FOLLOW US

સોનુ સુદ : જિંદગીનો પરફેક્ટ રોલ મને હવે મળ્યો છે...

Updated: Sep 22nd, 2022


- 'અગાઉ મારી ફિલ્મ 100 કરોડનું કલેક્શન કરી લે તો તે મને જીવનની મોટામાં મોટી સિદ્ધિ લાગતી. આજે એવું નથી લાગતું. જો તમે સમાજને કશુંક પાછા આપતા હો તો જ તમે સારી જિંદગી જીવી રહ્યા છો તેમ કહી શકાય.'

'કો રોનાકાળ ભલે પૂરો થઈ ગયો, પણ દરિદ્રતા એમની એમ છે. મારું ધ્યાન હવે ગરીબ બાળકોના ભણતર પર છે. એમને શિક્ષણ મળશે તો જ તેઓ કંઈક નોકરી-ધંધો કરી શકશે, માનભેર જીવન જીવી શકશે. ગરીબી સામે લડવાનું શ્રેષ્ઠ ઓજાર જો કોઈ હોય તો તે શિક્ષણ જ છે.'

આ શબ્દો સોનુ સુદ સિવાય બીજા કોના હોઈ શકે? કોરોનાકાળ દરમિયાન જે રીતે સોનુ સુદનું મદદગાર વ્યક્તિત્ત્વ પ્રગટ થયું હતું તે જોઈને સૌ ચકિત થઈ ગયા હતા.  એ પણ તરત સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ કંઈ દુખિયારાઓને મદદ કરવાનો દેખાડો કરી રહ્યા નથી. તેઓ જેન્યુઇન હતા, જેન્યુઇન છે. આ જ વાત સૌને સ્પર્શી ગઈ હતી. જો માણસ માત્ર છાપાં-ટીવી અને સોશિયલ મીડિયા પર છવાઈ જવા માગતો હોય તો એની શો-બાઝી બે-ચાર દિવસમાં ખતમ થઈ જાય. અહીં તો સોનુ સુદે આખા પેન્ડેમિક દરમિયાન શ્રમિકોને સલામત રીતે પોતપોતાના વતન પહોંચાડવાનું બીડું ઝડપ્યું હતું. એમણે ટ્વિટર પર જરુરતમંદ જોગ ટહેલ નાખી અને એમના પર વિનંતીઓનો વરસાદ વરસી ગયો. માત્ર બસો જ નહીં, એમણે આખેઆખા પ્લેન સુધ્ધાં બુક કર્યા. આ સિવાય તેમણે તબીબી સહાય અને ઓક્સિજન સિલિન્ડર પૂરા પાડયાં. અરે, છેક રશિયા, ફિલીપાઇન્સ અને ગુવાનાથી લોકોને એરલિફ્ટ કરીને ભારત પહોચાડયા. આ બધું મફતમાં થોડું જ થાય છે? મુંબઈમાં સોનુ સુદના ઘણા ફ્લેટ્સ વગેરે છે. એમાંથી આઠ પ્રોપર્ટી સોનુએ ગિરવે મૂકી દીધી છે.  

સહેજે સવાલ થાય કે સોનુમાં આ પરોપકારી વૃત્તિ ક્યાંથી પ્રગટી? 'મારી મમ્મી પ્રોફેસર હતી અને એ ગરીબ વિદ્યાર્થીઓને મફત ભણાવતી,' સોનુ કહે છે, 'મારા પપ્પાની દિલ્હીમાં બોમ્બે ક્લોથ્સ હાઉસ નામની કપડાંની દુકાન હતી. ફિલ્મોમાં આવ્યો તે પહેલાં હું પપ્પાને દુકાનના કામકાજમાં મદદ કરતો. પપ્પા દર અઠવાડિયે ગરીબો માટે લંગર (મફત જમણવાર) રાખતા. આમ, નાનપણથી જ મેં મારાં માબાપને જરુરતમંદ લોકોની મદદ કરતા જોયાં છે. મારામાં જે કંઈ સેવાવૃત્તિ છે તેના બધો જશ એમને જ મળે છે.'

સોનુ સુદે બોલિવુડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. હિન્દી ફિલ્મોના હીરોલોગને પણ સ્ક્રીન પર ઝાંખા પાડી દે એવું પ્રભાવશાળી અને સોહામણું તેમનું વ્યક્તિત્ત્વ છે. 'જોધા અકબર', 'શૂટઆઉટ એટ વડાલા', 'હેપી ન્યુ યર', 'ર... રાજકુમાર', 'સિમ્બા' વગેરે જેવી ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. એમાંય 'દબંગ'માં તેમનો છેદીલાલવાળો નેગેટિવ રોલ તો ખાસ્સો સફળ રહ્યો છે. તેઓ કહે છે, 'મુંબઈ હું એક્ટર બનવા જ આવ્યો હતો. ફિલ્મોમાં તો આજેય કામ કરું જ છું, પણ મને લાગે છે કે સૌથી પરફેક્ટ રોલ મને હવે મળ્યો છે... અને લોકોના સેવક તરીકેનો આ રોલ મારે આખી જિંદગી નિભાવવાનો છે. લાઇફ એટલે માત્ર બોક્સઓફિસ સક્સેસ જ થોડી છે? અગાઉ મારી ફિલ્મ ૧૦૦ કરોડનું કલેક્શન કરી લે તો તે મને જીવનની મોટામાં મોટી સિદ્ધિ લાગતી હતી. આજે એવું નથી લાગતું. જે સમાજે તમને મોટા કર્યા છે, સફળતા આપી છે એ સમાજને તમે કશું પાછા આપતા ન હો તો એનો અર્થ એ થયો કે તમે સારી જિંદગી જીવી રહ્યા નથી.'

સોનુએ પોતાના પિતાજીના નામ પરથી શક્તિસાગર પ્રોડક્શન્સ નામનું બેનર શરુ કર્યું છે અને મમ્મીની તેરમી પુણ્યતિથિ પર પ્રોફેસર સરોજ સુદ સ્કોલરશિપની પણ શરુઆત કરી છે. જો બધું સમુસૂતરું પાર પડયું તો એમના ફાઉન્ડેશનની શૈક્ષણિક પ્રવૃત્તિઓ આખા ભારતમાં ફેલાશે.  સોનુ સુદ કહે છે, 'મને ફિલ્મો માટે જોઈએ એટલો સમય જ મળતો નથી, કેમ કે લોકો મારી પાસે મદદ માટે નોન-સ્ટોપ આવ્યા જ કરે છે. સદભાગ્યે આજે મારી પાસે મોટી ટીમ છે, અમે નવા લોકોને રિક્રુટ કરી રહ્યા છીએ. મને લોકોની સેવા કરવામાં ખરેખર બહુ જ આનંદ આવે છે.'

સોનુ હાલ એક તમિલ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. તે પછી તેમની 'ફતેહ' નામની હિન્દી ફિલ્મ પણ આવશે. લગે રહો, સોનુ સુદ.

Gujarat
English
Magazines