અમિત શાહ સાથેની મુલાકાત પછી એનસીપીમાં નારાજગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : મહારાષ્ટ્રમાં મહાયુતિના સહયોગી પક્ષ એનસીપી (અજીત પવાર)માં આંતરીક ખેંચતાણ બહાર આવવા માંડી છે. એનસીપીના દિવંગત નેતા અજીત પવારના પુત્ર પાર્થ પવારના કામકાજથી કેટલાક સિનિયર નેતાઓ ખુશ નથી. એનસીપીની કોર કમીટીની મીટિંગમાં આ નેતાઓએ પાર્થ પવારની કામગીરી બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. એનસીપી (અજીત પવાર)એ મુંબઈ પ્રેસિડન્ટ તરીકે જીશાન સિદ્દીકી અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે ઉમેશ પાટીલની પસંદગી કરી એની જાણ કોર કમીટીના સભ્યોને નહોતી. આ બંનેની પસંદગી બાબતે સંમતી સાધી શકાય નહોતી. મીટિંગમાં પાર્થ પવાર અને જય પવારએ ભરોસો આપ્યો હતો કે, સિનિયર નેતાઓને સાથે રાખીને નિર્ણયો લેવામાં આવશે. જે સિનિયર નેતાઓ અમિત શાહને મળવા માટે ગયા હતા એમણે પોતાના જૂથના મંત્રીઓને અગત્યના ખાતા આપવાની માંગણી કરી હોવાનું જાણીને એનસીપી (અજીત પવાર)ના કેટલાક નેતાઓ ખુબ નારાજ થઈ ગયા છે.
પંજાબમાં ચૂંટણી પહેલા આપની મુશ્કેલી વધી
પંજાબમાં ૨૦૨૭માં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ત્રણ મોટા ફટકા પડયા છે. આપના ત્રણ ધારાસભ્યોએ પાર્ટીને બાય બાય કહી દીધું છે. આ ત્રણે ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઘટનાને કારણે પંજાબના રાજકારણમાં ગરમી આવી છે. ચૂંટણી પહેલા જ પક્ષમાં પડેલા ભંગાણને કારણે આપના સિનિયર નેતાને પક્ષ તૂટવાનો ડર લાગે છે. આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી ત્યાર પછી આ ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે આપના બીજા કેટલાક ધારાસભ્યો પણ કોંગ્રેસ અને ભાજપના સંપર્કમાં છે. વિધાનસભાની ચૂંટણી માટે હવે ખૂબ ઓછો સમય બચ્યો હોવાથી આપ માટે પક્ષમાં એકતા જાળવી રાખવાનું આસાન નહીં હોય. ૪૦ ઉમેદવારોની પહેલી યાદીમાં મુખ્યમંત્રી સહિત ફક્ત બે મંત્રીઓના નામ હોવાથી ઘણા ધારાસભ્યો નારાજ છે.
રાહુલ ગાંધીની સુપ્રિમ કોર્ટ માર્ચ બાબતે નેતાઓને નોટીસ
૧૨મી ઓક્ટોબરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટ સુધી માર્ચ કાઢી હતી. એ વખતે ધાંધલી અને સુત્રોચ્ચાર થયા હતા. આ મામલો સુપ્રિમ કોર્ટમાં છે અને સુપ્રિમ કોર્ટ આ બાબતે ૨૩મી નવેમ્બરે સુનાવણી કરશે. સુપ્રિમ કોર્ટે આ બાબતે કેન્દ્ર સરકાર, રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને બીજા કેટલાક સંબંધીત પક્ષોનો જવાબ માંગ્યો છે. માર્ચ વખતે થયેલા સૂત્રોચ્ચાર અને હંગામા પછી સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટે તમામ સંબંધીત પક્ષોને પોતાનો પક્ષ રાખવા કહ્યું છે. રાહુલ ગાંધી અને બીજા વિરોધપક્ષના નેતાઓ એસઆઇઆર અને વોટ ચોરી મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કરવા સુપ્રિમ કોર્ટ ગયા હતા. વિરોધપક્ષના નેતાઓએ મતદાર યાદીમાં થયેલી ગરબડની તપાસ કરવા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
પંજાબમાં દિવાળી પછી ભાજપ - અકાલી દળનું ગઠબંધન જાહેર થશે
પંજાબમાં આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને અકાલી દળ વચ્ચે ગઠબંધનની ચર્ચાએ જોર પકડયું છે. ભૂતપૂર્વ એનડીએ સહયોગીઓ વચ્ચે ગઠબંધનનો નિર્ણય દિવાળીની આસપાસ લેવામાં આવે એવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂદ આ ગઠબંધનની જાહેરાત કરી શકે એમ છે. આ જાહેરાતને ઐતિહાસિક સ્વરૂપ આપવા નરેન્દ્ર મોદીની વિશાળ રેલી બઠીંડામાં કરવાની તૈયારી ચાલી રહી છે. આ રેલીમાં મોદી અકાલી દળ અને બીજેપી વચ્ચેના ગઠબંધનની જાહેરાત કરશે. બેઠકોની વહેંચણી બાબતે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. એમ મનાય છે કે ભાજપ ૪૫થી ૫૦ બેઠકો મેળવીને સંતોષ માનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પંજાબમાં એનડીએ સરકાર બનાવવાના નિવેદનો વારંવાર આપી રહ્યા છે.
બિહારમાં એમએલસી વિવાદ, બીજેપીના નિર્ણય પર થયા સવાલ
બિહારમાં હમણા થયેલી એમએલસી ચૂંટણીમાં અપક્ષ તરીકે જીતનાર રાહુલ રાજ અને બંશીધર ભ્રુજવાસી ભાજપમાં જોડાયા હતા, જેને કારણે રાજકીય વમળો સર્જાયા છે. જેડીયુની નારાજગી પછી લોકજનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાનએ આ બાબતે કાયદાકીય ગૂંચ હોવાની વાત કરી હતી. જોકે એમણે વિવાદ નહીં થાય એ માટે એવું નિવેદન આપ્યું હતું કે એમએલસીના જીતેલા અપક્ષ ઉમેદવારો કોને ટેકો આપે છે એમાં એમને કોઈ વાંધો નથી. ચિરાગ પાસવાનના કહેવા પ્રમાણે કોઈ એમએલસી કોઈપણ સરકાર, પક્ષ કે ગઠબંધનને ટેકો આપવા માંગતા હોય તો એમાં કોઈને તકલીફ હોવી જોઈએ નહીં. જનસુરાજ પાર્ટીએ જોકે આ બાબતે પ્રશ્ન કર્યો છે કે, વિધાન પરિષદના નિયમો પ્રમાણે ચૂંટણી પછી કોઈ અપક્ષ ઉમેદવાર જો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાણ કરે તો એનું સભ્યપદ રદ થવું જોઈએ.
સંજય રાઉત માને છે કે અમિત શાહ મહારાષ્ટ્રને નબળુ કરવા માંગે છે
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને એનસીપી (અજીત પવાર)ના સિનિયર નેતાઓ મળવા ગયા એ બાબતે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. એમણે ગંભીર આરોપ મૂક્યો છે કે અમિત શાહ મહારાષ્ટ્રને નબળુ પાડવા માટે એનસીપીને બે ભાગમાં વહેંચવા માંગે છે. રાઉતનો દાવો છે કે આવનાર દિવસોમાં એનસીપીના બંને જૂથોનું રાજકીય અસ્તિત્વ મટી જશે. રાઉતે કહ્યું હતું કે અજીત પવારના આકસ્મિક મૃત્યુ પછી એનસીપી અનાથ થઈ ગઈ છે અને હવે ફક્ત શરદ પવારનો પક્ષ રહી ગયો છે. અસલી શિવસેના પણ ઉદ્ધવ ઠાકરેની સેના જ છે. બંને જૂથોના નેતાઓ ભાજપના ઇશારે કામ કરે છે. રાઉતે એક ચોંકાવનારૂ નિવેદન આપતા કહ્યું હતું કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનશે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તિહાર જેલમાં હશે.
દિવાળી પહેલા કાશ્મીરી પંડિતોને ભેટ
કાશ્મીરની ખીણમાં રહીને કામ કરી રહેલા કાશ્મીરી પંડિતોને દિવાળી પહેલા કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. પીએમ પેકેજ હેઠળ કાશ્મીરની ખીણમાં કામ કરતા કર્મચારીઓને ૯૩૬ ટ્રાન્ઝીટ ફલેટોની ચાવી આપવામાં આવી છે. શ્રીનગરના જેવન વિસ્તારમાં ૩૯ બ્લોકોમાં તૈયાર કરવામાં આવેલા ફલેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય ઉપવાડા, બડગામ અને કુલગામના બાગમાં ૬૯ બ્લોકોમાં ૪૮૦ ફલેટોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં રહેતા પંડિત કર્મચારીઓને આ ફલેટો મળવાથી સુરક્ષા લાગી રહી છે. કાશ્મીરના વિવિધ વિસ્તારમાં રહેતા પંડિતો લાંબા સમયથી સરકાર પાસે માંગણી કરી રહ્યા હતા કે કાશ્મીરી પંડિત કર્મચારીઓ માટે એક જ જગ્યાએ ટ્રાન્ઝીટ ફલેટ બનાવવામાં આવે. ૨૦૨૦માં પીએમ પેકેજ હેઠળ કામ કરનાર કેટલાક કર્મચારીઓની હત્યા આતંકવાદીઓએ કરી ત્યાર પછી સુરક્ષીત રહેઠાણ માટેની માંગણી વધી ગઈ હતી.




