'દેશ આર્થિક સંકટમાં, વડાપ્રધાન ઉજવણીમાં વ્યસ્ત'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : રેપો દરમાં વૃદ્ધિને લઈને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી છે. કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર નિસાન સાંધીને કહ્યું છે કે, દેશ એક મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. વડાપ્રધાન પોતાના ૨૫ વર્ષની ઉપલબ્ધીઓનો ઉત્સવ મનાવી રહ્યા છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશએ સોશ્યલ મીડિયા એક્સ પર સરકારને ટોણો મારતા લખ્યું હતું કે, ૧૯૬૧માં દેવાનંદની ફિલ્મ હમ દોનોનું ગીત જાણીતું થયું હતું. ગીતના શબ્દો હતા, 'બરબાદીયો કા જશ્ન મનાતા ચલા ગયા, હર ફ્રીક કો ધૂએ મે ઉડાતા ચલા ગયા.' વ્યાજદરમાં વૃદ્ધિ તહેવારોની સીઝન પહેલા કરવામાં આવી છે. ૨૦૨૩ના ફેબ્રુઆરી પછી પહેલી વખત વ્યાજદરમાં વધારો થયો છે. કોંગ્રેસના નેતાના કહેવા પ્રમાણે રેપો રેટ વધવાથી લોકો પરના દેવાનો બોજો વધી ગયો છે.
'ટીકા કરવાનો અધિકાર, બદનામ કરવાનો નહીં'
દેશમાં બંધારણીય સંસ્થાઓની પ્રતિષ્ઠા અને એમની સ્વાયતતા સંદર્ભે ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે ૪૨ ભૂતપૂર્વ ન્યાયાધીશો અને નિવૃત્ત થયેલા અધિકારીઓએ ભારતના નાગરીકોના નામે એક ખુલ્લો પત્ર લખ્યો છે. જજોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈપણ રાજકીય પક્ષની તરફેણમાં નથી. આજના સમયમાં ચૂપ રહેવાને નિષ્પક્ષ કહી શકાય નહીં. એમનું માનવું છે કે જ્યારે દેશની મૂળભૂત સંસ્થાઓને સતત નિશાન બનાવવામાં આવી રહી હોય ત્યારે સાચુ બોલવું જરૂરી છે. આ પત્રમાં ૪૨ ભૂતપૂર્વ ન્યાયાધીશોએ ચૂંટણી કમિશન, ન્યાયતંત્ર અને બીજી બંધારણીય સંસ્થાઓ પર થઈ રહેલા હુમલાઓ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એમના કહેવા પ્રમાણે સંસ્થાઓની સ્વસ્થ ટીકા એ લોક તાંત્રીક અધિકાર છે, પરંતુ ખરાબ ઉદ્દેશથી એમને બદનામ કરવામાં આવે એ લોકશાહીની વિરુદ્ધમાં છે. આ પત્ર બાબતે કેટલાક રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે કે, સત્તામાં રહેલા કેટલાક ટોચના માણસોની સૂચના પછી આ પત્ર લખવામાં આવ્યો છે.
યુવાનને માર મારવાનો વીડિયો વાયરલ થયા પછી રાહુલ ગાંધી પર ભાજપના પ્રહાર
દિલ્હીના કોનેટ પ્લેસ સ્થિત એક રેસ્ટોરન્ટની બહાર એક યુવાનને માર મારવામાં આવ્યો હતો. આ રેસ્ટોરન્ટમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને લંચ માટે બોલાવ્યા હતા. શ્રીનગરના રહેવાસી ફહીમ નઝીરેનો આરોપ છે કે એમણે રાહુલ ગાંધીને ગાળ આપી નહોતી, આમ છતાં એમને માર મારવામાં આવ્યો હતો. ફહીમ નઝીરનું કહેવું હતું કે તેઓ દેશના લોકોને સમજાવવાની કોશિષ કરતા હતા કે દેશને નેપાળ અને બાંગ્લાદેશ જેવો બનાવવા માટે કાવતરૂ થઈ રહ્યું છે. ઇવીએમનો ઉપયોગ ૧૯૯૮માં રાજીવ ગાંધીએ શરૂ કર્યો હતો. ફહીમએ કહ્યું હતું કે એમને બોલવાની આઝાદી છે. આમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા પછી એમને કેટલાક તત્વોએ માર માર્યો હતો. આ બાબતે ભાજપએ રાહુલ ગાંધી અને કોંગ્રેસની ટીકા કરી હતી. એમણે પ્રશ્ન પૂછયો હતો કે, 'સ્મેશ ધ પેટ્રીયાર્કી'નો અર્થ મહિલા પોલીસ કર્મચારીઓને માર મારવાનો છે?
પંજાબમાં ૫૦ વોર્ડોની ચૂંટણી રદ, સુપ્રિમ કોર્ટે ફરી મતદાનનો હુકમ કર્યો
પંજાબની સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીઓ બાબતે સુપ્રિમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે નગરપાલિકાઓના ૫૦ વોર્ડોમાં થયેલી ચૂંટણી રદ કરી દીધી છે. કોર્ટે આ વોર્ડોની ચૂંટણીઓ ફરીથી કરવાનો હુકમ કર્યો છે. ચૂંટણી પ્રક્રિયા વખતે ઉમેદવારોને ઉમેદવારી પત્ર દાખલ કરતા રોકવા અને એમની સાથે મારપીટ કરવાના તેમજ ધમકી આપવાના કિસ્સાઓ બન્યા હતા. કોર્ટે બીજી વખત ચૂંટણીની પ્રક્રિયા ૬ અઠવાડિયામાં પૂરી કરવા માટે કહ્યું છે. સુપ્રિમ કોર્ટે પટીયાલા જિલ્લાના ૨૮ અને મોઘા જિલ્લાના ૨૨ વોર્ડોની ચૂંટણી રદ કરી છે. હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ નિર્મલજીત કૌરની અધ્યક્ષતાવાળી તપાસ કમીટીના રીપોર્ટને આધારે કોર્ટે આ નિર્ણય લીધો છે. કમીશનને લાગ્યું હતું કે ઉમેદવારી પત્રો ભરતી વખતે મોટા પાયે ગેરરીતીઓ થઈ હતી.
૧૦ ઓક્ટોબરના પ્રદર્શન પહેલા સીજેપીનું મોટું પગલું
કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેતા સૌરવ દાસએ જણાવ્યું હતું કે, પક્ષે ૧૦મી ઓક્ટોબરે જંતર મંતર ખાતે થનાર પ્રદર્શન બાબતે દિલ્હી પોલીસને ઔપચારીક રીતે જાણ કરી દીધી છે. ઇલેકશન કમિશનર તેમજ વોટર લીસ્ટમાં થયેલી ગરબડ બાબતે દેશ આખાના યુવાનો વિરોધ પ્રદર્શન કરશે. સૌરવ દાસે કહ્યું હતું કે, પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જઈને એમણે એક ઔપચારીક પત્ર પોલીસને આપ્યો છે. પત્રમાં પોલીસને જાણકારી આપવામાં આવી છે કે સીજેપી અને દેશભરના યુવાનો ૧૦મી ઓક્ટોબરે જંતર મંતર ખાતે પ્રદર્શન કરવા ભેગા થશે. એમણે કહ્યું હતું કે, 'અમે એમને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યોગ્ય રાખવા તેમજ અમને સહકાર આપવા, ટ્રાફીકની વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. અમે આપેલા ઔપચારીક પત્રને રીસીવ કરીને દિલ્હી પોલીસે કોપી પણ અમને આપી છે. અમને આશા છે કે દિલ્હી પોલીસ અમને સહકાર આપશે.'
ઓવૈસી વિરોધ પ્રદર્શનમાં કેમ નહીં ગયા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને દુર કરવા તેમજ એસઆઇઆરને રદ કરવા છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં તમામ વિરોધ પક્ષો ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે વિરોધ માર્ચમાં એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ગયા નહોતા. રાજકીય વર્તુળોમાં આ બાબતે ચર્ચા પણ થઈ હતી. જોકે હવે ઓવૈસીએ પોતે વિરોધ પ્રદર્શનમાં સામેલ નહીં થવાનું કારણ આપ્યું છે. ઓવૈસીએ કહ્યું છે કે, હું ત્યાં નહોતો ગયો કારણ કે હું એ ગઠબંધનનો હિસ્સો નથી. એમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, બેગાની શાદી મેં મેરા ક્યા કામ? ચૂંટણી કમિશનના વિવાદ વિશે એમણે કહ્યું હતું કે, 'મુખ્ય ચૂંટણી કમિશનરને પસંદ કરવાની પ્રક્રિયા ખોટી છે. એ સંપૂર્ણ રીતે સત્તા પક્ષની તરફેણમાં છે. આ પ્રક્રિયા બદલવાની જરૂર છે. પ્રક્રિયાને સુધારવી જોઈએ. બિહારમાં એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન પણ મેં વિરોધ કર્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી ચીફ જસ્ટીસ, વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતા દ્વારા થવી જોઈએ.'
કર્ણાટક કોંગ્રેસે મનાવ્યો કાળો દિવસ
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમીટી (કેપીસીસી)એ રાજ્ય આખામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ પક્ષે દેશ આખામાં વિરોધ કરવા માટે આહવાન આપ્યું હતું. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત પક્ષના બીજા નેતાઓની કરવામાં આવેલી અટકાયતના વિરોધમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન રાજ્ય, જિલ્લા અને તાલુકાસ્તર પર યોજવામાં આવ્યું હતું. ચૂંટણી કમિશનર તેમજ એસઆઇઆર વિરુદ્ધ દિલ્હીમાં થઈ રહેલા દેખાવો વખતે વિરોધ પક્ષના નેતાઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. કેપીસીસીએ કહ્યું હતું કે, 'વિરોધપક્ષના નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર થયેલા હુમલા ખરેખર તો બંધારણ પરના હુમલા છે.' કેપીસીસીના પ્રમુખ બી કે હરીપ્રસાદએ પણ જ્ઞાનેશ કુમારને હોદ્દા પરથી દુર કરવાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી પક્ષની માંગણી સ્વિકારાશે નહીં ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન ચાલુ રહેશે.




