Delhi ni Vaat

'વોટ ચોરી પછી હવે પાર્ટી ચોરી'

By GS Team
19 Sep 20265 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: ચૂંટણી પંચના TMC અંગેના નિર્ણયથી રાહુલ ગાંધી નારાજ થયા છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ ભાજપ સાથે મળીને રાજકીય પક્ષોને વિભાજીત કરી તેમના પ્રતીકો છીનવી રહ્યું છે. પહેલા શિવસેના, પછી NCP અને હવે TMC સાથે પણ આવું જ થયું. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા 'X' પર આકરા પ્રહારો કર્યા. ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી લોકોના હકની રક્ષા કરવાની છે, પરંતુ તે જનતાના નિર્ણયને બદલતી શક્તિઓને મદદ કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'વોટ ચોરી પછી હવે પાર્ટી ચોરી'

નવીદિલ્હી : તૃણમુલ કોંગ્રેસ બાબતે હવે ચૂંટણી કમિશને લીધેલા નિર્ણય પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાતાપીળા થઈ ગયા છે. એમણે આ નિર્ણયની આકરી ટીકા કરી છે. ચૂંટણી કમિશને પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણી માટે તૃણમુલ કોંગ્રેસના બંને જૂથોને ફુલ અને ઘાસના ચિન્હ વાપરવાની ના કહી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ચૂંટણી કમિશનની બંધારણીય જવાબદારી લોકોના હકની રક્ષા કરવાની છે. જોકે ચૂંટણી કમિશન એવી શક્તિઓને મદદ કરે છે કે જે જનતાના નિર્ણયને બદલી નાખે છે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે પહેલા શીવસેના, પછી એનસીપી અને હવે તૃણમુલ કોંગ્રેસ દર વખતે એક જ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ થાય છે. એક રાજકીય પક્ષને વહેંચવા માટે ભાજપ અને ચૂંટણી કમિશન હાથ મેળવે છે. ત્યાર પછી એનું ચૂંટણી ચિન્હ ઝૂટવી લેવામાં આવે છે. જ્યારે એક આખા પક્ષને ચોરી લેવામાં આવતો હોય ત્યારે કરોડો ભારતીઓના મતની ચોરી થાય એની નવાઈ નથી.
જજો વિરુદ્ધ બેનામી ફરિયાદ કરનારા બિલ્ડરો સંકટમાં
છેલ્લા થોડા દિવસો દરમિયાન સુપ્રિમ કોર્ટના જજો, એમીકસ ક્યુરી (ન્યાય મિત્ર) અને વકીલો વિરુદ્ધ મોટી સંખ્યામાં બેનામી ફરિયાદો કરવામાં આવી છે. ચીફ જસ્ટીસએ આ ફરિયાદોને ગંભીરતાથી લીધી છે. સુપ્રિમ કોર્ટે ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓ અને બિલ્ડરો પર સબવેંશન સ્કીમનો દુરઉપયોગ કરવા બાબતે, ઘર ખરીદનારાઓને દગો કરવા માટે, પ્રોજેક્ટમાં મોડુ કરીને રોકાણકારોના પૈસા પરત નહીં કરવા માટે કડકાઈ બતાવી હતી. ત્યાર પછી જજો અને વકીલો સામે બેનામી ફરિયાદ થવા માંડી હતી. બિલ્ડરો સામે તપાસ શરૂ થયા પછી આવી ફરિયાદો વધી હતી. જેને માટે સુપ્રિમ કોર્ટે બિલ્ડરોને ઠપકો આપ્યો હતો. સીજેઆઇ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્ય બાગચી તેમજ જસ્ટીસ વી મોહનાની બેંચે કહ્યું હતું કે, 'અમે આ ફરિયાદોની સીબીઆઇ તપાસ કરવાનો હુકમ આપીશું કે જેથી ખબર પડે કે આવી ફરિયાદો પાછળ કોણ છે.'
પતંજલી ઘીને બનાવટી કહેવાનું બ્રજભૂષણ સિંહને ભારે પડયું
એક જમાનામાં ભાજપના માનીતા યોગ ગુરુ બાબા રામદેવ હવે ભાજપ સામે શીંગડા ભેરવવા માંડયા છે. જંતર મંતર પર થયેલા આંદોલન વખતે એમણે સરકારની આકરી ટીકા કરી હતી અને હવે ભાજપના ભૂતપૂર્વ સાંસદ બ્રજભૂષણ શરણ સિંહ સાથે પણ બાબા રામદેવની દુશ્મનાવટ વધી છે. ભારતીય કુસ્તી મહાસંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રજભૂષણ શરણ સિંહ કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બાબા રામદેવની કંપની પતંજલીએ બ્રજભૂષણ શરણ સિંહ સામે બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. પતંજલી ફૂડ્સ લીમીટેડએ બ્રજભૂષણ શરણ સિંહ સામે ૫૦ કરોડની બદનક્ષીનો દાવો કર્યો છે. મધ્યપ્રદેશની હાઇકોર્ટમાં કેસની સુનાવણી થઈ રહી છે. બ્રજભૂષણ શરણ સિંહના વકીલએ જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો છે. બ્રજભૂષણ શરણ સિંહએ પતંજલીના ઘીની ગુણવત્તા પર સવાલ કર્યો હતો. ૨૦૨૨માં બ્રજભૂષણ શરણ સિંહે જાહેર મંચ પરથી પતંજલીના ઘીને બનાવટી કહ્યું હતું અને લોકોને ઘરમાં ગાય કે ભેંસ પાળવાની અપીલ કરી હતી.
કેનેડા સરકારને લોરેન્શની ધમકીથી વિદેશ મંત્રાલય દ્વિધામાં
સાબરમતી જેલમાં કેદ ગેંગસ્ટર લોરેન્શ બિશ્નોઇના ઘણા મારાઓ કેનેડામાં રહે છે. લોરેન્શ બિશ્નોઇની ગેંગે કેનેડા સરકારને ધમકી આપીને એમના દેશ પર રાજ કરવાની બડાઈ હાંકી હતી. આ મતલબનો પત્ર ભારતમાંથી મોકલવામાં આવ્યો હતો. આ પત્ર કેનેડાના એક મીડિયા હાઉસ પાસે આવ્યો છે.
લોરેન્શ બિશ્નોઇએ કેનેડા સરકારને લશ્કર અને પોલીસના નામે ધમકી આપી હતી. ખરેખર આ પત્ર કોણે લખ્યો છે એની તપાસ ચાલી રહી છે. પત્રમાં કંઈક આવું લખવામાં આવ્યું છે. 'અમે ભારતની ગેંગ છીએ અને કેનેડાની હેંશિયત નથી કે અમને રોકી શકે. કેનેડા પર અમારૂ રાજ હશે. કેનેડામાં અમારા ૫,૫૦૦થી વધુ ગેંગસ્ટર છે. તેઓ મામુલી રકમ માટે ફાયરીંગ કરી શકે એમ છે. પોલીસ સ્ટેશન પર પણ અમે ગોળીબાર કરી શકીએ એમ છીએ….' આ પત્રની હકીકત ભારતના વિદેશ મંત્રાલયને જાણ થતા વિદેશ મંત્રાલય દ્વિધામાં પડી ગયું છે કે, આ બાબતને કઈ રીતે મૂલવવી.
નીટ સીસ્ટમ પર નિલેકણી સમીતીનો રીપોર્ટ તૈયાર
કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને કહ્યું છે કે, નીટમાં સુધારા વધારા કરવા માટે બનાવવામાં આવેલી કમીટીનો રીપોર્ટ તૈયાર થઈ ગયો છે. નંદન નિલેકણીની અધ્યક્ષતામાં આ સમીતી બનાવવામાં આવી હતી.
આ મહિનાના અંત સુધીમાં વચગાળાનો રીપોર્ટ સરકારને સોંપવામાં આવશે. સોલીસીટર જનરલ તુષાર મહેતા અને જસ્ટીસ પીએસ નરસિંહમ્હા અને જસ્ટીસ આલોક અરાધેની બેંચને કહ્યું હતું કે, તમામ સૂચન પેનલની સમક્ષ મૂકવામાં આવ્યા હતા. આ પેનલએ ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન કે રાધાકૃષ્ણનની કમીટીના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી. બેંચે 'ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ'ના જોઇન્ટ સેક્રેટરીને કહ્યું હતું કે, અત્યાર સુધી લેવામાં આવેલા પગલા બાબતે કોર્ટમાં સોગંધનામુ દાખલ કરે. બેંચે મહેતાને કહ્યું હતું કે, સૌથી અગત્યની વાત એ છે કે સરકાર નીટની પરીક્ષા કરવા માટેની પ્રક્રિયા સંસ્થાકીય કરવા પર વિચાર કરે.
ટીએમસીના બંને ઝઘડતા જૂથોને ચૂંટણી ચિન્હો મળ્યા
તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જી જૂથને 'મમતા અખિલ ભારતીય તૃણમુલ કોંગ્રેસ' નામ મળ્યું છે.
એમના વિરોધી અરૂપ રોયના નેતૃત્વવાળા જૂથને 'ડેમોક્રેટીક તૃણમુલ કોંગ્રેસ' નામ આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની છ બેઠકો પર ઓક્ટોબર મહિનાની છઠ્ઠી તારીખે પેટા ચૂંટણી થવાની છે.
આ પેટા ચૂંટણી માટે ચૂંટણી કમિશને કાર્યવાહી કરી છે. મમતા જૂથને ચૂંટણી ચિન્હ તરીકે 'ફૂટબોલ ખેલાડી'નું ચિન્હ મળ્યું છે જ્યારે રોયના નેતૃત્વવાળા જૂથને ચૂંટણી ચિન્હ તરીકે 'એન્વેલપ'નું નિશાન મળ્યું છે.
બંને જૂથોને અખિલ ભારતીય તૃણમુલ કોંગ્રેસ નામનો ઉપયોગ નહીં કરવાનું કહેવાયું છે. બંને પક્ષોને બે ફૂલ અને ઘાસ વાળુ ચૂંટણી ચિન્હ વાપરવાની પણ મનાઈ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં પૂર્વ મેદીનીપુર જિલ્લાની નંદીગ્રામ અને મુર્સીદાબાદ જિલ્લાની રેઝીનગર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે.
'મને બદનામ કરવા માટે મારૂ નામ ઘસડવામાં આવે છે'
મુંબઈના સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચીન વાંઝે વિવિધ આરોપો હેઠળ ઘણા વર્ષોથી જેલમાં છે. દિશા સાલિયાન અપમૃત્યુ કેસમાં સીબીઆઇની એફઆઇઆરમાં એમનું નામ દાખલ કરવામાં આવ્યું છે.
એમણે આ એફઆઇઆરને કારણે સ્પેશિયલ એનઆઇએ કોર્ટમાં દાદ માંગી છે. વાંઝેનો આરોપ છે કે એફઆઇઆરમાં એમનું નામ આવ્યા પછી કેટલાક વકીલો અને મીડિયા દ્વારા એમના તરફ વાતાવરણ કરવાનો અને એમને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
એમણે કોર્ટ સમક્ષ માંગણી કરી છે કે જો સીબીઆઇ આ કેસમાં એમની ધરપકડ કરવાની માંગણી કરે તો કોઈપણ ચૂકાદો આપતા પહેલા એમનો પક્ષ જરૂર સાંભળવામાં આવે. સચીન વાંઝે મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની બહાર બોમ્બ મૂકવાના કેસમાં તેમજ મનસુખ હિરેન હત્યાકાંડના કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે.