Gujarat

ધો 10ની વિધાર્થીનીને ધમકી આપી બાઈક ઉપર એકાંતમાં લઈ જઈ યુવકે કિસ કરી

By GS Team
18 Feb 20222 mins read
This article was originally published on 18 Feb 2022
ધો 10ની વિધાર્થીનીને ધમકી આપી બાઈક ઉપર એકાંતમાં લઈ જઈ યુવકે કિસ કરી

- લંપટ યુવાનની હરકતથી પરિવારે ઘર બદલી કાઢવું પડયું હતું

- 'ઘરેથી નહી આવે તો ઘરથી ઉંચકી જઈશ' તેવી ધમકી આપનાર સિંગણપોરના રત્નકલાકાર યુવાનની ધરપકડ

સુરત : સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા રત્નકલાકારની ધો.૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની તરુણીને ઘરેથી નહી આવે તો ઘરથી ઉંચકી જઈશ તેવી ધમકી આપી બાઈક પર બેસાડી લઈ જઈ છેડતી કરનાર રત્નકલાકાર યુવાનની ચોકબજાર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા રત્નકલાકારની પુત્રી રેશ્મા ( ઉ.૧૫ વર્ષ ૫ મહિના, નામ બદલ્યું છે ) મહિધરપુરા વિસ્તારની એક સ્કૂલમાં ધો.૧૦ માં અભ્યાસ કરે છે. અગાઉ તેઓ ડભોલી સિંગણપોર વિસ્તારમાં રહેતા હતા ત્યારે તે જ બિલ્ડીંગના નવમા માળે રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા કેવલ કલ્પેશભાઇ માંડલીયાએ રેશ્મા સાથે ફ્રેન્ડશીપ કરવાની વાત કરતા રેશ્માએ માતાને વાત કરી હતી. બિલ્ડીંગની અન્ય છોકરીઓ તરફ ખરાબ નજર રાખતા કેવલથી દૂર રહેવા માતાએ રેશ્માને કહ્યું હતું. ત્યાર બાદ કેવલ રેશ્માને જોઈ ઈશારા કરતો હોય અને કોઈને કોઈ બહાને ઝઘડો કરતો હોય રત્નકલાકારે ઘર બદલી વેડરોડ ખાતે રહેવા ચાલ્યા ગયા હતા.

જોકે, કેવલે રેશ્માનો સ્કૂલે કે ટયુશન જતી હોય ત્યારે પીછો કરવાનું શરૂ કર્યું હતું. વેલેન્ટાઈન ડે ના દિવસે કેવલે કોઈ રીતે રેશ્માના ઘરનો મોબાઈલ નંબર મેળવી વ્હોટ્સએપ કોલ કરી કોલેજ પાસે બોલાવી હતી. કેવલ તેને ઘરેથી નહી આવે તો ઘરેથી ઊંચકી જવાની ધમકી આપી બાઈક પર બેસાડી સિટીલાઇટ ખાતે એકાંતવાળી જગ્યાએ લઈ ગયો હતો અને લગ્નની વાત કરી ગાલ પર કીસ કરી હતી. રેશ્માએ લગ્નની ના પાડતા કેવલે ઘરે કોઈને કશું પણ કહેશે તો તું અને તારો ભાઈ જીવતો નહીં રહે તેવી ધમકી આપી હતી. ઘરે પહોંચ્યા બાદ ગુમસુમ રહેતી રેશ્માને માતાપિતાએ પૂછતાં તેણે બનાવની જાણ કરી હતી.આથી ગતરોજ રેશ્માની માતાએ કેવલ વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં અપહરણ અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે કેવલની ધરપકડ કરી હતી.