Updated: Mar 16th, 2023
- 'અગાઉ લોકો ફિલ્મ સારી છે કે નહીં તેની ચર્ચા કરતાં હતાં, પણ હવે માત્ર બોક્સ ઑફિસ પર કયા દિવસે કેટલી કમાણી થઇ તેની જ વાતો કરે છે.'
સામાન્ય રીતે નાના પડદે કામ કરતાં કલાકારો મોટા પડદે આવવા થનગનતા હોય છે. આવી સ્થિતિમં ૭૦ એમએમના પડદે સંખ્યાબંધ સફળ ફિલ્મો આપનાર કલાકાર ઓટીટી પર આવે ત્યારે આ માધ્યમના વધતા જતા પાવરની અનુભૂતિ થયા વિના ન રહે. આ કલાકારોની સૂચિમાં થયેલો લેટેસ્ટ ઉમેરો એટલે શાહિદ કપૂર. એની વેબ સિરીઝ 'ફર્ઝી'ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ અને ડીકેએ આ શો ડિરેક્ટ કર્યો છે. શોમાં સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ પણ છે.
છેલ્લા ઘણાં સમયથી દક્ષિણ ભારતની ફિલ્મોએ સર્વત્ર ધૂમ મચાવી છે તેથી જ્યારે શાહિદે સાઉથના ટોચના અભિનેતા સાથે આ વેબ સિરીઝ કરી ત્યારે એમ ધારી લેવામાં આવ્યું કે એેને પણ સાઉથના સહારે સફળતાની વૈતરણી પાર કરવી છે. જોકે આવી માનસિકતાથી શાહિદ થોડો નારાજ થાય છે. તે કહે છે, 'આપણે દક્ષિણ ભારતીય ફિલ્મોની સફળતાની વાતો કરતાં રહીએ છીએ, પરંતુ શું આપણે ત્યાં સારી ફિલ્મો બનાવવામાં નથી આવતી? શું ત્યાંની કોઇ પણ ફિલ્મ નિષ્ફળ ગઈ જ નથી? તો પછી આપણે માત્ર ત્યાંની સફળ ફિલ્મોની વાતો જ શા માટે કરીએ છીએ? આપણે અગાઉ ક્યારેય દક્ષિણ ભારતીય ફિલ્મોની ચર્ચા કેમ નહોતા કરતાં? અને આપણે ત્યાં જ ેગુણવત્તાહીન ફિલ્મો બને છે તેની વાત કેમ નથી કરતાં?'
અભિનેતા પોતાની જ વાત કરતાં કહે છે, 'મેં કેટલીક ક્વોલિટી ફિલ્મો કરી હતી, પરંતુ તેને બોક્સ ઑફિસ પર સફળતા નહોતી મળી. અલબત્ત, એમાંની કેટલીક ફિલ્મોની પ્રશંસા જરુર થઇ. હું જોઇ રહ્યો છું કે છેલ્લાં બે વર્ષથી લોકો દક્ષિણ ભારતની ફિલ્મોની પ્રશંસા અને આપણી ફિલ્મોની વગોવણી કરી રહ્યાં છે. તેઓ સફળ હિન્દી મૂવીઝ વિશે વાત કેમ નથી કરતાં? હું નથી માનતો કે દરેક સફળ ફિલ્મ સારી હોય છે. તેમાં પણ ઘણી ખામીઓ હોય જ છે. આમ છતાં લોકો આવી હિટ ફિલ્મોની પ્રશંસા કરે છે. હમણાં હમણાં હિન્દી ફિલ્મોને છેક જ વખોડવાનું, તેનો બહિષ્કાર કરવાનું ં ચલણ શરૂ થયું છે તે ખરેખર હાનિકારક છે. તેને કારણે કલાકારોમાં એવી ગ્રંથિ બંધાઇ જાય છે કે લોકો તેમને ત્યાં સુધી જ પસંદ કરે છે જ્યાં સુધી તેમની ફિલ્મો સફળ છે. આવી સ્થિતિ તેમને નિરૂત્સાહ કરે છે. મારી ફિલ્મ 'જર્સી'માં એ જ બતાવવામાં આવ્યું છે કે કોઇપણ વસ્તુની ભૂખ હોવી કેટલી જરૂરી છે. હું મારા પ્રોજેક્ટ્સ સાથે ભીતરથી જોડાઇ શકું છું, કારણ કે હું તેને માટે સખત પરિશ્રમ કરું છું. ચાહે તે 'હૈદર' હોય કે પછી 'કબીર સિંહ', 'ઉડતા પંજાબ', 'મૌસમ' અથવા 'ફર્ઝી'. આપણે એ સમજવું પડશે કે ગુણવત્તાસભર કામની સરાહના થવી જ જોઇએ. જ્યારે આજે આપણે માત્ર સફળતાની જ વાતો કરીએ છીએ. લોકો બોક્સ ઑફિસના આંકડાઓને જ સફળતાનું માપદંડ માની બેઠાં છે.'
શાહિદ ઉમેરે છે, 'અગાઉ લોકો ફિલ્મ સારી છે કે નહીં તેની ચર્ચા કરતાં હતાં, પણ હવે માત્ર બોક્સ ઑફિસ પર કયા દિવસે કેટલી કમાણી થઇ તેની જ વાતો કરે છે. અને તેની સીધી અસર કલાકારો અને ફિલ્મસર્જકો પર પડે છે. આપણે યુવાપેઢીને સફળતાની પાછળ દોડાવી રહ્યાં છીએ. જો તમારી સામે પડકારજનક કામ હશે તો તમે વધારે મહેનત કરીને તેને પાર પાડવાનો પ્રયાસ કરશો. છેવટે તમને તેમાંથી કાંઇક શીખવા તો મળશે જ. મારી 'જર્સી'ને ધારી સફળતા નહોતી મળી. આમ છતાં હું 'કબીર સિંહ' કરતાં તેમાંથી વધુ શીખ્યો. હા, તમારી સફળતામાં કિસ્મત પણ મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. 'જર્સી' વિલંબમાં પડયા પછી પણ ખોટા સમયે રજૂ થઇ તેથી થાપ ખાઇ ગઇ. આજે પણ મને એ વાતનો રંજ છે.'
સોશ્યલ મીડિયાના સમયમાં ભલભલા કલાકારોને નેટિઝનો પળભરમાં વખોડી કાઢે છે. બધા માટે ટીકા સહન કરવાનું સહેલું નથી હોતું. શાહિદ કહે છે, 'દરેક કલાકારે ક્યારેકને ક્યારેક તો લોકોની ટીકાઓનો સામનો કરવો જ પડે છે. અગાઉ સોશિયલ મીડિયા નહોતુ. આજે સૌના હાથમાં આ શસ્ત્ર આવી ગયું છે. કલાકારોએ પણ સોશિયલ મીડિયા પર સમજીવિચારીને કંઇ પણ પોસ્ટ કરવું જોઇએ. મારી નિકટના લોકો મારી ટીકા કરે ત્યારે હું તેને ગંભીરતાથી લઉં છું. મારાં સૌથી મોટા ટીકાકારો મારી પત્ની મીરાં અને ભાઇ ઇશાન ખટ્ટર છે. તેઓ મારા કામમાં જરાસરખી ઊણપ હોય તોય મારી ટીકા કરતાં વાર નથી કરતાં.'