Chitralok

TV TALK

By GS Team
8 Oct 20264 mins read
TV TALK

વેંકટેશ પાંડે 'સારથિ' પુત્ર બનીને રાજી રાજી છે

લાગે છે વેંકટેશ પાંડેને પૌરાણિક ધારાવાહિકો ફાવી ગઈ છે. અથવા સીરિયલ સર્જકોને વેંકટેશ માયથોલોજિકલ શોઝ માટે વધુ યોગ્ય લાગે છે. કદાચ એટલે જ સોહામણા અને મોહક સ્મિત ધરાવતા અભિનેતાએ તેની અભિનય કારકિર્દીનો આરંભ 'મહાબલિ હનુમાન'થી કર્યો હતો. આ શ્રેણીમાં તેણે 'નળ'નું પાત્ર ભજવ્યું હતું. તેના સિવાય વેંકટેશે 'કાશીબાઈ બાજીરાવ બલ્લાલ' અને 'કસ્તુરી'માં કામ કર્યું છે. હાલના તબક્કે તે મહાભારતની કથા રજૂ કરતા શો 'હસ્તિનાપુર કે વીર'માં 'રાધે'ની ભૂમિકા ભજવી રહ્યો છે. કૌરવો અને પાંડવોના બચપણ તેમ જ તરૂણાવસ્થાની ધરી પર ફરી રહેલા આ શોમાં વેંકટેશ 'રાધા' (અભિનેત્રી રિચા સોની) અને 'અધિરથ' (આનંદ દેવ)નો પુત્ર છે. તેના માતાપિતા સાથે, ખાસ કરીને માતા સાથે 'રાધે' અંતરમનથી જોડાયેલો છે. આ શોમાં આવતો એક સંવાદ, 'આપ કો દર્દ હોતા હૈ તો પીડા મુજે હોતી હૈ'માં 'રાધે'ની માતૃભક્તિ દર્શાવે છે. કવચ-કુંડળ સાથે જન્મેલો આ 'સારથિ' પુત્ર ભવિષ્યમાં સારથિ નહીં, બલ્કે મહારથિ બનવાના સોણલાં જૂએ છે. જ્યારે તેના પિતા 'રાધે'ના આ શમણાંથી રાજી નથી. તેઓ હમેશાં 'રાધે'ને એ વાતની કાળજી લેવાનું કહેતાં રહે છે કે તેનું કવચ કોઈ જોઈ ન લે. અભિનેતા કહે છે કે આ શોમાં આટલું મહત્વનું પાત્ર મળતાં મારી ખુશીનો પાર નથી રહ્યો.

'ટાઈગર'ના ગુણોનો ભંડાર મુકુલ હરીશ

ટીવી પર આવતી સીરિયલોના કેટલાંક કિરદાર દર્શકો પર ઘેરી છાપ છોડે છે. તેમની અસામાન્ય બોલચાલ, રીતભાત, દેખાવ તેમને અન્ય પાત્રો કરતાં નોખાં તારે છે. 'પુષ્પા ઇમ્પોસિબલ'માં પછીથી ઉમેરાયેલું પાત્ર 'ટાઈગર' આવા કિરદારોમાં આવે છે. સાવ રફટફ, ઉધ્ધત, બેપરવા, મોંફાટ ટાઇગરની દરેક સ્ટાઈલ અન્ય કિરદારો કરતાં અલગ તરી આવે છે. આ ભૂમિકા ભજવી રહેલો અભિનેતા મુકુલ હરીશ કહે છે કે મેં 'ટાઈગર' બનવા વિશે પ્રયાસો કર્યાં હતાં. તે બહારથી જેટલો કઠોર છે એટલો જ ભીતરથી નરમ છે. વાસ્તવમાં તે ભીતરથી ભાંગેલો, ત્રસ્ત છે. તેના હૃદયમાં અગ્નિજ્વાળાઓ ભડકે બળે છે, જેની પીડા તેના ઉધ્ધત, અસભ્ય વર્તન દ્વારા છતી થાય છે. મેં આવી ભાષા, બોડી લેંગ્વેજ માટે અરીસા સામે ઊભા રહીને પુષ્કળ પ્રેક્ટિસ કરી છે. સાથે સાથે સેટ પર મારા સહકલાકારો સાથે પણ એવી જ ભાષામાં વાત કરું છું જેથી કેમેરા સામે 'ટાઈગર'ને સહજતાથી જીવંત કરી શકું. મારા રોલના ક્રોધ પાછળ સબળ કારણ છે. તે બહારથી નઠારો હોવા છતાં નરમદિલ છે. હું આ બંને વિરોધાભાસી ભાવનાઓ વચ્ચે સંતુલન જાળવી રાખવામાં કચાશ ન રહે તેની કાળજી લઉં છું. મુકુલ આ શોમાં 'પુષ્પા'નું મુખ્ય પાત્ર ભજવતી અભિનેત્રી કરૂણા પાંડેની પ્રશંસા કરતાં કહે છે કે અદ્ભૂત કલાકાર છે. વાસ્તવિક જીવનમાં પણ તેઓ અત્યંત ભલા છે. તેમણે મને ડગલેને પગલે ધૈર્યપૂર્વક સહકાર આપ્યો છે.

ઈશા સિંહ : શો બંધ થાય તેનું દુ:ખ વસમું હોય

કોઈ પણ શો પર ઓચિંતો પડદો પડી જાય એ તેના કલાકારો માટે જ નહીં, પણ કસબીઓ અને નાના કલાકારો માટે પણ અત્યંત વ્યથિત કરનારી ઘટના બની રહે છે-ભલે આ માટે કોઈ પણ કારણ જવાબદાર હોય. નિષ્ફળતા અત્યંત વિકટ હોય છે. તાજેતરમાં જ આવો કડવો અનુભવ અભિનેત્રી ઈશા સિંહને થયો. ઈશા અત્યારે 'જુહી મુઈ' શો કરી રહી છે. આ શોનો અંતિમ એપિસોડ ઓક્ટોબરમાં પ્રસારિત થશે. જો કે અભિનેત્રીને તો શરૂઆતથી જ જાણ હતી કે આ શો તો છેલ્લો છે. તે સ્વીકારે છે કે આ શોના અચાનક અંત માટે તે જરાય તૈયાર તો નહોતી જ!
એ સાચું આ એક અંતિમ શો બનવાનો હતો. ખબર તો હતી કે તે સમાપ્ત થવાનો છે, પરંતુ મને લાગ્યું કે અમારી પાસે બેથી ત્રણ અઠવાડિયાનું શુટિંગ બાકી છે. આથી જ્યારે તેમણે અમને અચાનક કહ્યું કે અમે પૂર્ણ કરી રહ્યા છીએ, ત્યારે હું તો રડી પડી. હું મારી જાતને એમ કહીને સમજાવતી રહી કે ઈશા આ તારો છેલ્લો શો નથી. તું તો આ ઇન્ડસ્ટ્રીમાં અગિયાર વર્ષથી છે, પરંતુ કેટલાક શો એવા હોય છે જ્યાં તમે એટલા જોડાયેલા અને ભાવનાત્મક રીતે સંકળાયેલા હો છો કે જ્યારે તે સમાપ્ત થાય છે ત્યારે ખૂબ જ દુ:ખ થાય છે, એમ તે કહે છે.
બદલાતા જતાં ટેલિવિઝન લેન્ડસ્કેપ પર પ્રતિબિંબ પાડતા ઈશા કહે છે કે શોનું ટૂંકુ સેલ્ફ-લાઈફ એ દર્શાવે છે કે ઉદ્યોગ કેટલો સ્પર્ધાત્મક બની ગયો છે. જોવા માટે તો ઘણું બધુ છે અને ઘણી બધી સામગ્રી ઉપલબ્ધ છે. કન્ટેન્ટની કમી નથી. દશ વર્ષ પહેલા જ્યારે હું આ ઉદ્યોગમાં સામેલ થઈ હતી ત્યારે ટિલિવિઝન એક મુખ્ય માધ્યમ હતું. ઓટીટી જેવું કશું જ નહોતું. હવે હું શું કામ કરીશ અને શું નહીં, તે નક્કી કરવું મુશ્કેલ છે, એમ તેણે જણાવ્યું હતું.
શો પૂરો જાવા આવ્યો છે, પણ ઈશાની બ્રેક લેવાની કોઈ યોજના નહોતી. મને બ્રેક જોઈતો નથી. હું તો ખરેખર કામ ચાલુ રાખવા માગું છું. છલ્લી વાર જ્યારે મેં કહ્યું હતું કે મને થોડાં સમય રજાની જરૂર છે ત્યારે મેં છ-સાત મહિના કંઈ કર્યું નહીં અને મને તે ગમ્યું પણ નહીં. જ્યારે હું કામ કરું છું ત્યારે મને સૌથી વધુ ખુશી અને આનંદ થાય છે, એમ 'બેકાબુ' અને 'સિર્ફ તુમ'ની અભિનેત્રી ઉમેરે છે.