For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહારાષ્ટ્રમાં આ બેઠકને લઈને કોકડું ગુચવાયું, મહાવિકાસ અઘાડીમાં ભંગાણનાં એંધાણ

Updated: Apr 2nd, 2024

Article Content Image

Lok Sabha Elections 2024 : મહારાષ્ટ્રમાં સાંગલી બેઠક અંગે ઉધ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસ બંને નમતું જોખવા તૈયાર ના થતાં મહાવિકાસ અઘાડીમાં ભંગાણનાં એંધાણ છે. ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીના મુદ્દે એવું કહ્યું કે, મહારાષ્ટ્રમાં હવે પછીની બેઠકોની વહેંચણીની વાતચીત ૨૦૨૯માં જ થશે. તેમના નિવેદનનો એવો અર્થ કઢાઈ રહ્યો છે કે, હવે ઉદ્ધવ ઠાકરે પણ કોઈ બેઠક અંગે પીછેહઠ કરવા તૈયાર નથી અને કોંગ્રેસ સાથેનું જોડાણ તૂટી જાય તો પણ પરવા નથી. બલ્કે આડકતરી રીતે કોંગ્રેસ સાથેનું જોડાણ તૂટી ગયાના સંકેત આપી જ દીધા છે.

ઉધ્ધવની શિવસેનાએ સાંગલી બેઠક પરથી ચંદ્રહાર પાટીલને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસંતદાદા પાટીલના પૌત્ર વિશાલ પાટીલને ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ અને ઉધ્ધવ જૂથ બંને વચ્ચેના મુકાબલાને ફ્રેન્ડલી ફાઇટ ગણાવે છે પણ તેના કારણે કોંગ્રેસ અને ઉધ્ધવની શિવસેના વચ્ચે મનમેળ નથી એવો સ્પષ્ટ મેસેજ ગયો છે.

અડવાણીને ઘરે જઈને ભારતરત્ન આપવાનો બિનજરૂરી વિવાદ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલકૃષ્ણ અડવાણીને તેમના ઘરે જઈને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી સન્માનિત કર્યા તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે. જોકે, વિવાદ પછી એવી ચર્ચા પણ શરૂ થઈ કે આવો વિવાદ સર્જનારા એ ભૂલી જાય છે કે અટલ બિહારી વાજપેયીને ૨૦૧૫માં જ્યારે ભારતરત્ન એવોર્ડ અપાયો ત્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ વાજપેયીના ઘરે એવોર્ડ એનાયત કરવા ગયા હતા. અડવાણી ૯૬ વર્ષના છે એટલે તેમના ઘરે જઈને એવોર્ડ આપવામાં વિવાદ કરવો અસ્થાને છે.

વળી, કોંગ્રેસે તો એવો મુદ્દો પણ ઉઠાવ્યો કે રાષ્ટ્રપતિ એવોર્ડ આપતા હતા ત્યારે વડાપ્રધાન બેસી રહ્યા હતા. આવા વિવાદો બિનજરૂરી છે. કારણ કે રાષ્ટ્રપતિ ભવનમાં જ્યારે પદ્મ પુરસ્કારો અપાતા હોય છે ત્યારે પણ રાષ્ટ્રપતિ ઉભા રહીને એવોર્ડ એનાયત કરતા હોય છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના મહેમાનોને સામે બેસવાની વ્યવસ્થા કરાતી હોય છે. પ્રોટોકોલના નામે આવા વિવાદોનો કોઈ અર્થ નથી.

હેમા સામે વિજેન્દર, કોંગ્રેસની રસપ્રદ ચાલ

ઉત્તર પ્રદેશની મથુરા બેઠક પર ભાજપનાં હેમા માલિની સામે ઓલિમ્પિક મેડલ વિજેતા વિજેન્દરસિંહને મેદાનમાં ઉતારીને કોંગ્રેસે આ મુકાબલાને રસપ્રદ બનાવી દીધો છે. મથુરા લોકસભા બેઠક પર જાટ મતદારોની બહુમતી છે તેથી કોંગ્રેસે વિજેન્દરને ઉતારવાનો દાવ ખેલ્યો છે. વિજેન્દર સેલિબ્રિટી તો છે જ પણ મથુરામાં બહુમતી ધરાવતા જાટ બેનિવાલ સમુદાયમાંથી આવે છે તેથી હેમા માલિની સામે મોટો પડકાર બનશે એવું મનાય છે.

હેમા માલિની સામે સ્થાનિક સ્તરે ભારે નારાજગી પણ છે. હેમા માલિની લોકસભાની ચૂંટણી જીત્યા પછી મતવિસ્તારમાં દેખાયાં નથી અને મથુરાના વિકાસ માટે કશું કર્યું નથી એવા આક્ષેપો થઈ જ રહ્યા છે. ભાજપના નેતાઓનો દાવો છે કે, જાટ મતદારો પર ભારે વર્ચસ્વ ધરાવતા જ્યંત ચૌધરી મથુરામાં હેમા માલિનીને હરાવી શક્યા નહોતા ત્યારે વિજેન્દર તો બહારના ઉમેદવાર છે તેથી ભાજપને વિજેન્દરના કારણે કોઈ ચિંતા નથી.

ચિરાગ પિતરાઈ પ્રિન્સને માફ કરવા તૈયાર નહીં

બિહારમાં ચિરાગ પાસવાને જેડીયુના મંત્રી અશોક ચૌધરીની દીકરી શાંભવી ચૌધરીને સમસ્તીપુર બેઠક પરથી ટિકિટ આપીને ચર્ચા જગાવી દીધી છે. માત્ર ૨૫ વર્ષની શાંભવી દેશમાં સૌથી નાની વયે લોકસભા ચૂંટણી લડનારી દલિત મહિલા બનશે અને જીતી જશે તો કદાચ દેશની સૌથી યુવા સાંસદ હશે.

શાંભવીના પિતા જેડીયુના મંત્રી હોવા છતાં ચિરાગે તેને ટિકિટ આપી એ તો મહત્વનું છે જ પણ વધારે મહત્વની વાત એ છે કે, ચિરાગે પોતાના પિતરાઈ પ્રિન્સ રાજને અવગણીને શાંભવીને ટિકિટ આપી છે. ચિરાગ અને તેના કાકા પશુપતિ પારસ વચ્ચે ઝગડા પછી પ્રિન્સ પારસ સાથે જતો રહેલો. ભાજપે પારસને કોરાણે મૂકીને ચિરાગ સાથે જોડાણ કર્યું પછી પ્રિન્સે ચિરાગના પગ પકડી લીધેલા પણ ચિરાગે તેને માફ કરવાનો ઈન્કાર કરી દીધો છે. પ્રિન્સે ભાજપની નેતાગીરી મારફતે ચિરાગને મનાવવા પ્રયત્ન કર્યો પણ ચિરાગે અંતે શાંભવીને ટિકિટ આપી છે.

દુબે કોલેજ-હોસ્પિટલ પચાવી પાડવાના વિવાદમાં

ઝારખંડમાં ભાજપ સાંસદ નિશિકાંત દુબે સામે ખોટી રીતે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ હડપ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોડ્ડા લોકસભા બેઠકના સાંસદ દુબેને ભાજપે ફરી આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે ત્યારે જ આ ફરિયાદ નોંધાતાં રાજકીય ગરમી વ્યાપી છે. દુબે ઉપરાંત તેમનાં પત્ની તથા તેમના નજીકના સાથીઓ સામે એફઆઈઆર નોંધાઈ છે.

ભાજપના નેતા દુબે સામેની ફરિયાદને જેએમએમ સરકારે હેમંત સોરેનના જેલવાસ સામે કરાયેલો વળતો પ્રહાર ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, સોરેન સામે આક્રમક વલણ અપનાવનારા દુબેને સાણસામાં લેવા આ કાર્યવાહી કરાઈ છે. દુબેએ પણ આ આક્ષેપો સાચા સાબિત થશે તો પોતે રાજકારણ છોડી દેશે એવો હુંકાર કર્યો છે. ફરિયાદ કરનારા શિવદત્ત શર્માએ દુબેએ પોતાની પાસેથી મેડિકલ કોલેજનો ખરીદદાર શોધવા માટે ૨૦ લાખ રૂપિયાની લાંચ લીધી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

રેવંતની સ્ટ્રેટેજીથી ભાજપ-કેસીઆરને ચિંતા

તેલંગાણામાં રેવંત રેડ્ડી ભાજપની સ્ટ્રેટેજ અપનાવીને કે. ચંદ્રશેખર રાવની પાર્ટીના એક પછી એક નેતાઓને તોડીને કોંગ્રેસમાં ભરતી કરી રહ્યા છે તેના કારણે કેસીઆરની સાથે સાથે ભાજપ પણ ચિંતામાં છે. ભાજપે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેલંગાણામાંથી ૩ બેઠકો જીતી હતી પણ રેડ્ડીની આક્રમક વ્યૂહરચનાના કારણે ભાજપ માટે ત્રણ બેઠકો જાળવવી પણ મુશ્કેલ બનશે એવું ભાજપના નેતા સ્વીકારે છે.

ભાજપના નેતા સ્વીકારે છે કે, અસદુદ્દીન ઓવૈસીની હૈદરાબાદની બેઠકને બાદ કરતાં બાકીની તમામ બેઠકો પર કોંગ્રેસ જીતી જાય એવી પ્રબળ સંભાવના છે. તેલંગાણામાં લોકસભાની કુલ ૧૭ બેઠકો છે. કેસીઆરના પરિવારના ભ્રષ્ટાચારના કારણે લોકો નારાજ છે પણ આ નારાજગીનો મહત્તમ લાભ કોંગ્રેસને મળશે કેમ કે રેવંતે પોતાના ચાર મહિનાના શાસન દરમિયાન કોઈ વિવાદો ઉભા કર્યા નથી. બલ્કે તેલંગાણાને કરેલી મદદ બદલ મોદીનો આભાર માનીને હકારાત્મક રાજકારણ રમ્યા છે.

400 બેઠકો જીતવા ભાજપે પક્ષપલટુઓને ઊભા રાખ્યા

લોકસભાની ૫૪૩ બેઠકો પૈકી ૪૦૦ બેઠકો પર કેસરિયો લહેરાવવાનું લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે ભાજપે વિવિધ રાજ્યો માટેની એની ઉમેદવાર યાદીમાં પક્ષપલટુઓ માટે પણ જગ્યા રાખવા માંડી છે. એના નિશ્ચિત આંકને આંબવા માટે મદદ મળી રહે એ હેતુસર ભાજપ પૂર્વ અધિકારીઓ પર પણ આધાર રાખી રહ્યો  છે. સ્થાપિત હિતોને પરાસ્ત કરવા માટે ૨૦ ટકાથી ૩૦ ટકા જેટલા એના વર્તમાન સાંસદોને પડતા મૂકવાનું નક્કી કરનારો પક્ષ અન્ય રાજકીય પક્ષોમાં નવા ચહેરાઓને પોતાના પક્ષે ખેંચી લેવા માટે પ્રયત્નશીલ છે. ખાસ તો સરકારી તંત્ર અથવા સંસ્થાના હોદ્દેદારો વિશેષ આવકાર્ય છે.

ભાજપની પ્રથમ પંજાબ-યાદીમાં ત્રણ પાટલીબદલુઓ

પંજાબ માટેના ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદીમાં પૂર્વ કોંગ્રેસી નેતાઓ રવણિતસિંઘ બિટ્ટુ, અને પ્રણિત કૌર, જ્યારે પૂર્વ આપ સાંસદ સુશીલ રિન્કુ સહિતના ત્રણ પાટલીબદલુઓનો સમાવેશ થાય છે. છ ઉમેદવારોની આ યાદીમાં ત્રણ શીખો છે, જ્યારે ત્રણ હિંદુઓ. પક્ષે ફરીદકોટમાંથી ગાયક હંસ રાજ હંસને ખડા કર્યા છે. પતિયાલામાંથી એના ઉમેદવાર છે વર્તમાન કોંગ્રેસી સાંસદ પ્રણીત કૌર (૭૯), કે જેઓ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘના પત્ની છે. પંજાબના શાસક પક્ષ આપએ એના સાત ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. પંજાબમાં લોકસભાની ૧૩ બેઠકો માટે ૧ જુને મતદાન યોજાશે.

પ.બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ, ભાજપના 'કાર્યકરો'

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કથિત ભ્રષ્ટાચાર બદલ સાંસદપદ ગુમાવનાર મહુઆ મોઇત્રાને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારરૂપે ક્રિષ્ણાનગરમાંથી ફરીવાર ઊભાં રાખ્યાં છે. મમતાએ આ રવિવારે આ જ મતવિસ્તારમાંથી લોકસભા ચૂંટણી માટેની એમના પક્ષની પ્રચાર-ઝુંબેશનો પ્રારંભ કરતા વિપક્ષી મોરચા 'ઇન્ડિયા'ના એમના સાથી-પક્ષ કોંગ્રેસ તથા ડાબેરીઓના મોરચા સામે પ્રહારરૂપે કહ્યું કે કોંગ્રેસ તથા ડાબેરીઓના ઉમેદવારને મત આપવો એ ભાજપને મત આપવા બરાબર છે. એમણે કેન્દ્રની ભાજપ સરકાર પર પણ હલ્લો કરતા કહ્યું કે આ સરકાર વિપક્ષી નેતાઓને લક્ષ્યાંક બનાવવા માટે સમવાયી એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી છે, જ્યારે એના જૂથમાં ભળી જનારા પક્ષપલટુઓના ગુના પસંદગીના ધોરણે  માફ કરી દે છે, એમ મમતાએ ઉમેર્યું.

- ઇન્દર સાહની

Gujarat