ઈજાગ્રસ્ત કલાકારો માટે સર્જરી-બ્રેક જ આખરી વિકલ્પ

- સોનુ નિગમને ડાબા હાથની રિંગ ફિંગરમાં એવી સમસ્યા સર્જાઈ હતી કે તેને શસ્ત્રક્રિયા કરાવ્યા વિના છૂટકો નહોતો. સંભવત: આર્થરાઈટિસની અસરને કારણે એની આ આંગળીમાં સમસ્યા પેદા થઈ હતી.
હમણાં હમણાં મનોરંજન જગતના, ખાસ કરીને ફિલ્મોદ્યોગના ઘણા કલાકારોને એક યા બીજી રીતે થયેલી ઈજાઓને કારણે શસ્ત્રક્રિયા કરાવવાની નોબત આવી છે. સ્વભાવિક રીતે સર્જરી કરાવ્યા પછી તેમને આરામ, ફિઝિયોથેરપી અને પુનર્વસન માટે ખાસ્સો સમય ફાળવવો પડયો છે.
લોકપ્રિય ગાયક સોનુ નિગમની જ વાત કરીએ તો તેના ડાબા હાથની રિંગ ફિંગરમાં એવી સમસ્યા સર્જાઈ હતી કે તેને શસ્ત્રક્રિયા કરાવ્યા વિના છૂટકો નહોતો. અભિનેતાએ કહ્યું હતું કે કદાચ આર્થરાઈટિસને કારણે મારી આ આંગળીમાં સમસ્યા થઈ હતી. ચારેક મહિના પહેલાં શસ્ત્રક્રિયા દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવ્યો હતો, પરંતુ આંગળીમાં ફરી મુશ્કેલી પેદા થઈ. જોકે સોનુ નિગમે 'શો મસ્ટ ગો ઓન'ને વળગી રહીને તેણે મોહમ્મદ રફીના નામે યોજાયેલા કાર્યક્રમ 'સુહાની રાત ઢલ ચૂકી'માં પરફોર્મ કરવાનું માંડી નહોતું વાળ્યું. સોનુએ કહ્યું હતું કે વ્યાવસાયિક પ્રતિબધ્ધતાને ધ્યાનમાં રાખીને મેં મારી સ્વાસ્થ્ય વિષયક સમસ્યાને નહોતી ગણકારી. પછીથી આઠમી ઓગસ્ટે મેં ફરીથી સર્જરી કરાવી હતી.
રશ્મિકા મંદાના પહેલી ઓગસ્ટે 'માયસા' માટે ડાન્સ સિકવન્સનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેને હિપ ઈન્જરી થઈ હતી. ડોક્ટરોએ તેને છ સપ્તાહ સુધી સંપૂર્ણ આરામ કર્યા પછી ફિઝિયોથેરપી અને છેલ્લે રિહેબિલિટેશન કરવાની સલાહ આપી હતી. અભિનેત્રી પોતાની સાજા થવાની પ્રક્રિયા દરમિયાન નિયમિત રીતે સોશ્યલ મીડિયા પર પોતાને કેટલી રિકવરી થઈ તેની જાણ કરતી રહી હતી.
અભિનેતા નન્દામુરી બાલકૃષ્ણ તેની આગામી ફિલ્મ 'એનબીકે ૧૧૧' માટે કપરા એકશન દ્રશ્યનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેના સંખ્યાબંધ સ્નાયુઓ ફાટી ગયા હતા. ૨૧મી જુલાઈએ સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે તબીબોએ અભિનેતાને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી. તેને શારીરિક શ્રમ પડે એવું કામ કરવાની સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. તેને માત્ર સાજા થવા પર ધ્યાન આપવાની તાકીદ કરવામાં આવી હતી. જોકે તેના કેટલા સ્નાયુઓ, કેટલા અંશે ફાટયા તેમજ તેના પુનર્વસન વિશે ચૂપકીદી સાધી રાખવામાં આવી હતી.
જુનિયર એનટીઆરને પણ ખભા પર ઈજા થઈ હતી. હૈદરાબાદની કેઆઈએમએસ હોસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી હતી. ૧૨મી ઓગસ્ટે ખભા પર શસ્ત્રક્રિયા કરવામાં આવ્યા બાદ ૧૩મી ઓગસ્ટે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે તબીબોએ તેને આઠ અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી. રિહેબિલિટેશન પછી તે ધીમે ધીમે બેથી ત્રણ મહિનામાં કામે ચડશે.




