RBI મોનેટરી પોલિસી: રેપો રેટ વધીને 5.5%, MPCએ અપનાવી ‘કેલિબ્રેટેડ ટાઇટનિંગ’ નીતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટીએ (MPC) મોંઘવારી અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાણાકીય નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને તેને 5.5% કર્યો છે. સાથે જ SDF રેટ 5.25% તથા MSF અને બેંક રેટ 5.75% કરવામાં આવ્યા છે. આ સાથે MPCએ નાણાકીય નીતિનું વલણ બદલીને ‘કેલિબ્રેટેડ ટાઇટનિંગ’ એટલે કે તબક્કાવાર નાણાકીય સખ્તાઈ અપનાવી છે.
- કેલિબ્રેટેડ ટાઇટનિંગ એટલે મોંઘવારીને નિયંત્રિત કરવા માટે નાણાકીય નીતિને તબક્કાવાર અને માપસર કડક બનાવવાની નીતિ.
મોનેટરી પોલિસી (નાણાકીય નીતિ)
મોનેટરી પોલિસી એટલે દેશની કેન્દ્રીય બેંક દ્વારા (ભારતમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા) નાણાંના પુરવઠા, વ્યાજદરો અને પ્રવાહિતાને નિયંત્રિત કરવા માટે લેવામાં આવતાં પગલાં, જેથી ભાવ સ્થિરતા જાળવી શકાય અને ટકાઉ આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપી શકાય.
ભારતમાં મોનેટરી પોલિસીનું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 હેઠળ થાય છે. આ અધિનિયમમાં 2016માં સુધારો કરીને મોનેટરી પોલિસી કમિટીને કાયદાકીય રીતે સ્થાપિત કરવામાં આવી અને મોંઘવારીનું લક્ષ્યાંકન (Inflation Targeting) નાણાકીય નીતિનું મુખ્ય ઉદ્દેશ્ય બનાવવામાં આવ્યું.
મોંઘવારી લક્ષ્યાંકન માળખું
ભારત ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ (FIT) ફ્રેમવર્કનું પાલન કરે છે. વર્તમાન આદેશ મુજબ, ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ફુગાવાનો લક્ષ્યાંક છે:
- 4%±2% ના સહિષ્ણુતા બેન્ડ
- એટલે મોંઘવારીનું સ્વીકાર્ય ક્ષેત્ર 2% થી 6%.
- આ લક્ષ્ય કેન્દ્ર સરકાર RBI સાથે પરામર્શ કરીને નક્કી કરે છે.
નાણાકીય નીતિના સાધનો
નાણાકીય નીતિના સાધનોને વ્યાપક રીતે બે શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે:

નાણાકીય નીતિના પ્રકારો

રેપો રેટ
રેપો રેટ RBI દ્વારા વ્યાપારી બેંકોને સરકારી સિક્યોરિટીઝને કોલેટરલ તરીકે (SLRની સરકારી સિક્યોરિટીઝ સિવાયની સિક્યોરિટીઝ) રાખીને ટૂંકા ગાળા માટે નાણાં ધિરાણ આપવામાં આવે ત્યારે વસૂલવામાં આવતો વ્યાજદર હોય છે.
રેપો રેટ સમગ્ર અર્થતંત્ર માટે મુખ્ય નીતિગત વ્યાજદર (Policy Rate) છે અને તે સમગ્ર બેંકિંગ સિસ્ટમ માટે RBIની નાણાકીય નીતિનું મુખ્ય સંકેત (policy signal) છે. આ દરમાં ફેરફાર થતાં બેંકોના અન્ય વ્યાજદરો પર અસર પડે છે. રેપો રેટના બદલાવથી SDF રેટ, MSF રેટ, અને બેંક રેટમાં બદલાવ આવે છે.
- સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસેલિટી (SDF) રેટ: બેંકો પોતાની વધારાની રકમ RBI પાસે સિક્યોરિટી આપ્યા વગર જમા કરે ત્યારે RBI દ્વારા આપવામાં આવતો વ્યાજદર. (LAF કોરિડોરના ફ્લોર તરીકે કાર્ય કરે છે)
- માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસેલિટી (MSF) રેટ: બેંકોને તાત્કાલિક જરૂરિયાતે RBI પાસેથી રાતોરાત નાણાં મેળવવાનો દર. સામાન્ય રીતે રેપો રેટ કરતાં વધુ હોય છે અને આમાં SLRની સરકારી સિક્યોરિટીઝનો ઉપયોગ કરી શકાય છે. (LAF કોરિડોરની ટોચમર્યાદા તરીકે કાર્ય કરે છે)
- બેંક રેટ: RBI દ્વારા બેંકોને લાંબા ગાળાના ધિરાણ માટે સંદર્ભરૂપ વ્યાજદર; હાલમાં તે સામાન્ય રીતે MSF Rate સાથે સમાન રાખવામાં આવે છે.
પોલિસી કોરિડોર અથવા LAF કોરિડોર
કોરિડોરની નીચલી સીમા SDF (5.25%) અને ઉપલી સીમા MSF (5.75%) છે, જેમાં મધ્યમાં રેપો રેટ (5.50%) રહે છે. (SDF અને MSF વચ્ચેનો તફાવત 50 બેસિસ પોઈન્ટ્સ હોય છે).
1 Basis Point (bps) = 0.01% (એટલે કે 25 bps = 0.25%).
રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ વધારાની અસર
રેપો રેટ 5.25%થી વધારીને 5.50% કરવાથી બેંકો માટે RBI પાસેથી ટૂંકા ગાળે નાણાં ઉધાર લેવાનું મોંઘું બનશે. તેના પરિણામે સામાન્ય રીતે બેંકોના લોનના વ્યાજદરમાં વધારો થઈ શકે છે, જેના કારણે હોમ લોન, વાહન લોન અને અન્ય ફ્લોટિંગ-રેટ લોનની EMI વધી શકે છે.
બીજી તરફ, ઊંચા વ્યાજદરને કારણે લોકો અને વ્યવસાયો દ્વારા ઉધાર અને ખર્ચમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી મોંઘવારીને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. જોકે, આર્થિક પ્રવૃત્તિ અને રોકાણ પર થોડું દબાણ આવી શકે છે.
રેપો રેટ ↑ → બેંકોની ઉધાર કિંમત ↑ → લોનના વ્યાજ/EMI ↑ → ધિરાણ અને ખર્ચ ↓ → મોંઘવારી પર નિયંત્રણ.
મોનેટરી પોલિસી કમિટી (MPC)
RBI Act, 1934ની Section 45ZB હેઠળ MPCની રચના કરવામાં આવી છે.
રચના: 6 સભ્યો (RBI તરફથી – 3 સભ્યો + સરકાર તરફથી – 3 સભ્યો)
- RBI ગવર્નર – અધ્યક્ષ (ex-officio)
- RBIના એક ડેપ્યુટી ગવર્નર – ex-officio
- RBIના સેંટ્રલ બોર્ડ દ્વારા નામાંકિત એક અધિકારી – ex-officio
- ભારત સરકાર દ્વારા નિયુક્ત 3 સભ્યો - કાર્યકાળ 4 વર્ષનો + પુનઃનિયુક્તિ કરી શકાતી નથી.
કાર્ય : વૃદ્ધિના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ભાવ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે.
- દરેક સભ્યનો એક મત હોય છે; જો મત સમાન હોય, તો ગવર્નર પાસે નિર્ણાયક મત હોય છે.
- MPC વર્ષમાં ઓછામાં ઓછી 4 વખત મળે છે, અને કોરમ ઓછામાં ઓછા 4 સભ્યો જરૂરી.
- પારદર્શિતા માટે નિર્ણયો મિનિટ્સ સાથે 14 દિવસ પછી પ્રકાશિત કરવામાં આવે છે.
- મોનેટરી પોલિસી રિપોર્ટ 6 મહિને (વર્ષ 2 વખત) પ્રકાશિત.
અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો
પ્રશ્ન 1: નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. બેંક રન એ એક એવી પરિસ્થિતિ છે, જે ત્યારે ઉદભવે છે જ્યારે મોટી સંખ્યામાં થાપણદારો એક જ સમયે બેંકમાંથી તેમના પૈસા ઉપાડવાનું શરૂ કરે છે, જે બેંકને નાદારી તરફ દોરી જાય છે.
2. બેંક રેટ એ RBI દ્વારા વેપારી બેંકોને આપવામાં આવતી ટૂંકા ગાળાની લોન માટે વસૂલવામાં આવતો વ્યાજ દર છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ
પ્રશ્ન 2: નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) એ રિઝર્વ બેંકની કામગીરીનો ઉલ્લેખ કરે છે, જેના દ્વારા તે બેંકિંગ સિસ્ટમમાં/માંથી લિક્વિડિટી દાખલ કરે છે/શોષે છે.
2. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) એ દંડ દર છે, જેના પર બેંકો રાતોરાત ધોરણે, રિઝર્વ બેંક પાસેથી ધિરાણ આપી શકે છે.
3. LAF થી વિપરીત, બેંક દ્વારા કોઈપણ કોલેટરલ સિક્યોરિટીઝ ગીરવે મૂક્યા વિના MSF મેળવી શકાય છે.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) ફક્ત 1 અને 3
(D) ફક્ત 1 અને 2
પ્રશ્ન 3: ભારતમાં ફુગાવા નિયમન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહક ભાવ સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવાને લક્ષ્યાંકિત કરે છે.
2. ભારત RBI અને નીતિ આયોગ દ્વારા સંયુક્ત રીતે નિર્ધારિત પરિવર્તનક્ષમ ફુગાવા-લક્ષ્યાંકિત માળખાનું પાલન કરે છે.
3. નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોને ન્યૂનતમ સભ્ય સંખ્યાની જરૂર છે, જેના નિષ્ફળ થવા પર RBI ગવર્નર સ્વતંત્ર રીતે પોલીસી દર નક્કી કરી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) ફક્ત 1
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને ૩
પ્રશ્ન 4: નીચેનાં વિધાનો ધ્યાને લોઃ
1. ફુગાવાને નિયંત્રિત કરવા માટે RBIએ રેપો રેટ ઘટાડવા જોઈએ.
2. મદીને પહોંચી વળવા માટે સરકારે પોતાનો ખર્ચ વધારવો જોઈએ.
ઉપર પૈકી ક્યું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ




