Dahod

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું દાહોદ પેકેજ-26નું કામ ચાર વર્ષે પણ અધૂરું

By GS Team
1 Sep 20263 mins read
TukuTouch Logo
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દાહોદ જિલ્લાના પેકેજ-26નું કામ 4 વર્ષથી વધુ સમયથી અધૂરું છે. આશરે ₹2150 કરોડના ખર્ચે મધ્યપ્રદેશ બોર્ડરથી ભાનપુરા સુધીના 32.07 કિલોમીટરના આ સેક્શનમાં 78% કામ પૂર્ણ થયું છે, જ્યારે 22% બાકી છે. ભૌગોલિક પડકારો અને સ્થાનિક વિરોધને કારણે વિલંબ થયો છે. જાન્યુઆરી-2026ની ડેડલાઈન ચૂકી જવાઈ છે, અને હજુ 5-6 મહિના લાગશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું દાહોદ પેકેજ-26નું કામ ચાર વર્ષે પણ અધૂરું

Delhi–Mumbai Expressway : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દાહોદ જિલ્લાના મહત્વપૂર્ણ પેકેજ-26નું કામ શરૂ થયાને ચાર વર્ષથી વધુનો સમય થયો હોવા છતાં કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. જેના કારણે દિલ્હીથી મુંબઈ સુધીના નોન-સ્ટોપ એક્સપ્રેસ વેના માર્ગમાં દાહોદનો આ સેક્શન મહત્વની કડી બની રહ્યો છે. કામમાં સતત વિલંબના કારણે સમગ્ર કોરિડોરના સંચાલન પર પણ તેની અસર જોવા મળી રહી છે.
ભારત માલા પરિયોજના અંતર્ગતનો દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવેનો આ સેક્શન જુલાઈ-2022માં આશરે રૂ.2150 કરોડના ખર્ચે મધ્યપ્રદેશ બોર્ડરથી લીમખેડા તાલુકાના ભાનપુરા સુધીના 32.07 કિલોમીટર લાંબા પેકેજ-26નું કામ એટલાસ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા શરૃ કરવામાં આવ્યું હતું. ભૌગોલિક પરિસ્થિતિ, સ્થાનિક આદિવાસીઓના હકોને લઈને થયેલા વિરોધ-પ્રદર્શન અને વિવિધ વિવાદોના કારણે આ પેકેજની કામગીરીમાં વિલંબ થયો હોવાનું સામે આવ્યું છે.
હાલની સ્થિતિ મુજબ પેકેજ-26નું આશરે 78 ટકા કામ પૂર્ણ થયું છે, જ્યારે 22 ટકા જેટલી કામગીરી હજુ બાકી હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડરથી આશરે 12 કિલોમીટર દૂર આવેલા મીરાખેડી ઇન્ટરચેન્જ આસપાસના ગામોને જોડતા એપ્રોચ બ્રિજનું કામ હજુ પૂર્ણ થયું નથી. આ ઉપરાંત ક્રેશ બેરિયર, સીસીટીવી કેમેરા, સ્પીડ કંટ્રોલ કેમેરા, રિફ્રેશમેન્ટ એરિયા અને સાઇનબોર્ડ જેવી મહત્વની કામગીરી પણ હજુ પ્રારંભિક તબક્કામાં છે.
આ પેકેજમાં દાહોદ માટે પ્રવેશ અને એક્ઝિટ પોઇન્ટ તરીકે મહત્વ ધરાવતા મીરાખેડી ઇન્ટરચેન્જના એપ્રોચ બ્રિજ તેમજ ઇન્ટરચેન્જને જોડતા માર્ગનું કામ હજુ બાકી છે. જો કે ઇન્ટરચેન્જ પર ટોલ પ્લાઝાનું માળખું ઉભું કરી દેવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ હજુ ફાઉન્ડેશનનું કામ ચાલી રહ્યું છે, જ્યારે અન્ય સ્થળોએ ફાઇનલ લેન માકગ અને બિટુમિન લેન માકગ સહિતની કામગીરી પૂર્ણ થવાની બાકી છે.
હાથીયાવનની પહાડીનું કટિંગ સૌથી મોટો પડકાર
પેકેજ-26ના મીરાખેડી ઇન્ટરચેન્જ બાદનો હાથીયાવનની પહાડીનો વિસ્તાર સૌથી પડકારજનક ભાગ છે. છેલ્લા બે વર્ષથી અહીં પહાડી કટિંગનું કામ ચાલી રહ્યું છે. મોટી મશીનરી, હિટાચી, હેવી બ્રેકર મશીનો તેમજ બ્લાસ્ટિંગની મદદથી પહાડી કાપીને એક્સપ્રેસવે માટે માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં 100 ફૂટથી વધુ ઊંડાઈ સુધી પહાડી કટિંગ કરીને માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કેટલીક જગ્યાએ બ્રિજનું કામ પણ બાકી છે, જ્યારે હાઇ-ટેન્શન લાઇનોના શિફ્ટિંગ બાદ કેટલાક વિસ્તારોમાં રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
જાન્યુઆરી-2026ની ડેડલાઇન વીતી, છતાં કામગીરી અધૂરી.!
પેકેજ-26નું કામ જાન્યુઆરી-2026 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ ઓગસ્ટ-2026 પૂર્ણ થયુ છતા પણ કામગીરી સંપૂર્ણ થઈ શકી નથી. વર્તમાન પ્રગતિને જોતા આ સેક્શનને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં હજુ પાંચથી છ મહિના જેટલો સમય લાગી શકે તેવી શક્યતા છે.
પેકેજ-25 પણ પેકેજ-26ના કારણે અટક્યું
મધ્યપ્રદેશના ટીંબાવાની ઇન્ટરચેન્જથી ગુજરાત બોર્ડર સુધીના પેકેજ-25નું કામ લગભગ બે વર્ષ અગાઉ જ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. પરંતુ પેકેજ-26માં સમાવિષ્ટ મીરાખેડી ઇન્ટરચેન્જ સુધીનો માર્ગ હજુ અધૂરો હોવાથી પેકેજ-25ને પણ સંપૂર્ણ રીતે ઓપરેશનમાં લઈ શકાયું નથી. જેમાં પેકેજ-26નું મીરાખેડી ઇન્ટરચેન્જ સુધીનું કામ પૂર્ણ થયા બાદ જ ટીંબાવાની ઇન્ટરચેન્જથી દાહોદ તરફનો માર્ગ ખુલી શકશે. બીજી તરફ લીમખેડાના ભાનપુરાથી ગોધરા તરફના આશરે 40 કિલોમીટરના પેકેજ-27 અને 28ના સેક્શનને વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.