સૌમ્યા ટંડન : કલાકાર માટે જોખમ ન લેવુંં પણ જોખમી


અ ભિનેત્રી સૌમ્યા ટંડને અત્યંત લોકપ્રિય શો 'ભાભીજી ઘર પર હૈં' છોડયો તેને બે વર્ષ થઇ ગયાં.આમ છતાં તેને પોતાના આ નિર્ણય બદલ કોઇ વસવસો નથી.તે કહે છે કે મેં સાડાપાંચ વર્ષ  સુધી આ રમૂજી ધારાવાહિકમાં 'અનિતા વિભૂતી નારાયણ શર્મા', એટલે કે 'ગોરી મે'મ'ની ભૂમિકા ભજવી હતી. જ્યારે મેં આ શો છોડવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણાં લોકોએ મને આવી ભૂલ ન કરવા ચેતવી હતી. પરંતુ હું મારા નિર્ણય પર અડગ રહી હતી. વાસ્તવમાં હું ટચૂકડા પડદે દોઢેક દશકથી લાગલગાટ કામ કરી રહી હતી. તેથી મને ટી.વી.ના પડદે રોજેરોજ  દેખાવાનો કોઇ અભરખો નહોતો રહ્યો.હું બીજું કોઇક કામ કરીને આગળ વધવા માગતી હતી.આજે મને એમ થાય છે કે મારો આ શો છોડવાનો નિર્ણય એકદમ સાચો હતો. જ્યાં સુધી હું આ ધારાવાહિક સાથે સંકળાયેલી હતી ત્યાં સુધી મને બીજું કાંઇપણ કરવા માટે જરાસરખી પણ ફુરસદ નહોતી મળતી. હું ખૂબ થાકી જતી.મેં શો છોડયો ત્યાર પછી કોરોના મહામારી ત્રાટકી. મેં મારા સ્વાસ્થ્ય અને પ્રવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. અને હવે હું ઘણો પ્રવાસ કરું છું, વિવિધ ચેટ શોઝ અને ઇવેન્ટ્સનું સંચાલન કરું છું. મને કાંઇક નવું નવું કરવાનું ગમે છે. આવા નાના કાર્યક્રમોને પગલે મને વચ્ચે વચ્ચે બ્રેક પણ મળતો રહે છે. 

અભિનેત્રીના પ્રશંસકોને હજી પણ લાગે છે કે શું તેને આટલો સફળ શો છોડવાનો જરાય અફસોસ નથી થયો? આના જવાબમાં સૌમ્યા કહે છે કે મને શો છોડવાનો રંજ ક્યારેય નથી થયો. આ શોમાં હું જેટલું વૈવિધ્ય આપી શકું તેમ હતી તે આપી દીધું હતું. ત્યાર પછી પણ તેમાં કામ કરવાનું જારી રાખવાનો અર્થ એ થયો કે હવે હું માત્ર કીર્તિ અને કલદાર માટે કામ કરી રહી છું. એક કલાકાર માટે આ યોગ્ય ન ગણાય. જ્યારે તમને એમ લાગે કે તમે તમારા કામનું પુનરાવર્તન કરી રહ્યાં છો અને દર્શકોને કાંઇ નવું નથી આપી રહ્યાં ત્યારે તમારે એ કામ છોડી દેવું જોઇએ. તે વખતે ઘણાં લોકોએ મને કહ્યું હતું કે ક્યાંક એવું ન બને કે તું ક્યાંયની ન રહે.આટલો સફળ શો છોડીને  તું બહુ મોટું જોખમ લઇ રહી છે. પરંતુ કલાકાર તરીકે મને કાંઇક નવું કરવા આવું જોખમ લેવું જ પડે તેમ હતું. અને આજદિન સુધી મને આ શોના સેટ પર જવાની ખોટ નથી સાલી. હા, હું આ ધારાવાહિકના લેખક-દિગ્દર્શક આસિત સાથે હજી પણ સંકળાયેલી છું. અમે દર મહિને ભેગાં થઇને કાવ્યપઠન કરીએ છીએ, ગીતો ગાઇએ છીએ.

જોકે સૌમ્યા હવે નવો શો હાથ ધરવા તૈયાર છે. તે કહે છે કે  'ભાભીજી....' છોડયા પછી અત્યાર સુધી હું વિવિધ કાર્યક્રમોનું સંચાલન કરતી આવી છું. પણ ટૂંક સમયમાં હું એક શો સાઇન કરવાની છું. કદાચ તે ઓટીટી પર હશે. તે વધુમાં કહે છે કે એવું નથી કે છેલ્લે કરેલો શો છોડયા પછી મને કોઇ ઑફરો જ નથી આવી. મને ઘણી ઑફરો આવી છે.પરંતુ શો  સારો હોય તો માધ્યમ સારું ન હોય. અને માધ્યમ સારું હોય તો મારા ભાગે મહત્વની ભૂમિકા ન આવતી હોય. આટલાં વર્ષના અનુભવ પછી હું ન તો પળભરનું ફૂટેજ મળે એવું કામ કરવા માગું છું કે ન કરવા ખાતર કોઇ કામ કરવા ઇચ્છું છું.જ્યાં સુધી કોઇ રસપ્રદ કામ ન મળે ત્યાં સુુધી મને કરવા ખાતર કોઇ કામ નથી કરવું.  

City News

Sports

RECENT NEWS