તારા સુતારિયા : લાઇફને બહુ ગંભીરતાથી શા માટે લેવી?


- વેસ્ટર્ન ક્લાસિકલ ડાન્સ તેમજ સિંગિંગ શીખેલી તારા સુતારિયાએ બોલિવુડમાં બહુ લાંબો રસ્તો કાપવાનો છે... 

જો તમે ખુદ નાના હશો યા તો તમારા ઘરમાં કોઈ નાનું હશે તો તમને યાદ હશે કે થોડાં વર્ષો પહેલાં બચ્ચાઓ માટેની પોગો ચેનલ પર 'ધ સ્યુટ લાઇફ ઓફ કરન એન્ડ કબીર' નામની એક રમૂજી સિરીયલ આવતી હતી. તેમાં એક રુપકડી ટીનેજર છોકરી હતી. નાનકડી કેટરીના કૈફ જેવી ક્યુટ એ દેખાતી હતી. આ વખતે કોણે વિચાર્યું હતું કે આ કન્યા થોડાં વર્ષોમાં હિન્દી ફિલ્મની મેઇનસ્ટ્રીમ હિરોઈન બની જશે!

આ કન્યા એટલે તારા સુતારિયા. એને સૌથી પહેલાં બિગ સ્ક્રીન પર આપણે કરણ જોહરના બેનરમાં બનેલી  'સ્ટુડન્ટ ઓફ ધ યર-પાર્ટ ટુ'માં જોઈ હતી. પાર્ટ વનમાં કરણ જોહરે આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાને લોન્ચ કર્યા હતાં, તો પાર્ટ ટુમાં પ્રમાણમાં થોડા સિનિયર બની ગયેલા ટાઇગર શ્રોફની સાથે તારા સુતારિયા અને અનન્યા પાંડેને લોન્ચ કરી. પાર્ટ-વન જેવી સફળતા જોકે પાર્ટ-ટુને ન મળી, પણ અનન્યા અને તારાની ગાડી ચાલી નીકળી. તારાએ પછી 'મરજાવાં', 'તડપ', 'હીરોપંતી-ટુ' અને હમણાં છેલ્લે 'એક વિલન રિટર્ન્સ' જેવી ફિલ્મો કરી. આમાંની એકેય ફિલ્મ વખણાઈ નથી તો એમાં તારા ક્યાંથી વખણાય? 'એક વિલન રિટર્ન્સ' ફિલ્મે બજેટ જેટલો વકરો બોક્સઓફિસ પર કરી લીધો છે એટલે તેને માફકસરની સફળ ગણવી જ હોય તો ગણી શકાય. 

પારસી પરિવારમાંથી આવતી તારા પાક્કી બોમ્બે-ગર્લ છે. એ ક્લાસિક બેલે, મોડર્ન ડાન્સ અને લેટિન અમેરિકન ડાન્સ શીખી છે. સાત વર્ષની હતી ત્યારથી એ અંગે્રજીમાં ગીતો ગાય છે. અંગ્રેજી મ્યુઝિકલ નાટકોમાં એ કામ કરી ચૂકી છે. એની એક જોડિયા બહેન પણ છે, જે ફિલ્મી દુનિયાથી દૂર છે. 

'હું જ્યારે શૂટિંગ પૂરું કરીને પાછી ફરું છું ત્યારે અમારા ઘરમાં ક્યારેય ફિલ્મો વિશે ચર્ચા થતી નથી,' તારા કહે છે, 'ડાઇનિંગ ટેબલ પર કે ડ્રોઇંગ રુમમાં અમે બધાં બેઠાં હોઈએ ત્યારે બીજા બધા વિષયો પર જ વાતો ચાલતી હોય, ફિલ્મી ડિસ્કશન ક્યારેય ન થાય. ઘરમાં કોઈને મારા કામ વિશે પિષ્ટપિંજણ કરવાની જરુર લાગતી નથી. મને આવો જ માહોલ ગમે છે. મારા ઘરમાં કશું જ ફિલ્મી નથી. તમને અહીં ક્યારેય કોઈ ફિલ્મી ગોસિપ નહીં સંભળાય. બધું જ એકદમ નોર્મલ... કોઈ પણ સાધારણ ઘરમાં હોય એવું જ.'

તારા ફિલ્મી માહોલથી એટલી દૂર છે કે એનો આદર શાહ નામનો બોયફ્રેન્ડ પણ નોન-ફિલ્મી છે. પોતાના પ્રેમસંબંધના મામલામાં તારા ખાસ્સી નિખાલસ છે. એણે ક્યારેય મિડીયામાં 'ના, ના... હું તો સિંગલ છું' એવું કહ્યું નથી. 'આદરનું ફેમિલી મારા ફેમિલી જેવું જ છે,' એ કહે છે, 'બહુ જ હૂંફાળા અને ભલા છે એ લોકો. મને તેમના પ્રત્યે પુષ્કળ માન છે. હું મારા બોયફ્રેન્ડ પાસેથી પણ નાની-નાની વસ્તુઓની અપેક્ષા જ રાખું છું. જેમ કે, એ મને મોંઘીદાટ ગિફ્ટ્સ આપે એના કરતાં સવારે ખુદ મારા માટે ચા બનાવે તે મને વધારે ગમે. એ હાથેથી લખેલી લવ-નોટ્સવાળી ચિઠ્ઠીઓ મારા પર્સમાં, મારી બેગમાં મૂકીને મને સરપ્રાઇઝ કરે તો મને વધારે આનંદ આવે.'

તારા હજુ બોલિવુડની ઊભરતી સિતારા છે. હજુ એેણે સુપરહિટ ફિલ્મો આપવાની બાકી છે, પોતાના અભિનયથી ઓડિયન્સને તેમજ સમીક્ષકોને આંજવાના પણ હજુ બાકી છે. પણ તારા પાસે હજુ ઘણો સમય છે. એ ટેલેન્ટેડ તો છે જ. આઉટસાઇડર હોવા છતાં એણે બોલિવુડમાં પોતાની ભલે નાની તો નાની, પણ એક જગ્યા બનાવી છે. 'જિંદગીને વધારે પડતી ગંભીરતાથી લેવાની જરુર નથી,' તારા સમાપન કરે છે, 'સમયની સાથે વસ્તુસ્થિતિ બહેતર બનતી હોય છે. લોકોથી, પરિસ્થિતિઓથી ડરવાની જરુર નથી. પોતાનું મૂલ્ય કરતા શીખો અને ધીમે ધીમે પણ મક્કમ ડગલે આગળ વધતા રહો.'           

City News

Sports

RECENT NEWS