Updated: Mar 16th, 2023
- 'મેં ત્રણ ત્રણ દશકથી હિન્દી ફિલ્મ નથી બનાવી તેમ છતાં લોકો મને બોલિવુડ ફિલ્મ સર્જક કહે છે ત્યારે નવાઇ લાગે છે. હા, 'મિસ્ટર ઇન્ડિયા' અને 'માસૂમ' માટે આમ કહેતા હોય તો જુદી વાત છે.'
શેખર કપૂરે હોલીવૂડ પ્રોજેક્ટ 'વોટ્સ લવ ગૉટ ટુ ડુ વિથ ઇટ?'થી સિનેમાજગતમાં વાપસી કરી છે. છેલ્લે તેણે 'એલિઝાબેથઃ ધ ગોલ્ડન એજ'(૨૦૦૭) બનાવી હતી. તેઓ કહે છે, 'હું ભારતની ફિલ્મી દુનિયાથી દૂર હતો તોય તેનાથી કપાયો નથી. મેં છેક ૩૦ વર્ષ પહેલા 'બેન્ડિટ ક્વીન'(૧૯૯૪) બનાવી હતી. મને એ વાતનું આશ્ચર્ય છે કે હજી સુધી લોકો મને બોલિવુડ દિગ્દર્શક શા માટે કહે છે? મેં ત્રણ ત્રણ દશકથી હિન્દી ફિલ્મ નથી બનાવી તેમ છતાં લોકો મને બોલિવુડ ફિલ્મ સર્જક કહે છે ત્યારે મને નવાઇ લાગે છે. હા, મને 'મિસ્ટર ઇન્ડિયા' (૧૯૮૭) અને 'માસૂમ' (૧૯૮૩) માટે બોલિવુડના ફિલ્મસર્જક કહેતા હોય તો જુદી વાત છે. પણ હું નથી જાણતો કે બોલિવુડ આખરે છે શું?'
શેખર કપૂરે લાંબા સમયથી ભારતમાં ફિલ્મ નથી બનાવી તેના વિશે તેઓ કહે છે, 'આ સમય દરમિયાન મેં ભારતની બહાર ફિલ્મો બનાવી છે. હું ફિલ્મો ઉપરાંત થિયેટર પણ કરતો હતો. હું વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો ભાગ હતો. મેં પર્યાવરણવાદી તરીકે પણ કામ કર્યું. ટૂંકમાં, હું હંમેશાં એક યા બીજા કામમાં વ્યસ્ત રહ્યો હતો. જ્યારે મને ફિલ્મ બનાવવા માટે સમય મળ્યો ત્યારે મેં એક સારી પટકથા લઇને 'વોટ્સ લવ ગૉટ ટુ ડુ વિથ ઇટ?' બનાવી.'
આ ક્રોસ-ઓવર પ્રેજેક્ટમાં એમા થોમ્પ્સન, લિલી જેમ્સ, શેઝાદ લતિફ અને શબાના આઝમી મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. આ રોમેન્ટિક કોમેડીમાં પ્રેમ, લગ્ન, સંબંધો અને આત્મીયતા ની જટિલતાઓને વણી લેવામાં આવી છે. શેખર કહે છે, 'આ ફિલ્મના પાત્રોને મોડે મોડે સમજાય છે કે અમારે માફ કરી દઇને શાંત રહેવું જોઇતું હતું. સંબંધો જાળવવા માટે આઇ લવ યુ... કહેવાની જરૂર નથી હોતી. પ્રેમ એટલેરહસ્ય. અને પ્રેમમાં રહેલી વ્યક્તિને એ રહસ્ય ઉકેલતાં આવડવું જોઇએ.'
આ ડેટિંગ એપનો જમાનો છે, પણ ફિલ્મમાં એરેન્જ મેરેજનો કોન્સેપ્ટ વણી લેવામાં આવ્યો છે. શેખર કહે છે, 'આ વિષયને પગલે જ મેં આ મૂવી બનાવી. આપણા જીવનમાં આપણને ગાઢ સંબંધો જોઇએ છે. શિશુ જન્મે કે તરત તેને તેની માતાની છાતીએ વળગાડી દેવામાં આવે છે. નવજાત શિશુ તે વખતે માતા સાથે ગાઢ નિકટતા અનુભવે છે. જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે પણ આપણે પોતાના હાથમાં કોઇકનો હાથ ઇચ્છતા હોઇએ છીએ. જન્મ અને મૃત્યુ વચ્ચેના વર્ષોમાં આપણે આપણે સંબંધોને કેવા ગૂંચવી નાખીએ છીએ. જો હું મારી સ્ત્રીમિત્રના ખભે હાથ મૂકું તો લોકો માની લે કે અમે ડેટ કરી રહ્યાં છીએ. આપણે એવા કેટલાક શબ્દો વિકસાવ્યા છે, જે આપણા સંબંધો અને ઇન્ટિમસીની ઇચ્છાને આડે આવે છે. ફિલ્મનો પાયાનો પ્રશ્ન એ જ છે કે જો તમે લગ્નથી પહેલાં સંભોગ નથી કર્યો તો વિવાહ પછી તમને પરસ્પર કેટલું ફાવશે તેની તમને શી રીતે જાણ થશે?'
આ આગામી ફિલ્મમાં શેખરે લાહોર સાથે સંકળાયેલી પોતાની સ્મૃતિઓ પણ ફિલ્મમાં આવરી લીધી છે. ફિલ્મનું શૂટિંગ લંડન અને લાહોરમાં થયું છે.