ખુશી કપૂર 'મોમ-ટુ'માં શ્રીદેવીનો વારસો ઉજાળી બતાવશે?

- ખુશી પોતાની મમ્મી તો ઠીક, મોટી બહેન જેટલી પણ દેખાવડી અને ટેલેન્ટેડ નથી. એને સફળ થવા આકરી મહેનત પર જ મેદાર રાખવો પડશે.
જહાન્વી કપૂરે બોલિવુડમાં પોતાની ભલે આછી-પાતળી પણ જગ્યા બનાવી લીધી છે. પરંતુ એની નાની બહેન ખુશીની નૈયા હાલક-ડોલક છે. ખુશી કપૂરે એક્ટિંગમાં ડેબ્યુ તો કરી લીધું પણ પોતાની પ્રતિભા પુરવાર કરવામાં એ અત્યાર સુધી નિષ્ફળ રહી છે. ઝોયા અખતરની તમામ નવા સ્ટાર્સ સાથેની 'ધ આર્ચિઝ'માં બિટ્ટીના રોલથી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કર્યા બાદ એના ભાગે બે નબળી મૂવીજ આવી પહેલી ફિલ્મ હતી સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ સાથેની 'નાદાનિયાં' (૨૦૨૫) અને બીજી હતી આમિરના પુત્ર જુનૈદ સાથનેી 'લવયપ્પા' (૨૦૨૫). એક જ વરસમાં થોડા મહીનાના અંતરે રિલીઝ થયેલી ફિલ્મો બોક્સ-ઓફિસ પર એટલી ખરાબ રીતે પછડાઈ કે આખી ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ થઈ ગઈ. એમાં સૌથી વધુ નુકસાન સદ્ગત શ્રીદેવી અને બોની કપૂરની નાની પુત્રીને થયું. ખુશીની ખુશી જ છીનવાઈ ગઈ.
ખુશી આજે એક સફળ મુવીની શોધમાં છે. ખુદ ડેડી બોની કપરે એને સક્સેસફુલ સ્ટાર બનાવવાનું બીડુ ઝડપ્યું છે. એ માટે પ્રોડયુસર બોનીએ પોતાની સદ્ગત સુપરસ્ટાર, પત્ની શ્રીદેવીની છેલ્લી ફિલ્મ 'મોમ' (૨૦૧૭)ની સિક્વલ પર પસંદગી ઉતારી છે. અહીં નોંધવું ઘટે કે ફેબુ્રઆરી ૨૦૧૮માં શ્રીદેવીના આકસ્મિક નિધન બાદ એને મોનમ માટે બેસ્ટ એક્ટ્રેસનો મરણોત્તર એવોર્ડ એનાયત થયો હતો. એ ઉપરાંત આઈફામાં પણ આ મુવીએ એમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ અપાવ્યો. એટલે ખુશી જાણે છે કે ગિરીશ કોહલી દિગ્દર્શિત 'મોમ-૨' માં એણે પોતાની ગ્રેટ મોમના વારસો ઉજાળી બતાવવાનો છે. 'મોમ-૨' એના કરીઅર માટે અતિ મહત્ત્વની ફિલ્મ છે. ઓરિજિનલ મોમનું ડિરેક્શન રવિ ઉદયાવરે કર્યું હતું. પણ બોનીએ બીજૂનું સુકાન ગિરીશ કોહલીને સોંપ્યું છે. ફિલ્મ આ વરસે જ નવમેબરમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે અને એનું ઘણું બધુ શૂટિંગ નોયડા અને ગ્રીસમાં આટોપી લેવાયું છે.
'મોમ-૨'ની સ્ટારકાસ્ટમાં ખુશી ઉપરાંત જિશુ સેનગુપ્તા અને કરિશ્મા તન્ના પણ સામેલ છે. કરિશ્મા ખુશીની મોમનો રોલમાં છે.તાજેતરમાં માર્કેટિંગ પ્રોફેશનલ્સ માટે ફિલ્મના અમુક ભાગનું સિક્રેટ સ્કીનિંગ રખાયું હતું. સ્ક્રીનિંગ જોનાર અમુક સૂત્રોના જણાવવા મુજબ ફિલ્મમાં કરિશ્મા તન્નાએ 'કડક' પરફોર્મન્સ આપ્યું છે. પરંતુ ખુશી કપૂર એનું સરપ્રાઈઝ પેકેજ બની રહેશે. અત્યાર સુધીના પોતાના પ્રોજેક્ટ્સમાં શોભાના ગાંઠિયા જેવી કૃત્રિમ લાગતી સ્ટાર-કિડે 'મોમ-૨'માં એક્દમ નેચરલ એક્ટિંગ કરી હોવાનું કહેવાય છે. પોતાની સુપરસ્ટાર મમ્મીના વારસાને આગળ વધારવાની જવાબદારીનો બોજ રાખ્યા વિના મિસ કપૂર કેમેરા સાથે સહજ રહેવામાં સફળ રહ્યો છે.
ખુશી કપૂરની કરીઅર પાટા પર ચડાવવા બનાવાઈ રહેલી આ ફિલ્મને નવેમ્બરમાં રિલીઝ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. યોગાનુયોગે ૧૧ નવેમ્બરે બોની કપૂરનો બર્થડે છે અને 'મોમ-ટુ'સફળ થશે. તોએ ખુશીની પોતાની ડેડી માટેની સૌથી યાદગાર ગિફટ બની રહેશે. ખુશી પોતાની મોમ કે મોટી બહેન જેટલી દેખાવડી નથી. એટલે એને સફળ થવા આકરી મહેનત પર જ મેદાર રાખવો પડશે. 'મોમ-૨' માટે ઈન્ડસ્ટ્રી અને મિડિયામાં જે વાતો સંભળાઈ રહી છે એ એક માર્કેટિંગનો નુસખો પણ હોઈ શકે છે. ઘણા પ્રોડયુસર્સ ફિલ્મને સારુ ઓપનિંગ માટે એ માટે આવો હાઈપ ઊભો કરતા હોય છે. બોની કપૂરે જો આ સ્ટ્રેટજી અપનાવી હોય તો તેઓ પોતાની પુત્રીના કરીઅર માટે લાંબા ગાળાનું નુકસાન વહોરી રહ્યા છે.









