સરકારને અનામત હટાવો આંદોલનનો ડર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : થોડા દિવસો પહેલા જંતર મંતર ખાતે અનામત દુર કરવાના નામે કેટલાક યુવાનો ભેગા થાય હતા. સરકારે રાતો રાત પોલીસ મોકલીને બધાને ત્યાંથી દુર કરી દીધા હતા. સરકારને ડર છે કે જો અનામત હટાવો આંદોલન વેગ પકડશે તો મોદી સરકાર માટે બેવડી મુસીબત ઉભી થઈ શકે એમ છે. અનામત દુર કરવાની માંગણી કરનારાઓમાંથી મોટા ભાગના સવર્ણ છે. ભાજપની મતબેંક ગણાતા સવર્ણ યુવાનો પ્રત્યે ઢીલુ વલણ અપનાવાય તો દલીતો નારાજ થઈ જાય. ઉત્તર પ્રદેશની ચૂંટણી માથા પર છે ત્યારે ભાજપ દલીત મતદારોને નારાજ કરવા માગતો નથી. બીજી તરફ સવર્ણ આંદોલનકારીઓ પર કડકાઈ બતાવવામાં આવે તો ભાજપ પોતાની જૂની મતબેંક ગુમાવી શકે એમ છે.
કોંગ્રેસની ટીકા, ભાજપનો જવાબ
છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષને આડે હાથે લઈ રહી છે. ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે કોંગ્રેસે ભાજપની આકરી ટીકા કરી છે. હવે ભાજપએ કોંગ્રેસને વળતો જવાબ આપવાની કોશિષ કરી છે. ભાજપે વળતા જવાબમાં કહ્યું છે કે, ભાજપે હંમેશા મહિલાઓની ઉન્નતિ માટે અને એમને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવાની કોશિષ કરી છે. ભાજપે એનડીએની મોદી સરકાર અને ભૂતપૂર્વ કોંગ્રેસ સરકારોમાં મહિલાઓની ભાગીદારી બાબતે સરખામણી કરી છે. ઉત્તર પ્રદેશમાં છ મહિના પછી વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. મીડિયાના પ્રચાર દ્વારા ભાજપએ ઉત્તર પ્રદેશ સંગઠન અને સરકારમાં મહિલાઓ કેટલા હોદ્દાઓ પર છે એની યાદી જાહેર કરી છે. મોદી સરકારે સત્તામાં આવ્યા પછી ૩૩ અગત્યના હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરી છે એની યાદી પણ ભાજપે જાહેર કરી છે.
જાતિગણતરી પર રાહુલ - ખડગેએ મોદીને પત્ર લખ્યો
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. પત્રમાં ખડગે અને રાહુલે સરકારને વસ્તી ગણતરીમાં જાતિની જાણકારી ભેગી કરવાની રીત બદલવા માટે કહ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે, વસ્તી ગણતરીની હમણાની પદ્ધતિને કારણે ખોટા ડેટા મળી શકે છે. એમણે આ પદ્ધતિ પરત લેવાની માંગણી કરી છે. બંને નેતાઓએ પત્રમાં લખ્યું છે કે, 'સામાજીક ન્યાયની નીતિઓ લાગુ કરવા માટે જાતિઓનો સાચો ડેટા જરૂરી છે. સાચા ડેટા વગર ભારતમાં સામાજીક ન્યાયની નીતિ યોગ્ય રીતે લાગુ કરી શકાશે નહીં. જાતિની જાણકારી આપવા માટે 'ઓપન એન્ડેડ સવાલ' (જેનો કોઈ ચોક્કસ જવાબ ન હોય)ના ઉપયોગ પર વિરોધ દર્શાવ્યો છે. એક જ જાતિને ભારતમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. આ અલગ અલગ નામોને અલગ અલગ વિભાગમાં મૂકવામાં આવે તો એક જ જાતિ હજારોમાં વહેંચાઈ શકે છે.'
ટીએમસીના ૨૦ બળવાખોર સાંસદોને સુપ્રીમ કોર્ટની નોટીસ
સુપ્રીમ કોર્ટે તૃણમુલ કોંગ્રેસના ૨૦ બળવાખોર સાંસદોને નોટીસ આપી છે. લોકસભા સચિવાલયને પણ નોટીસ આપવામાં આવી છે. કિસ્સો આ સાંસદોની અયોગ્યતા માટે થયેલી અરજી પર નિર્ણય લેવામાં મોડુ થયાનો છે. અરજી ટીએમસીના સાંસદ અને પક્ષના મહામંત્રી અભિષેક બેનર્જીએ દાખલ કરી હતી. અભિષેક બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને લોકસભા અધ્યક્ષ સાંસદોને અયોગ્ય જાહેર કરે એ માટે જલ્દી નિર્ણય લેવાની માંગણી કરી છે. એમનું કહેવું છે કે એમણે બળવાખોર સાંસદો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બીરલાને અરજી આપી હતી. અરજીઓ પર સમયસર નિર્ણય લેવામાં આવ્યો નથી. કેસની સુનાવણી ચીફ જસ્ટીસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચે કરી હતી. બેંચમાં જસ્ટીસ જોય માલ્ય બાગચી અને જસ્ટીસ વી મોહના પણ સામેલ છે.
કંગનાનો આસુતોષ રાણા, સોનુ સુદ અને રામદેવને જવાબ
ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત એમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા સમાચારમાં રહે છે. એમના નિવેદનોને કારણે જ્યારે એમની ટીકા થાય છે ત્યારે તેઓ તાત્કાલીક વળતો જવાબ આપી દે છે. હવે રનૌતએ અભિનેતા આસુતોષ રાણા, સોનુ સુદ, અભિનેત્રી તાપ્સી પન્નુ, રાખી સાંવત અને યોગ ગુરુ રામદેવની ઝાટકણી કાઢી નાખી છે. રનૌતએ કહ્યું છે કે, એમને નિષ્ફળ ગયેલા લોકોની સલાહ જોઈતી નથી અને એમના જ્ઞાાનની એમને જરૂર નથી. રનૌતએ કહ્યું હતું કે, 'આસુતોષ રાણા અને સોનુ સુદ જેવા લોકો ગમે ત્યારે મારા વિશે કહે છે કે, મારે રીતભાત શીખવી જોઈએ. રાખી સાંવત મારા ચારીત્ર્ય વિશે ગંદી ટીપ્પણી કરે છે. તાપ્સી પન્નુ મારા માતા-પિતાને અપમાનીત કરે છે. આવા લોકોને મારો સંદેશો છે કે, તમે જો મારા કરતા ૨૦મા ભાગની સફળતા મેળવી નહીં હોય તો મને તમારા જ્ઞાાનની જરૂર નથી. પહેલા તમે કંગના રનૌત બનીને બતાવો. બાબા રામદેવે તો તમામ મર્યાદાઓ ઓળંગી છે. એમણે એક મહિલા બાબતે જે ટીપ્પણી કરી છે એનાથી સમગ્ર સમાજ શરમાઈ ગયો છે. મને કદી સુપ્રિમ કોર્ટે ઠપકો આપ્યો નથી અને મે મારી પ્રોડક્ટ વિશે સફળતાના ખોટા દાવાઓ કર્યા નથી.'
મુસ્લિમ ધારાસભ્ય ફરીથી મમતા બેનર્જી સાથે જોડાયા
બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાલત 'બીછડે સભી બારી બારી' જેવી છે. ચૂંટણીમાં મળેલી હાર પછી એમના સાથીદારો એક પછી એક એમને છોડીને ચાલ્યા ગયા છે. મમતા બેનર્જી સામે બળવો કરીને દુર થઈ ગયેલા ધારાસભ્ય હવે ફરીથી મમતા બેનર્જીની સાથે આવી ગયા છે. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાની આમડાંગા વિધાનસભા બેઠક પરથી ટીએમસી તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય કાસેમ સિદ્દીકી બળવાખોરોનો સાથ છોડીને મમતા બેનર્જીના જૂથ સાથે જોડાયા છે. ઘરવાપસી પછી એમણે કહ્યું છે કે, 'દીદી હી સબકુછ હૈ' આ પહેલા પક્ષના ૫૦થી વધુ ધારાસભ્યોએ બળવો કર્યો હતો. સિદ્દીકીની ગણના લોકપ્રિય મુસ્લિમ નેતા તરીકેની છે. સિદ્દીકીએ પોતાના બચાવમાં કહ્યું છે કે એમની સાથે દગો કરવામાં આવ્યો હતો અને એમને છેતરીને એમની સાઈન કરાવી લેવામાં આવી હતી.
'સીજેઆઇ સૂર્યકાંતે સૌરભ દાસને જ કોકરોચ કહ્યા હતા'
સીજેઆઇ સૂર્યકાંતે જ્યારે કોકરોચ શબ્દનો ઉપયોગ કર્યો હતો ત્યારે એમના મનમાં કોણ હતું એ બાબતે મોટો વિવાદ થયો હતો. જસ્ટીસ સૂર્યકાંતનું કહેવું હતું કે, ડીગ્રી વગરના વકીલો માટે એમણે કોકરોચ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જોકે સોશ્યલ મીડિયા પર આ શબ્દ વાયરલ થયા પછી કોકરોચ જનતા પાર્ટી પણ બની ગઈ હતી. હવે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ કહ્યું છે કે, કોકરોચ શબ્દનો ઉપયોગ કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસ માટે કરવામાં આવ્યો હતો. સૌરભ દાસ પણ આમ જ માને છે. દિપકે અને દાસનું કહેવું છે કે કોર્ટો અને ન્યાયાધીશો માટે તેઓ સતત લખે છે અને આરટીઆઇ કરવાને કારણે સીજેઆઇએ ટીપ્પણી કરી હતી. સૌરભ દાસ જ્યારે પત્રકાર હતા ત્યારે લૉ બીટ કરતા હતા.




