For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાઇ માંજરેકર: ધીરગંભીર અદાકારા પેટ પકડીને હસાવશે

Updated: Jan 19th, 2023

Article Content Image

સાઇ માંજરેકર: ધીરગંભીર અદાકારા પેટ પકડીને હસાવશે

સાઇ માંજરેકરના 'મેજર'ના અભિનયે દર્શકોના દિલ જીતી લીધાં છે. અને હવે તેની  કૉમેડી મૂવી 'કુછ ખટ્ટા હો જાય' આવવાની છે. આ ફિલ્મ દ્વારા ગાયક ગુરુ રંધાવા બોલીવૂડમાં પદાર્પણ કરી રહ્યો છે. સાઇ આ સિનેમામાં પહેલી વખત કૉમેડી કિરદાર અદા કરી રહી છે.જી. અશોકના દિગ્દર્શનમાં  બનેલી આ ફિલ્મમાં પીઢ અભિનેતા અનુપમ ખેર અને ઇલા અરૂણ પણ છે.

'કુછ ખટ્ટા હો જાય' જેવું ટાઇટલ જ  સામી વ્યકિતને પોતાના તરફ આકર્ષે તેવું છે. સાઇ પણ આ વાત કબૂલતાં કહે છે કે મને પોતાને પણ આ ટાઇટલ એટલું બધું ગમી ગયું હતું કે હું આ મૂવી કરવા તૈયાર થઇ ગઇ. આપણને આવા અસામાન્ય ટાઇટલ્સ ભાગ્યે જ જોવા મળતાં હોય છે.અલબત્ત, જ્યારે મારી પાસે આ સિનેમાની ઑફર આવી ત્યારે મેં તેના વિશે ઊંડાણપૂર્વક જાણવાનો પ્રયાસ કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે સાઇ આ ફિલ્મના માધ્યમથી પોતાની શરમાળ યુવતીની ઇમેજ તોડી નાખશે. સાઇ પોતે પણ આ વાતને સમર્થન આપતાં કહે છે કે મને તો આ મૂવીના માધ્યમથી મારી અત્યાર સુધીની છબિ બદલવાની તક મળી ગઇ છે. મેં 'મેજર' અને 'દબંગ-૩'માં આ પ્રકારના કિરદાર અદા નહોતાં કર્યાં.આ મૂવીમાં મને કૉમેડી કરવાનો મોકો મળ્યો  છે. હું શારીરિક રીતે પણ તેમાં વધુ  સક્રિય રહી છું.વળી 'મેજર'માં  મારી ભૂમિકા અત્યંત ભાવનાત્મક હતી. સ્વાભાવિક રીતે જ  આવી ફિલ્મ કરતી વખતે મન પર એક પ્રકારનો ભાર રહે. પરંતુ 'કુછ ખટ્ટા હો જાય'ના સેટ પર અમે  ખડખડાટ હસતાં.

સાઇએ આ ફિલ્મનું પહેલું શેડયુઅલ નવેમ્બર મહિનામાં પૂરું કરી લીધું  હતું. અન ેબીજી ડિસેમ્બરે આગ્રા ખાતે તેના બીજા શેડયુઅલનું શૂટિંગ સમાપ્ત કર્યું.અદાકારા વધુમાં કહે છે કે દિલ્હીમાં બધા રાજ કચોરી અને અન્ય ચાટ ઝાપટતાં હતાં ત્યારે હું મારું ડાયટ ફૂડ ખાતી હતી. બધાને આવી સ્વાદિષ્ટ વાનગીઓ ખાતાં જોઇને મારા મોઢામાં પાણી આવતું.પરંતુ મારી પાસે ડાયટ ફૂડ ખાવા સિવાય કોઇ વિકલ્પ નહોતો. છેવટે શૂટિંગ પૂરું થયું તે દિવસે મેં પણ આ બધી ચટપટી વાનગીઓનો સ્વાદ લીધો.

અભિનેત્રી જી. અશોક  સાથે કામ કરવાના  અનુભવ વિશે કહે છે કે મેં તેમની ફિલ્મ 'દુર્ગામતી' જોઇ હતી. તેથી મને તેમના કામની ખબર હતી. સેટ પર મેં નોંધ્યું હતું કે તેઓ પોતાને શું કરવું છે તેમ જ પોતાના કલાકારો પાસેથી તેમને શું જોઇએ છે એ બાબતે એકદમ સ્પષ્ટ હતાં. તેઓ બધા કલાકારો સાથે બહુ સરસ રીતે વાત કરતાં.મારા માટે કૉમેડી એકદમ નવો વિષય હતો. પરંતુ તેમણે મને મારા દૃશ્યો એટલી સરસ રીતે સમજાવ્યાં હતાં કે હું મારું કામ બહુ આસાનીથી કરી શકી. મહત્વની વાત એ છે કે જી. અશોક અને તેમની ટીમ હૈદરાબાદની હતી જ્યારે ે અન્ય કલાકારો પંંજાબના હતાં.એકલી હું જ મહારાષ્ટ્રીયન હતી. પણ સેટ પર બધી સંસ્કૃતિઓનો સુંદર સમન્વય સર્જાયો હતો.

અદિવિ સેશે સઇ સાથે 'મેજર' દ્વારા બોલીવૂડમાં શુભારંભ કર્યો હતો. આમ અત્યાર સુધી સઇ સાથે બે કલાકારોએ હિન્દી ફિલ્મોદ્યોગમાં ડગ માંડયાં છે.અને અભિનેત્રી આ બાબતે પોતાને નસીબદાર માને  છે. તે કહે છે કે મોટાભાગના લોકો મને એમ કહે છે કે હું આ બંને કલાકારો માટે નસીબવંતી છું. પણ હું આવો કોઇ યશ લેવા નથી માગતી. વાસ્તવમાં આ બંને કાલકારો એટલાં સરસ છે કે હું તેમની પાસેથી કાંઇને કાંઇ શીખી હતી.તેઓ કામ કરતાં ત્યારે હું તેમને ધ્યાનઇપૂર્વક જોતી.તે વધુમાં કહે છે કે 'મેજર' પછી મારો સ્વભાવ ઘણાં અંશે બદલાઇ ગયો છે. સેશ સાથે રહીને મારામાં નવા પ્રકારની સમજણ વિકસી છે. જ્યારે ગુરું મને આખો વખત સલાહસૂચનો આપતો  રહેતો. તે બહુ રમૂજી છે.વળી તેને અભિનય સહજ સાધ્ય છે. કેમેરા સામે જતાં જ તે અનુભવી કલાકારની સહજતાથી પોતાના દૃશ્યો આપે શકે છે.

સાઇને  હવે વિવિધ પ્રકારની ભૂમિકાઓ અદા કરવી છે. તે કહે છે કે કલાકાર તરીકે મને અલગ અલગ ક્ષેત્રે ખેડાણ કરવું છે. મને એવા કિરદાર અદા કરવા છે જેમાં હું પોતાને જ પડકાર આપી શકું.


Gujarat