For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માનવતાની મહેક: 12 વર્ષની ઉંમરે ઘરનો ભાર, મીલમાં 12 કલાકની નોકરી છતા બાળકોને ફ્રીમાં ભણાવવાનું આકાશે ચાલુ રાખ્યું

Updated: Dec 6th, 2022

Article Content Image

- આજે ઘરની જવાબદારી ઉઠાવવાની સાથે  M.Comના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે : આવક મેળવવા અઠવાડિયાના દિવસો સેટ કરીને કોચિંગ ક્લાસમાં ભણાવે છે

- પોતાના સંઘર્ષના દિવસો યાદ રાખીને ગરીબ બાળકો માટે ચાલતા નિ:શુલ્ક ક્લાસમાં ભણાવે પણ છે

સુરત,તા.6 ડિસેમ્બર 2022,મંગળવાર

કુછ કર ગુઝરને કે લિયે મોસમ નહીં મન ચાહીએ સુવાક્ય ની જેમ જ ભણવાની ધગશ હોય તો ગરીબી સામે પણ લડી જવાઈ છે. આવી ભણવાની ધગશ ૨૩ વર્ષના આકાશ આહીરેમાં જોવા મળી છે. વર્ષ ૨૦૦૬ના પુરમાં આકાશનું ભાડાનું મકાન પણ તણાઈ ગયું હતું અને તે સમયે તે ધોરણ-૬ માં અભ્યાસ કરતો હતો. જો કે નાસીપાસ થવાને બદલે તેને એમ્બ્રોઈડરીની મીલમાં ૧૨ કલાકની નોકરી શરૂ કરીને પણ પોતાનું ભણતર ચાલુ રાખ્યું હતું. આજે પણ ઘરની જવાબદારી ઉઠાવવાની સાથે તે M.Comના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.

Article Content Image

પાંડેસરાના દીન દયાળ નગરમાં રહેતા ૨૩ વર્ષના આકાશ અહીરેનો પરીવાર મૂળ ભુસાવળનો છે. જોકે નોકરીની શોધમાં જ્યારે માતા પિતા સુરત આવ્યા ત્યારે ઘર ન હોવાને કારણે તેમણે દિલ્હી ગેટ નજીક બ્રિજ નીચે ૧૫ થી ૨૦ દિવસ ગાળવા પડ્યા હતા. પાંડેસરા માં લાકડાના પાર્ટીશન વાળું એક ઘર ભાડે મળ્યું હતું. પિતા દારૂનો નશો કરતા હોવાથી બાળકના ભરણપોષણ માટે અને ભાડું ભરવા માટે તેની માતા પ્રતિ દિવસ રૂ.૩૦ થી રૂ.૪૦ ની આવક મેળવવા મજૂરી કરતા હતા. આ રીતે વર્ષો વીતતા ગયા અને વર્ષ ૨૦૦૬માં આવેલા ભયાનક પુરે તેમની પાસેથી ભાડાનું મકાન પણ છીનવી લીધું હતું. એ સમયે આકાશ માત્ર ૭ વર્ષનો હતો. મકાન માલિકે તેમને દોઢ મહિનો આશરો આપ્યો હતો.

પિતા દારૂનો નશો કરતા હોવાને કારણે જવાબદારી માતા ઉપર હોવાથી ધીરે ધીરે આકાશ સમયની સાથે વધુ મજબૂત થતો ગયો. માત્ર ૧૨ વર્ષની ઉંમરે પરિસ્થિતિથી ભાંગી પડવાની જગ્યાએ આકાશનું ભણવાનું મનોબળ વધુ મજબૂત થઈ ગયું હતું અને તેણે એમ્બ્રોઇડરીની મીલમાં ૧૨ કલાકની નોકરી સ્વીકારી લીધી હતી. તેની માતા તે સમયે કંપનીમાં રૂ.૩૦૦૦ આવક મેળવતા હતા. દસમા ધોરણમાં ૭૯ ટકા વગર ટ્યુશને આવ્યા બાદ પરિસ્થિતિને કારણે તેની માતાએ તેને ભણતર છોડવા કહ્યું હતું પરંતુ તેણે વધુ મહેનત કરીને મેનેજ કરવા માતાને સમજાવી હતી. તે સમયે તે રાત્રે ૯ વાગ્યાથી સવારે ૯ વાગ્યા સુધી નોકરી કરીને બાદમાં ૧૨:૩૦ વાગ્યા સુધી શાળાએ પણ જતો હતો. ભણવાની સાથે સાથે તે સમયે તે રૂ.૧૦,૪૦૦ કમાણી કરીને ઘરના મોભી તરીકેની ફરજ પણ નાની ઉંમરે બજાવતો હતો. માત્ર ૪-૫ કલાકની જ ઊંઘ લેતા આકાશના અડગ મનને કારણે આજે તે M.Com ના છેલ્લા વર્ષમાં અભ્યાસ પણ કરે છે અને ટ્યુશન ક્લાસીસમાં બાળકોને ભણાવીને મકાનનું ભાડું પણ ભરે છે અને માતા-પિતા અને બહેનનું ભરણપોષણ પણ કરી રહ્યો છે.

Article Content Image

આ અંગે આકાશે કહ્યું કે, હું એમ્બ્રોઇડરીમાં નોકરી કરતો હતો તે સમયે ત્યાંના સુપરવાઇઝર પણ સમજુ હતા. તેઓએ પ્રોડક્શન લઈને ક્યારેય પણ મારી ઉપર બોજો નાંખ્યો ન હતો. આ સિવાય હું છત્રપતિ હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યાંના સંચાલકોએ પણ મારી પરિસ્થિતિને જોઈને મારી પ્રત્યે સમજ શક્તિ દર્શાવી હતી. જેથી હું ભણી પણ શક્યો અને નોકરી પણ કરી શક્યો. ધોરણ-૧૨ માં મેં ટ્યુશન ક્લાસીસ લીધું હતું અને ત્યાંના કોચ યોગેશભાઈ અને મુકેશભાઈ મારા જીવનકાળમાં ભગવાન રૂપે આવ્યા. તેમણે તે સમયે મારા માતાને સમજાવીને એક વર્ષ પૂરતી મારી નોકરી છોડાવડાવી હતી અને મેં મહેનત કરીને ૧૨ કોમર્સમાં ૮૭ ટકા મેળવ્યા હતા. ત્યારબાદ બંને સરે મને તે જ કોચિંગ ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓને ભણાવવા માટે કહ્યું અને તેને માટે મને સેલેરી પણ ચૂકવતા હતા. જેને લઈને હું મારું ગ્રેજ્યુએશન કરી શક્યો અને આજે એમકોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું અને જીસેટની પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યો છું. 

માસ્ટર ડિગ્રી કરતો વિદ્યાર્થી કોલેજનો સમયગાળો પૂર્ણ થયા બાદ અન્ય વિદ્યાર્થીઓને ભણાવે છે

આકાશે વધુમાં કહ્યું કે, હું આવક મેળવવા માટે અઠવાડિયાના અલગ અલગ દિવસો સેટ કરીને હું અલગ 3 કોચિંગ ક્લાસમાં જઈને વિદ્યાર્થીઓને ભણાવું છું. અંદાજે દર મહિને હું રૂ.૧૮૦૦૦ની આવક મેળવું છું. મારા વિસ્તારમાં ગરીબ બાળકો માટે ચાલતા કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ભણાવવા પણ જાઉં છું. 

આકાશ માત્ર ત્રણ દિવસનો હતો જ્યારે તેની માતાએ કંપનીમાં નોકરી શરૂ કરી હતી

જેમ શરીરનો આધાર સ્તંભ કરોડરજ્જુ છે તેવી જ રીતે આકાશનો આધાર સ્તંભ તેની માતા છે. આકાશના જન્મના ત્રીજા દિવસે તેમણે નોકરી શરૂ કરી દીધી હતી અને આજે પણ તેઓ અન્ય લોકોના ઘરે જઈને ઘર કામ કરે છે. આકાશેના પાડી હોવા છતાં માતા હજી પણ કામ કરે છે. કારણકે તેમની ઈચ્છા છે કે જ્યાં સુધી તેમનું પોતાનું મકાન ન થઈ જાય ત્યાં સુધી તેઓ કામ કરશે.

Gujarat