Chitralok

સૈફ અલી ખાનની હેવાનિયત

By GS Team
1 Oct 20263 mins read
સૈફ અલી ખાનની હેવાનિયત
  • 'હું પોતે પણ વિલનના રોલ્સમાંથી બ્રેક લેવા માગતો હતો. હમણાં થોડો સમય વિલન બનવાનો મારો કોઈ ઈરાદો નથી. નેગેટિવ કિરદારને દર્શકોની સહાનુભૂતિ નથી મળતી. પડદા પર તેને કંઈ પણ થાય તોય દર્શકોને કોઈ દુ:ખ નથી થતું.'

છેલ્લાં કેટલાંક વરસોમાં 'તાન્હાજી', 'આદિપુરુષ' અને 'દેવરા-૧' જેવી ફિલ્મોમાં નેગેટિવ પાત્રોમાં જામી ગયેલા સૈફ અલી ખાનને ફરીથી હીરો બનવાની ચાનક ચડી હોય તેમ તેણે તાજેતરમાં રજૂ થયેલી પોતાની ફિલ્મ 'હૈવાન'માં સકારાત્મક કિરદાર અદા કર્યું. આ સિનેમામાં અભિનેતાએ દ્રષ્ટિહીન મ્યુઝિશિયન અને માર્શલ આટસ્ટની બેવડી ભૂમિકા ભજવી છે.
'હૈવાન' રજૂ થઈ તેની પહેલાં સૈફે જણાવ્યું હતું કે, 'હવે મારા બંને પુત્રો થોડા મોટા થઈ ગયા છે. અલબત્ત, તેઓ જાણે છે કે હું ફિલ્મો માટે માત્ર અભિનય કરી રહ્યો છું, આમ છતાં આ વખતે મેં હીરોની ભૂમિકા ભજવી તે તેમને વધુ ગમ્યું છે. જોકે હું પોતે પણ વિલનના રોલ્સમાંથી બ્રેક લેવા માગતો હતો અને હમણાં થોડો સમય વિલન બનવાનો મારો કોઈ ઈરાદો નથી. નેગેટિવ કિરદારને દર્શકોની સહાનુભૂતિ નથી મળતી. પડદા પર તેને કંઈ પણ થાય તોય દર્શકોને કોઈ દુ:ખ નથી થતું. આ ભૂમિકા મારા માટે ખાસ્સી પડકારજનક હતી. 'હૈવાન'નો હીરો અંધ હોવા છતાં બાળકોને સંગીત અને કુસ્તી શીખવતો હતો. તેની શ્રવણશક્તિ અત્યંત તેજ હતી. મેં જ્યારે આ રોલ હાથમાં લીધો ત્યારે થોડો ચિંતિત હતો કે ક્યાંક હું તેમાં બનાવટી ન લાગું. પરંતુ મેં અગાઉ એવી ઘણી જાપાનીઝ સમુરાઈ ફિલ્મો જોઈ હતી જેમાં અંધ વ્યક્તિ માત્ર અવાજ પારખીને સઘળું અનુભવી લે છે અને બહાદુરીપૂર્વક લડત પણ આપી શકે છે. આવી ફિલ્મો જોયા પછી મને ખાતરી થઈ હતી કે હું પણ આ પ્રકારનું પાત્ર પડદા પર જીવંત કરી શકીશ.'
જોકે દર્શકો તરફથી અભિનેતાના આ નવા પ્રયાસને ધાર્યાે પ્રતિસાદ નથી સાંપડયો અને બોક્સ ઓફિસ પર ફિલ્મને અપેક્ષિત સફળતા મળી નથી. અલબત્ત, તેને માટે માત્ર એકલા સૈફને જ જવાબદાર ન ઠેરવી શકાય. પરંતુ જો કોઈ ફિલ્મની અપ્રતિમ સફળતાનો મોટો યશ હીરોના ફાળે જતો હોય, તો સ્વાભાવિક રીતે નિષ્ફળતાનું ઠીકરું પણ તેના માથે જ ફૂટે.
ખેર, એવું નથી કે સૈફની કારકિદીમાં પહેલીવાર આવો મુશ્કેલ તબક્કો આવ્યો છે. તેણે ભૂતકાળમાં પણ ઘણાં જોખમો લીધાં છે અને કરીઅરમાં અઢળક પ્રયોગો કર્યા છે. પછી ભલે તે 'એક હસીના થી' અને 'ઓમકારા' જેવી નેગેટિવ રોલ ધરાવતી ફિલ્મો હોય કે પછી 'ગો ગોવા ગોન' જેવી ડાર્ક ઝોમ્બી કોમેડી. તેણે 'રહેના હૈ તેરે દિલ મેં' અને 'ના તુમ જાનો ના હમ'માં સેકન્ડ લીડ પણ સ્વીકારી હતી. સૈફ સ્વયં નિખાલસતાથી કહે છે, 'શરૂઆતના દિવસોમાં મેં ક્યારેય મારી જાતને ગંભીરતાથી નહોતી લીધી. મારે શું કરવું છે એનું કોઈ ચોક્કસ આયોજન મારી પાસે નહોતું. જે તે સમયે જે ગમ્યું તે કરતો રહ્યો અને પરિણામે કેટલીક તદ્દન નબળી ફિલ્મો પણ કરી બેઠો. જોકે બાદમાં મને ખરેખર અભિનય પ્રત્યે ઊંડો પ્રેમ જાગ્યો. મને સમજાયું કે મારી સ્થિતિ વધારે મજબૂત હોવી જોઈએ. આ અનુભૂતિ થયા પછી મેં ગંભીરતાપૂર્વક કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને તેનાં મીઠાં ફળ પણ મળ્યાં. મને 'કલ હો ના હો' અને 'હમ તુમ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો મળી અને લોકો મને સફળ હીરો તરીકે સ્વીકારવા લાગ્યા. જો તમે મારી શરૂઆતની 'આશિક આવારા' કે 'પરંપરા' જેવી ફિલ્મો જોઈ હશે તો ખ્યાલ આવશે કે તેમાં હું કોઈ પણ રીતે પરિપક્વ હીરો જેવો નહોતો લાગતો. પરંતુ ધીમે ધીમે હું મેચ્યોર થતો ગયો અને આગળ વધતો રહ્યો.'