For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અકસ્માતમાં 48 કલાકમાં રૂા. 50 હજાર સુધી સહાયની તમામ ફાઈલ નામંજુર

-પથ્થરમાંથી પાણી કાઢવા જેવો ઘાટ

-સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી:150 જેટલી ફાઈલ નિયમો અને તંત્રના સંકલનના અભાવે અટવાઈ

Updated: Aug 27th, 2018

Article Content Image(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા.27 ઓગષ્ટ 2018,સોમવાર

રાજ્યમાં વાહન અકસ્માત સહાય યોજનાની સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી છે. પણ સરકારે નિયમો એટલા અઘરા બનાવ્યા છે કે સુરતમાં અકસ્માતમાં ઈજા પામેલા ૧૫૦ થી વધુ દર્દીઓની પૈસા મેળવવાની ફાઈલો અટવાઈ રહી છે. એક પણ ફાઈલ સરકારના નિયમ અનુસાર નહીં હોવાથી મંજુર થઈ નથી.

વાહન અકસ્માતમાં સરકારી જાહેરાત મુખ્ય ઈજા પામેલા દર્દીઓની જીંદગી બને તે માટે સરકારી હોસ્પિટલ, પ્રાઈવેટ કે ટ્રસ્ટની હોસ્પિટલમાં ૪૮ કલાકમાંરૂા. ૫૦ હજાર સુધીની સારવાર મફત આપવાની જોગવાઈ છે. જ્યારે ૫૦ હજારથી ઉપરની રકમ થાય તો દર્દીએ ભોગવવી પડે.

સરકારના પરિપત્ર અનુસાર અકસ્માત થયેલા દર્દીઓની ફાઈલ બનાવીને એક્સીડન્ટ કલેમ સેટલમેન્ટ સેલમાં મોકલવાની હોય છે. હાલમાં સેલ એટલે કમિટીમાં નવી સિવિલના ડોક્ટર છે. જ્યારે કલેકટર કચેરીમાં સંકલનની બેઠકમાં એક્સીડન્ટ કલેમ સેટલમેન્ટ સેલની રચના અંગે ચર્ચા થઈ હતી. બાદમાં કમિટીમાં સિવિલના તબીબી અધિક્ષક, ઓર્થોપેડિક, સર્જરી, ડેન્ટલ વિભાગના વડા, આર.એમ.ઓનો સમાવેશ કર્યો છે.

નોંધનીય છે કે વાહન અકસ્માત સહાય યોજના શરૃ થયાના ત્રણ મહિના થઈ ગયા છે. તે દરમિયાન શહેરના વિવિધ વિસ્તારની પ્રાઈવેટ કે ટ્રસ્ટની હોસ્પિટલમાં અકસ્માતમાં ઈજા પામેલા ૧૫૦ થી વધુ દર્દીઓની ફાઈલો બની છે.ખર્ચના પૈસા મેળવવા માટે ૧૫૦ થી વધુ દર્દીઓની ફાઈલો વારાફરતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોકલાઈ છે. આ ફાઈલોમાંથી એક પણ ફાઈલ મંજુર થઈ નથી. તેથી ઘણા પ્રાઈવેટ હોસ્પિટલના ડોક્ટરોમાં નારાજગી જોવા મળી રહી છે. સરકાર પાસેથી પૈસા કઢાવવા એટલે કે પથ્થરમાંથી પાણી કાઢવા જેવું છે.

સરકારે વિવિધ પ્રકારની સારવારના પેકેજ નક્કી કર્યા છે. પણ નિયમો ખુબ જ અઘરા બનાવ્યા છે. એટલે એક પણ ફાઈલ પાસ થઈ નથી. કોઈ ફાઈલમાં એમ.એલ.સી. રજીસ્ટરનો ફોટો નથી, સંમતિ પત્ર યોગ્ય ભર્યા નથી. એક્સ-રે સામેલ કર્યા નથી, એટલે સરકારે દર્શાવેલા જરૃરી કાગળો નહીં હોવાથી ફાઈલો પાસ કે મંજુર થઈ નહીં હોવાનું તબીબ સૂત્રોએ જણાવ્યું હતું.

બીજી તરફ એવું પણ ચર્ચાઈ છે કે વાહન અકસ્માત સહાય યોજના અંગે પ્રાઈવેટ હોસ્પિટલ અને સરકારી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ છે. જેના કારણે પ્રાઈવેટ હોસ્પિટલ તબીબો દર્દીની ફાઈલ બનાવવા અટવાય છે. આરોગ્ય અધિકારીએ સિવિલમાં પણ પુરતી માહિતી આપી નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Gujarat