Chitralok

બોલિવુડની હરીફાઇમાં સન્નીનો પંજો સંજુ અને અનિલ પર ભારે પડી ગયો

By GS Team
24 Sep 20263 mins read
બોલિવુડની હરીફાઇમાં સન્નીનો પંજો   સંજુ અને અનિલ પર ભારે પડી ગયો
  • આ સિનિયર હીરોલોગ આજની નવી પેઢીના સ્ટાર્સને બરાબરની ટક્કર આપી રહ્યા છે

હિન્દી ફિલ્મ જગતના પ્રવાહો જાણે કે બદલાઈ રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ફોડ પાડીને કહીએ તો જૂની પેઢીના અને મોટાં નામ ધરાવતા ત્રણ દિગ્ગજ અભિનેતાઓ હાલ બોક્સ ઓફિસ છલકાવી રહ્યા છે. સિનેમાગૃહના પડદા પર એંશીના દાયકાના આ ત્રણેય સ્ટાર્સ ફરી ઝળહળી રહ્યા છે અને તેમની ફિલ્મો ઉપરાછાપરી બોક્સ ઓફિસ ગજવી રહી છે. આપણે વાત કરી રહ્યા છીએ સન્ની દેઓલ, અનિલ કપૂર અને સંજય દત્તની.
બોલિવુડનાં આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સન્ની દેઓલ પોતાના સમકાલીન સાથી કલાકારો અનિલ કપૂર અને સંજય દત્તની સરખામણીએ ઘણી મોટી આગેકૂચ કરી રહ્યા છે. સન્ની દેઓલની 'ગદર-ટુ' (૨૦૨૩), 'જાટ' (૨૦૨૫) અને 'બોર્ડર-ટુ' (૨૦૨૬) એમ ઉપરાઉપરી ફિલ્મોએ ટિકિટબારી પર ધમાકો મચાવ્યો છે. તાજેતરમાં રજૂ થયેલી તેમની ફિલ્મ 'બટવારા' બોક્સ ઓફિસ પર ચાલી નહીં, પણ એના વખાણ ખૂબ થયા.
આમ તો આ ત્રણેયમાં સંજય દત્ત થોડા સિનિયર છે. સંજય દત્તની પ્રથમ ફિલ્મ 'રોકી' ૧૯૮૧માં રજૂ થઈ હતી. અનિલ કપૂરની મુખ્ય અભિનેતા તરીકેની ફિલ્મ 'વો સાત દિન' ૧૯૮૩માં આવી હતી, જ્યારે સન્ની દેઓલની ડેબ્યુ ફિલ્મ 'બેતાબ' પણ ૧૯૮૩માં જ રિલીઝ થઈ હતી. રસપ્રદ બાબત એ છે કે સંજુબાબા, અનિલ કપૂર અને સન્ની દેઓલ ત્રણેયની કારકિર્દી સુપરહિટ ફિલ્મોથી ભરેલી રહી છે. વિશેષ વાત એ પણ છે કે સન્ની દેઓલ અને અનિલ કપૂરને તેમના ઉત્કૃષ્ટ અભિનય બદલ નેશનલ એવોર્ડ્સ પણ પ્રાપ્ત થયેલા છે.
સતત સક્રિય રહેવાની બાબતમાં સંજય દત્ત અને સન્ની દેઓલ કરતાં અનિલ કપૂર હંમેશાં આગળ રહ્યા છે. ફિલ્મો ઉપરાંત તેમણે '૨૪' અને 'ધ નાઇટ મેનેજર' જેવી લોકપ્રિય વેબ સિરીઝમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી છે.
બોલિવૂડના વર્તુળો મુજબ, ફીની બાબતમાં હાલ સન્ની દેઓલ અનિલ કપૂર અને સંજય દત્ત કરતાં ઘણો આગળ નીકળી ગયા છે. સન્ની દેઓલ ફિલ્મદીઠ ૨૫ થી ૩૫ કરોડ રૂપિયા જેટલી તગડી રકમ મેળવી રહ્યા છે, જ્યારે અનિલ કપૂર ૮થી ૧૫ કરોડ અને સંજય દત્ત ૧૦થી ૧૨ કરોડ રૂપિયા ફી પેટે ચાર્જ કરે છે. ઉદાહરણ તરીકે, સન્ની દેઓલની 'ગદર-ટુ' (૨૦૨૩) રિલીઝ થઈ ત્યારે તેણે દેશ-વિદેશમાં કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા હતા. ભારતમાં ૫૨૫ કરોડ રૂપિયાથી વધુનો જંગી બિઝનેસ કરીને આ ફિલ્મ 'ઓલ ટાઇમ બ્લોકબસ્ટર' સાબિત થઈ. પરિણામે ફિલ્મ ઉદ્યોગમાં સન્ની દેઓલનું સ્થાન અને માન બંને બહુ ઊંચાં ગયાં. એટલું જ નહીં, સન્ની હવે બોલિવુડની ટોચની 'ખાન ત્રિપુટી' (શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન)ની સીધી હરોળમાં આવી ઊભા રહ્યા છે.આજે બોલિવુડમાં નવો પવન ફૂંકાઈ રહ્યો છે. ૮૦ના દાયકાના અને સરેરાશ ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા સન્ની દેઓલ, અનિલ કપૂર અને સંજય દત્ત બોક્સ ઓફિસના તેજીના તોખાર સાબિત થઈ રહ્યા છે, અને આજની નવી પેઢીના વિકી કૌશલ, રણબીર કપૂર તેમજ રણવીર સિંહ જેવા યુવા સ્ટાર્સને બરાબરની ટક્કર આપી રહ્યા છે.
સન્ની દેઓલ આગામી મેગા બજેટ ફિલ્મ 'રામાયણ'માં હનુમાનજીના પાત્રમાં જોવા મળશે. આ પૌરાણિક ભૂમિકા માટે તેને અંદાજે ૪૦ કરોડ રૂપિયા જેટલી જંગી ફી ચૂકવાઈ હોવાની જોરદાર ચર્ચા છે.
બીજી તરફ, અનિલ કપૂરની 'દિલ ધડકને દો' (૨૦૧૫), 'ટોટલ ધમાલ' (૨૦૧૯) અને ખાસ કરીને 'એનિમલ' (૨૦૨૩) ખૂબ મોટી સફળ રહી છે. જોકે ચર્ચા એવી પણ ચાલી હતી કે 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મ માટે અનિલ કપૂરે ૧૮ કરોડ રૂપિયાની માંગણી કરી હતી, જેના પગલે નિર્માતાઓએ તેના સ્થાને અર્શદ વારસીની પસંદગી કરી લીધી. વળી, 'ફાઈટર' અને તાજેતરની કેટલીક ફિલ્મો અપેક્ષા મુજબનો ચમકારો બતાવી શકી નહોતી.
રહી વાત સંજુબાબાની, તો 'કેજીએફ: ચેપ્ટર ટુ' (૨૦૨૨) માં અધીરાના પાત્ર માટે તેને ૧૦થી ૧૨ કરોડ રૂપિયા મળ્યા હતા. ત્યાર પછી 'લિયો' (૨૦૨૩), 'જવાન' (૨૦૨૩) અને 'ધુરંધર' જેવી ફિલ્મોમાં સંજય દત્તને મજબૂત પાત્રો મળ્યાં અને દર્શકોએ પણ તેમને વધાવી લીધા. તેની કેટલીક અન્ય ફિલ્મોને ભલે ધાયોે આવકાર ન મળ્યો હોય, પરંતુ દર્શકો આજે પણ સંજય દત્તની આગામી મહત્ત્વાકાંક્ષી ફિલ્મો 'ખલનાયક રિટર્ન્સ' અને 'વાસ્તવ'ની સિક્વલ માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.