Daily Current Affairs

UNSCમાં તાત્કાલિક સુધારા માટે ભારતની હાકલ

By GS Team
20 Aug 20263 mins read
TukuTouch Logo
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં તાત્કાલિક સુધારાની માંગ કરી છે. ભારતે કહ્યું કે વર્તમાન રચના વૈશ્વિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી. વિકાસશીલ દેશોને વધુ પ્રતિનિધિત્વ આપવા કાયમી અને બિન-કાયમી સભ્યપદનું વિસ્તરણ થવું જોઈએ. આતંકવાદી સંગઠનોની લિસ્ટિંગમાં નિષ્પક્ષતા અને પારદર્શિતા પર ભાર મૂકાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

UNSCમાં તાત્કાલિક સુધારા માટે ભારતની હાકલ

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની રચના અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં તાત્કાલિક સુધારાની માંગ કરી છે. ભારતે કહ્યું કે વર્તમાન સુરક્ષા પરિષદની રચના આજની વૈશ્વિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી અને વિકાસશીલ દેશોને વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએ. 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એ સંયુક્ત રાષ્ટ્ર (UN) ના 6 મુખ્ય અંગોમાંથી એક છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાનો છે. 

સંરચના અને સભ્યપદ (Structure & Membership)

સુરક્ષા પરિષદમાં કુલ 15 સભ્ય દેશો હોય છે:

  • સ્થાયી સભ્યો (Permanent Members - P5): 5 દેશો – અમેરિકા, ચીન, ફ્રાન્સ, રશિયા, અને યુનાઇટેડ કિંગડમ (UK). આ P5 દેશો પાસે વીટો પાવર (Veto Power) નો અધિકાર છે.
  • અસ્થાયી સભ્યો (Non-Permanent Members): 10 દેશો, જેમની ચૂંટણી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દ્વારા 2 વર્ષના કાર્યકાળ માટે થાય છે.
    ભારત 8 વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું છે અને હાલમાં ભારત આનું સભ્ય નથી.

મુખ્ય કાર્ય અને સત્તાઓ 

  • સશસ્ત્ર સંઘર્ષો અટકાવવા, શાંતિ વાટાઘાટો મધ્યસ્થ કરવી અને યુએન પીસકીપિંગ મિશન (UN Peacekeeping Operations) મોકલવા.
  • શાંતિનો ભંગ કરનાર કે આતંકવાદી સંગઠનો સામે આંતરરાષ્ટ્રીય આર્થિક અને ડિપ્લોમેટ સંબંધિત પ્રતિબંધો લાદવા.
  • આંતરરાષ્ટ્રીય શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે લશ્કરી બળના ઉપયોગની મંજૂરી આપવી.
  • UN ના અન્ય અંગોની ભલામણો માત્ર સલાહકારી હોય છે, પરંતુ UNSC ના નિર્ણયો તમામ સભ્ય દેશો માટે કાનૂની રીતે બંધનકર્તા (Binding) હોય છે.

ભારતે UNSCમાં સુધારા માટે નીચેના મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા છે:

1. કાયમી અને બિન-કાયમી બંને સભ્યપદનું વિસ્તરણ

ભારતનું કહેવું છે કે સુધારો માત્ર બિન-કાયમી બેઠકો વધારવા પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ. કાયમી અને બિન-કાયમી (Permanent & Non-Permanent) બંને કેટેગરીમાં વિસ્તરણ જરૂરી છે.

2. ગ્લોબલ સાઉથને વધુ પ્રતિનિધિત્વ

ભારતે વિકાસશીલ દેશો અને ગ્લોબલ સાઉથને નિર્ણય લેવાની પ્રક્રિયામાં વધુ યોગ્ય સ્થાન આપવાની માંગ કરી છે.

3. સુધારા માટે સમયમર્યાદા

ભારતે કહ્યું કે સુધારા અંગે માત્ર ચર્ચા ચાલુ રાખવાને બદલે ટેક્સ્ટ-આધારિત વાટાઘાટો દ્વારા સ્પષ્ટ લક્ષ્યો, માઇલસ્ટોન અને સમયમર્યાદા નક્કી કરવી જોઈએ.

4. UNSCમાં પારદર્શિતા

ભારતે સુરક્ષા પરિષદના તમામ સભ્યોને (બિન-કાયમી સભ્યો પણ) દસ્તાવેજો અને ઐતિહાસિક રેકોર્ડ સુધી સમાન પહોંચ આપવાની માંગ કરી છે.

 5. UN શાંતિ રક્ષકો (Peacekeepers) માં યોગદાન આપતા દેશોની ભૂમિકા

UN શાંતિ મિશનમાં સૈન્ય અને પોલીસ યોગદાન આપતા દેશો (TCCs & PCCs)ની નીતિ-નિર્ધારણ અને સંસાધનોની ફાળવણીમાં સક્રિય ભાગીદારી હોવી જોઈએ. 

 6. આતંકવાદી સંગઠનોની લિસ્ટિંગમાં નિષ્પક્ષતા

ભારતે જણાવ્યું કે UNSCની સભ્યપદનો ઉપયોગ રાજકીય હેતુ માટે ન થવો જોઈએ. આતંકવાદી સંગઠનોને લિસ્ટેડ અથવા ડેલિસ્ટેડ કરવાનો નિર્ણય રાજકીય વિચારણાના બદલે નિષ્પક્ષ માપદંડ અને પુરાવાના આધારે થવો જોઈએ.

 7. UNSC અને UN જનરલ એસમ્બ્લી વચ્ચે વધુ સંકલન

ભારતે સુરક્ષા પરિષદ અને UN જનરલ એસમ્બ્લી (UNGA) વચ્ચે વધારે સંકલન કરવાની જરૂરિયાત પણ દર્શાવી છે.

પરીક્ષાલક્ષી પ્રશ્નો: 

પ્રશ્ન 1: નીચેના પૈકી UNSCના કાયમી સભ્યોનો યોગ્ય સમૂહ કયો છે?

A. ભારત, અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન
B. અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન
C. ભારત, જાપાન, જર્મની, બ્રાઝિલ, અમેરિકા
D. અમેરિકા, ભારત, ફ્રાન્સ, જર્મની, ચીન

પ્રશ્ન 2: UNSCના અસ્થાયી સભ્યો અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:

  1. UNSCમાં 10 અસ્થાયી સભ્યો હોય છે.
  2. અસ્થાયી સભ્યોની ચૂંટણી UN મહાસભા (UNGA) દ્વારા થાય છે.
  3. અસ્થાયી સભ્યોનો કાર્યકાળ 2 વર્ષનો હોય છે.
  4. અસ્થાયી સભ્યોને સ્થાયી સભ્યોની જેમ વીટો પાવર પ્રાપ્ત હોય છે.

ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે?

(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4