૂંટણી હાર્યા પછી મમતાને કેટલું પેન્શન મળશે 1 - image

નવીદિલ્હી : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા પછી મમતા બેનર્જીને નિયમ પ્રમાણે કેટલું પેન્શન મળશે? ઘણા સરકારી પેન્શન માટે યોગ્ય હોવા છતા મમતા બેનર્જીએ પહેલા કહ્યું હતું કે તેઓ કોઈપણ પેન્શનનો સ્વિકાર કરશે નહીં. આ નિર્ણય એમનો પોતાનો છે. જોકે ભારતના કાયદા પ્રમાણે તેઓ પેન્શન માટે હકદાર છે. મમતા સાત વખત સાંસદ રહી ચૂક્યા છે એ કારણે પેન્શનનો સૌથી મોટો ભાગ પણ સાંસદના પેન્શનનો જ હશે. હમણાના નિયમ પ્રમાણે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સાંસદ રહેનારને દર મહિને રૃા. ૩૧,૦૦૦નું બેઝિક પેન્શન મળે છે. વધારાના દરેક વર્ષને આધારે દર મહિને ૨,૫૦૦ રૂપિયાનું પેન્શન વધે છે. મમતા લાંબા સમય સુધી સાંસદ રહ્યા હોવાને કારણે મહિને એમને રૂ. ૧૦ લાખ સુધીનું પેન્શન મળી શકે છે. આ સિવાય મમતા ધારાસભ્ય અને મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. ધારાસભ્યનો મહિનાનો પગાર ૧.૨૧ લાખ છે. જોકે કોઈ વ્યક્તિ સાંસદ અને ધારાસભ્ય બંને રહી હોય તો બેમાંથી એકના પેન્શન માટે હકદાર બને છે.

કેરળના મુખ્યમંત્રી પદની રેસમાં કોના નામ

કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફ સરકાર સત્તામાં આવી છે. નવી સરકારની રચના બાબતે ચર્ચા શરૂ થઈ છે. નેતાઓ નિર્ણય લેવા માટે બેઠકો કરી રહ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ માટે ફક્ત રાજકીય નહીં, પરંતુ લાગણીનો સમય પણ છે. કેરળના લોકોનો વિશ્વાસ જીતવાને કારણે કોંગ્રેસના નેતાઓ ઉત્સાહીત છે. હવે મુખ્યમંત્રી પદ માટેની રેસ પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના ત્રણ નેતાઓ આ રેસમાં આગળ છે. વિરોધપક્ષના નેતા વીડી સતિશાન, સિનિયર નેતા રમેશ ચેન્નીથલા અને એઆઇસીસીના મહામંત્રી અને લોકસભાના સાંસદ કેસી વેણુગોપાલ. કોંગ્રેસને ૬૩ બેઠકો મળી છે એટલે ગઠબંધનના બીજા પક્ષોથી દબાવાની એને જરૂર નથી. મુખ્યમંત્રીની પસંદગી માટે એઆઇસીસીની એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમમાં મહામંત્રી અને કેરળના પ્રભારી દીપાદાસ મુનશી હશે. તેઓ વિધાનસભ્યોને મળીને રીપોર્ટ હાઇકમાન્ડને આપશે.

તામિલનાડુમાં વિજય સાથે કોંગ્રેસ ગઠબંધન કરશે?

તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં વિજયએ ડીએમકે અને એઆઇએડીએમકેને પાછળ રાખી દીધા છે. વિજયના પક્ષ ટીવીકેએ ૧૦૦ કરતા વધુ બેઠકો જીતી લીધી છે પરંતુ બહુમતી માટે જરૂરી ૧૧૮ બેઠકો સુધી પહોંચી શક્યો નથી. સરકાર બનાવવા માટે ટીવીકેને ૧૦ બેઠકોની જરૂર છે. વિજય સમક્ષ કેટલાક વિકલ્પો છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટીવીકે સાથે ગઠબંધન કરવાની તૈયારી બતાવી છે. ડીએમકે સાથેના ગઠબંધનની અવગણના કરીને રાહુલ ગાંધીએ વિજયને ફોન કરી અભિનંદન આપ્યા છે. એમણે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'મે વિજય સાથે વાત કરી છે અને એમને અભિનંદન આપ્યા છે. આ જનાદેશ યુવાનોનો વધતો પ્રભાવ બતાવે છે. તામિલનાડુ અને પુંડુચેરીના કોંગ્રેસના કાર્યકરોની મહેનત માટે હું એમને અભિનંદન આપું છું.'

કર્ણાટકમાં ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બનશે?

કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ બાબતે ફરીથી ચર્ચા શરૂ થઈ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કેબીનેટમાં ફેરફાર, નેતૃત્વ પરિવર્તન અને ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપી છે. કેબીનેટમાં ફેરફાર બાબતે એમણે હાઇકમાન્ડ પર ઠીકરૂ ફોડયું છે. એમના કહેવા પ્રમાણે એમને જ્યારે બોલાવવામાં આવશે ત્યારે તેઓ દિલ્હી જશે. ઉપમુખ્યમંત્રી ડી કે શિવુકમારને મુખ્યમંત્રી બનાવવાની માંગણી બાબતે સિદ્ધારમૈયાએ ઢીલાસ્વરે કહ્યું હતું કે એમા કઈ ખોટુ નથી. એમના આ નિવેદન પછી કર્ણાટક કોંગ્રેસમાં ચર્ચા ચાલી રહી છે કે નજીકના ભવિષ્યમાં કદાચ નેતૃત્વ પરિવર્તન શક્ય બનશે. ૨૦૨૫ના નવેમ્બર મહિનામાં કર્ણટક સરકારે અઢી વર્ષ પુરા કર્યા હતા. એ વખતે નેતૃત્વ પરિવર્તનની વાત શરૂ થઈ હતી. ૨૦૨૩માં જ્યારે કોંગ્રેસની જીત થઈ હતી ત્યારે એવું નક્કી થયું હતું કે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર અઢી - અઢી વર્ષ સુધી પાવરમાં રહેશે.

બંગાળમાં 23માંથી 9 જિલ્લામાં ટીએમસી ખાતુ ખોલવામાં નિષ્ફળ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ૨૩ જિલ્લામાંથી ૯ જિલ્લામાં ભાજપએ ટીએમસીનો સફાયો કરી નાખ્યો છે. ૯ જિલ્લાની તમામ ૬૮ બેઠકો ભાજપે જીતી છે. આ જિલ્લાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે ટીએમસી ઘણા જિલ્લાઓમાં ખાતુ ખોલી શકશે નહીં. પશ્ચિમ બંગાળના વિજય પછી ભાજપએ પૂર્વભારતમાં મોટો ગઢ જીતીને 'અંગ, બંગ અને કલિંગ' એટલે કે બિહાર, બંગાળ અને ઓડિસા પર પોતાની પકડ મજબૂત કરી છે. ભાજપના પ્રદર્શન માટે મોદી - શાહ ઉપરાંત પક્ષ પ્રમુખ શુભેંદુ અધિકારીને જશ આપવામાં આવે છે. શુભેંદુ અધિકારીને કારણે પૂર્વ મેંદીની પુર જિલ્લાની તમામ ૧૬ બેઠકો ભાજપે જીતી છે. શુભેંદુ અધિકારી પહેલા ટીએમસીમાં હતા અને ૨૦૨૦માં ભાજપ સાથે જોડાયા હતા. ઉત્તર બંગાળના પહાડી વિસ્તારો દાર્જીલિંગ, કાલીમ્પોંગ, જલપાઇ ગુડી અને અલીપુર દ્વારમાં ટીએમસીની કોઈ અસર દેખાઈ નહોતી.

ઘરમાં ઝાડુ-પોતા કરનાર કલીતા ધારાસભ્ય બની

પશ્ચિમ બંગાળમાં ભાજપે ૨૦૬ બેઠકો પર જીત મેળવી એમાની એક બેઠક એવી છે કે ઘરમાં સફાઈ કામ કરનાર ૩૭ વર્ષના કલીતા માઝી પણ વિધાનસભા પહોંચી ગયા છે. નવાઇની વાત એ છે કે ભાજપની ટિકિટ મળ્યા પછી પણ કલીતા માઝીએ ઘરકામ કરવાનું છોડયું નહોતું. આ પહેલા ૨૦૨૧માં તેઓ ચૂંટણી હારી ગયા હતા. કલીતા માઝીએ બંગાળની ઔસગ્રામ બેઠક પરથી ચૂંટણી લડી હતી. એમણે ટીએમસીના શ્યામપ્રસન્ન લોહારને ૧૨,૦૦૦થી વધુ મતોથી હરાવ્યા હતા. માઝીને કુલ ૧,૦૭,૬૯૨ મત મળ્યા હતા. ગુસકારા વિસ્તારના રહેવાસી કલીતા ચૂંટણી લડતા પહેલા ૪ ઘરોમાં ઝાડુ-પોતા કરતા હતા. એમની મહિનાની આવક ૨,૫૦૦ રૂપિયા હતી. ૨૦૨૧માં પણ ભાજપે એમને ટિકિટ આપી હતી. ૨૦ વર્ષથી તેઓ ભાજપ સાથે જોડાયેલા છે.

કેરળમાં આરજેડીનું ખાતુ ખોલનાર પીકે પ્રવિણ કોણ છે

કેરળ વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ને પહેલીવાર જીત મળી છે. પક્ષના ઉમેદવાર પીકે પ્રવિણએ કુથુપરમ્બા બેઠક પરથી જીત મેળવી હતી. આરજેડીનું વર્ચસ્વ ફક્ત બિહારમાં હોવાથી કેરળમાં મળેલી જીતને કારણે ઘણાને નવાઈ લાગી છે. પીકે પ્રવિણએ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ઉમેદવાર જયંતી રાજનને ૧,૨૮૬ મતથી હરાવ્યા હતા. આરજેડી, એલડીએફનો સહયોગી પક્ષ છે. ગઠબંધન તરફથી આરજેડીએ ત્રણ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા. પીકે પ્રવિણ બિઝનેસમેન છે અને એમણે અન્નામલાઇ યુનિવર્સિટીમાંથી એમફીલની ડીગ્રી મેળવી છે. પ્રવિણ પાસે ત્રણ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સ્વચ્છ છબી અને શૈક્ષણિક લાયકાતને કારણે મતદારોએ એમને પસંદ કર્યા હતા.