For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દ.ગુજરાતમાં માવઠાંનો કહેરઃ ૩.૩ ઇંચ સુધી વરસાદથી ખેતીપાક ધોવાયા

Updated: Nov 19th, 2021

Article Content Image

-સાંબેલાધાર માવઠાંથી જળબંબાકાર, જનજીવન ખોરવાયું

-વલસાડમાં બે કલાકમાં ૩.૫, સુરત શહેરમાં ૧.૫, પલસાણામાં ૩ ઇંચ વરસાદ ખાબકયો ,ડાંગર, જુવાર અને શાકભાજીનાં પાકને ભારે નુકસાન

સુરત

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે માવઠું પડયું હતું. જોકે, આજે માવઠું જાણે સાંબેલાધાર વરસાદમાં તબદીલ થઇ ગયું હતું. કારતક મહિનામાં ગાજવીજ સાથે બપોરે બે વાગ્યાથી ૬ વાગ્યા દરમિયાન પડેલા વરસાદને પગલે જાહેર રોડ અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વલસાડમાં બે કલાકમાં ૩.૩  ઇંચ વરસાદ ઝીંકાઇ ગયો હતો. સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં અઢી ઇંચ સુધી વરસાદને પગલે ખેતીપાક ધોવાઇ ગયા હતા.  જનજીવન પણ અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.

Article Content Image

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસતાં ધરતીપુત્રોની હાલત દયનીય થઈ ગઈ હતી. ખેડૂતોનો ડાંગર, જુવાર, શાકભાજીના પાકને ભારે નુકશાન થયું હતું. શુક્રવારે સાંજે ૪ વાગ્યે વલસાડમાં ગાંજવીજ સાથે ભારે વરસાદ વરસવાનું શરૃ થયું હતું અને ૪ થી ૬ના માત્ર ૨ કલાકમાં ૮૩ મીમી (૩.૩ ઈંચ) વરસાદ પડતા છીપવાડ દાણા બજાર,મોગરાવાડી, છીપવાડ, ગરનાળા, વલસાડ, પારડી, હાલર રોડ, તિથલ રોડ સહિતના શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

Article Content Image

સુરત શહેર સહિત જિલ્લાના ચાર તાલુકાના વાતાવરણમાં ભારે ઉકળાટ અને બફારા બાદ સતત બીજા દિવસે કમોસમી વરસાદ નોંધાયો હતો. જિલ્લાના પલસાણામાં સૌથી વધુ ૨.૫ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે સુરત સિટીમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ઝીંકાતા રોડ પણ જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ગાજવીજ સાથે વરસાદને લીધે જનજીવન ખોરવાઇ ગયું હતું. તો જિલ્લાના ખેતીપાકોને પણ ભારે નુક્સાનની ભીતિ છે. બારડોલીમાં ડાંગરના પૂરેટીયા પલળી ગયા હતા.

Article Content Image

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે કમૌસમી માવઠાથી ખેતીવાડીમાં ડાંગર પૂરેટીયા, શાકભાજી અને ચીકુના પાકને વ્યાપક નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે. વધુમાં શેરડીની કાપણી ચાલી રહી હોય ખેતીવાડીના કાચા માટીયુક્ત રસ્તાઓ બંધ થઈ જતા શેરડીની કાપણી બંધ થવાની ભીતિ જોવા મળે છે. તેમજ માવઠાને પગલે સી ફુડને પણ નુકસાન થયું છે.  ચીખલીમાં લગ્નસમારંભો ખોરવાઇ ગયા હતા. જ્યારે વાંસદામાં ગૌરમહારાજોએ છત્રી લઇને લગ્ન વિધિ કરાવવી પડી હતી. વાંસદા ખાતે ભરાયેલ દેવદિવાળીના હાટ બજારમાં લોકોની ભીડી હતી ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડતા વેપારીઓમાં  અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

ડાંગ જિલ્લામાં પણ પુર્વ પટ્ટી વિસ્તાર વિસ્તારોનાં ગામોમાં તેમજ વઘઇથી ચિકટિયા વચ્ચે ના ગામો તેમજ વઘઇ થી સાપુતારા વચ્ચેના અનેક ગામોમાં  ધોધમાર વરસાદ તૂટી પડતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા. સતત બીજા દિવસે  વરસાદ ને લઈને ડાંગર ના પાક ને ભારે નુકસાન થવા પામ્યુ હતું. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પૂર્વપટ્ટીમાં ડાંગ જિલ્લાની બોર્ડર ઉપર આવેલા મલંગદેવ ઓટા વિસ્તારમાં રાત્રે ભારે વરસાદ થતાં ડાંગર કાપણી કરીને ખેતરમાં મુકેલાં તૈયાર પાક ખેતરમાં પાણી ભરાઇ જતાં નુકસાન થયું છે.

વરસાદે લગ્નના આયોજનો ધોઇ નાંખ્યા, મંડપને નુક્સાન

ચીખલી પંથક સહિત આજુબાજુના ગામોમાં બપોરના એક કલાક સુધી સતત વરસાદ પડતા ધરતી પુત્રોમાં નારાજગી જોવા મળી રહી છે તો બીજી તરફ લગ્ન માટે બનાવવામાં આવેલા મંડપ સહિત રીસેપ્શન સ્ટેજો  પણ વરસાદી પાણીમાં ભીના થઈ જવા પામ્યા છે ત્યારે લગ્નનનો ઉત્સાહ ભારે વરસાદને કારણે નિરસ બની જવા પામ્યો છે. સાંજના સમયે લગ્નના રીસેપ્શન નું આયોજન પણ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદ પડતા સ્ટેજ તેમજ ડેકોરેશનનો સામાન પણ પાણીમાં ભીનો થઇ જતા લાખો રૃપિયાનું નુકસાન થવા પામ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ (ઇંચમાં)

વલસાડ જિલ્લો

વલસાડ       ૩.૨

વાપી  ૨.૨

નવસારી જિલ્લો

વાંસદા ૨.૦

નવસારી       ૧.૭

ચીખલી        ૧.૭

જલાલપોર    ૦.૫

ખેરગામ       ૦.૪

સુરત જિલ્લો

પલસાણા      ૩.૦

કામરેજ        ૧.૦

મહુવા  ૦.૬

બારડોલી ૨ મીમી

સુરત સિટી    ૧.૫

 

Gujarat