17મો કથકલી મહોત્સવ 2026: 'કથા રસ સંગમ' થીમ સાથે ત્રણ દિવસીય મહોત્સવનો પ્રારંભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ કલાક્ષેત્ર ફાઉન્ડેશન (રુક્મિણી દેવી અરુન્ડેલ દ્વારા સ્થાપિત) દ્વારા આયોજિત 17મા કથકલી મહોત્સવનું ઉદ્ઘાટન આજે ચેન્નાઈના તિરુવનમિયુર સ્થિત ભારત કલાક્ષેત્ર સભાગૃહ ખાતે કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય મહોત્સવ 18થી 20 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે.
આ વર્ષના મહોત્સવની થીમ ‘કથા રસ સંગમ –કથાઓના સારનો સંગમ’છે. આ મહોત્સવમાં કથકલીની ત્રણ અગ્રણી સંસ્થાઓ સદાનમ અકાદમી, કેરળ કલામંડલમ અને માર્ગી થિયેટર એકસાથે આવી છે. આ સંસ્થાઓ દ્વારા મહોત્સવ દરમિયાન ત્રણ વિશિષ્ટ કથકલી પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે.
મહોત્સવની શરૂઆત સદાનમ અકાદમી દ્વારા રામાયણ પર આધારિત ‘મંદોદરી’ પ્રસ્તુતિથી થઈ હતી, જેમાં રાવણની અંતિમ ક્ષણો અને મંદોદરીની પ્રતિક્રિયા રજૂ કરાઈ હતી. ત્યારબાદ કેરળ કલામંડલમ દ્વારા અર્નેસ્ટ હેમિંગ્વેની નવલકથા પર આધારિત કથકલી ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ રજૂ થશે, જેમાં માછીમાર સેન્ટિયાગોનો સંઘર્ષ દર્શાવાશે. અંતે, ૨૦ સપ્ટેમ્બરે માર્ગી થિયેટર દ્વારા રાજા રુગમાંગદની ભક્તિ અને એકાદશીની આસ્થાની કસોટી દર્શાવતી ‘રુગમાંગદ ચરિતમ’ સાથે મહોત્સવનું સમાપન થશે.
કથકલી
કથકલી એ કેરળનું વિશ્વપ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્ય-નાટક છે, જે તેની રંગબેરંગી વેશભૂષા, ભારે મેકઅપ (ચટ્ટી) અને જટિલ હાવભાવ (મુદ્રાઓ) માટે જાણીતું છે.
ઇતિહાસ અને વિષયવસ્તુ
કથકલી 17મી સદીમાં કેરળમાં રામાટ્ટમ અને કૃષ્ણટ્ટમ જેવાં લોક કે શાસ્ત્રીય રૂપોમાંથી વિકસિત થયું છે જેમાં કોટ્ટારક્કારા તામ્પુરાનનો ફાળો અગ્રેસર છે. ત્રાવણકોરના રાજવી પરિવારો સહિત કેરળના અનેક રાજવીઓ અને રાજદરબારોએ કથકલીને આશ્રય આપ્યો હતો અને કથકલીના આધુનિક પુનરુત્થાન અને પ્રચારમાં કવિ વલ્લથોલ નારાયણ મેનનનું મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે.
કથકલીની કથાવસ્તુ મુખ્યત્વે રામાયણ, મહાભારત અને પુરાણો જેવી પૌરાણિક કથાઓ પર આધારિત છે અને અંતે સામાન્ય રીતે સત્ય અને ધર્મનો અસત્ય તથા અધર્મ પર વિજય દર્શાવવામાં આવે છે.
કથકલીની મુખ્ય વિશેષતાઓ
- નૃત્ય અને નાટ્યનું સંયોજન
- સંવાદ વિનાની અભિનય શૈલી
- સંપૂર્ણ વાર્તા હસ્તમુદ્રાઓ (ભાવો વ્યક્ત કરતી મુદ્રાઓ), આંખની ચોક્કસ ગતિ (નયન અભિનય) અને ચહેરાના હાવભાવ દ્વારા રજૂ
- શરીરની નિયંત્રિત અને શૈલીબદ્ધ ગતિ
- સંગીત અને તાલનું મહત્વ, જેમાં પાર્શ્વભૂમિમાં ગાયકો દ્વારા મણિપ્રવાલમ્ (મલયાલમ અને સંસ્કૃતનું મિશ્રણ) શૈલીમાં પદો ગવાય છે.
- ચેન્ડા, મદ્દલમ્, ઇડક્કા, સેંગ્ગલા, શંખુ નો મુખ્ય વાદ્યો તરીકે ઉપયોગ
પરંપરાગત વિશિષ્ટતાઓ
પરંપરાગત રીતે તમામ પાત્રો (સ્ત્રી પાત્રો સહિત) પુરુષો દ્વારા સમૂહમાં ભજવવામાં આવતા હતા (આધુનિક સમયમાં મહિલાઓ પણ જોડાય છે) અને ખુલ્લા મેદાનમાં દીવા (નિલવિલ્કુ) ના અંજવાળે આખી રાત ચાલનાર નાટક છે જે પંચમહાભૂતમાં આકાશનું પ્રતિનિધિત્વ કરે છે.
પ્રસિદ્ધ વ્યક્તિત્વ
કથકલી સાથે સંકળાયેલા પ્રસિદ્ધ વ્યક્તિત્વોમાં ગુરુ કુન્ઝુ કુરુપ, ગુરુ ગોપીનાથ, રીતા ગાંગુલી અને કોટ્ટક્કલ શિવરામનનો સમાવેશ થાય છે.
પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: પરંપરાગત કથકલી અંગે નીચેના પૈકી કયાં વિધાન સાચાં છે?
1. કથકલી તમિલનાડુ રાજ્યનું વિશ્વપ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્ય-નાટક છે.
2. પરંપરાગત રીતે સ્ત્રી પાત્રો સહિત તમામ પાત્રો પુરુષો દ્વારા ભજવાતા હતા.
3. કથકલીની રજૂઆત દીવા ‘નિલવિલ્કુ’ના અજવાળે કરવામાં આવતી હતી.
4. કથકલી પંચમહાભૂતમાં અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે.
A) માત્ર 1 અને 2
B) માત્ર 2 અને 3
C) માત્ર 2, 3 અને 4
D) 1, 2, 3 અને 4




