રોહિત સરાફ : 'ધ રિવોલ્યુશનરી' સચિન્દ્ર સાન્યાલ

- 'સ્ક્રીન પર અમારી કેમેસ્ટ્રી સરસ લાગે છે, પરંતુ એનો અર્થ એવો નથી કે અમારી વચ્ચે ખરેખર રોમાન્ટિક સંબંધ છે. કલાકારો પોતાનાં પાત્રોને ઊંડા ઉતર્યા હોય ત્યારે જ એમનો ઓન-સ્ક્રીન રોમાન્સ વાસ્તવિત લાગે.'
સદ્ગત સુશાંત સિંહ રાજપૂતની જેમ રોહિત સરાફે પણ સ્મોલ સ્ક્રીનપરથી બિગ સ્ક્રીન પર આવી નામના મેળવી છે. કાઠમંડુમાં જન્મેલા ૩૦ વરસના રોહિતે કોમેડી ટીવી સિરીયલ 'ડિયર ઝિન્દરી' (૨૦૧૬)થી એક્ટિંગમાં પદાર્પણ કર્યું. સિરિયલો કર્યા પછી જે વરસમાં એને ફિલ્મો મળવા લાગી રોહિતની ફિલ્મોગ્રાફીમાં 'હિચકી' (૨૦૧૮), 'સ્કાય ઇઝ પિન્ક' (૨૦૧૯) અને ડાક્ક કોમેડી 'લુડો' (૨૦૨૦) સામેલ છે. છેલ્લે ૨૦૨૫માં વરુણ ધવન સાથેની એની મૂવી 'સની સંસ્કારી કી તુલસી કુમારી' રિલીઝ થઇ હતી, જે સદંતર ફ્લોપ ગઇ. સરાફ આજકાલ નિખીલ અડવાણીની ભારતના રાસ બિહારી બોસ જેવા ક્રાંતિકારીઓ પર આધારિત વેબ સિરીઝ 'ધ રિવોલ્યુશરીઝ' ને કારણે ન્યુસમાં છે. ૮ એપિસોડની સિરીઝમાં ભુવન બામના રાસ બિહારી બોસ જેટલો જ એનો યુવાન ક્રાંતિકારી સચિન્દ્રનાથ સાન્યાલનો રોલ વખણાયો છે. 'મિસ મેચ્ડ' બાદ હેન્ડસમ એક્ટરને મળેલી આ બીજી નોંધપાત્ર સફળતા છે.
'ધ રિવોલ્યુશનરીઝ'નું બીજું મોટું આકર્ષણ છે, રોહિત સરાફ અને 'લાપતા લેડીઝ' ફેમ પ્રતિભા રાંટાની રોમાંટિક જોડી વચ્ચેની અદ્ભુત કેમેસ્ટ્રી. આ દિલધડક શોમાં પ્રતિભા એક બુદ્ધિશાળી અને સાહસિક ફ્રીડમ ફાઇટરનું અદ્ભુત નિરૂપણ કર્યું છે.
લાહિરી પોતાના પાડોશમાં વસતા ક્રાંતિકારી યુવાન સચિન સાન્યાલના ગળાડુબ પ્રેમમાં છે અને બ્રિટીશ શાસન સામેની લડતમાં એની સાથે ખભેખભા મિલાવી કામ કરે છે. રોહિત અને પ્રતિભાએ સિરીઝમાં પોતાના લવ એન્ગલનું એટલું સચોટ નિરૂપણ કર્યું છે કે લોકો બંને એક્ટર્સ સાચે જ પ્રેમમાં હોવાનું માનવા લાગ્યા છે. સોશ્યલ મિડીયા પર બંનેના ડેટિંગની અફવા જોરશોરથી ચાલી રહી છે. હમણાં એક પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં રોહિતને એ વિશે પૂછાતા એણે મિસ રાંટા સાથેના રોમાંસને સદંતર રદીયો આપી થોડું લેક્ચર આપી દીધું, 'સાવ ખોટી વાત છે. એ કોરી અફવા જ છે. વાત એમ છે કે જ્યારે પણ બે એક્ટર્સ પડદા પર રોમાંટિક દ્રશ્યોમાં સાથે દેખાય છે ત્યારે આવી વાતો આપોઆપ થવા લાગે છે, આવું બધા સાથે થાય છે. હું કોઈ સાથી એક્ટ્રેસ સાથે જાહેરમાં દેખાઉં એટલે ત્યારે આવો જમેલો શરૂ થઈ જાય. આ બધી વાતોને જરાય સિરીયસલી લેવાની જરૂર નથી. અહીં હું લોકોને એમ કહેવા ઈચ્છીશ કે, આવા ગપગોળા અમારા માટે દુર્ભાગ્યપૂર્ણ બની રહે છે. લોકોમાં એવી છાપ પડે છે કે અમે ઈરાદાપૂર્વક પબ્લિસિટી માટે રોમાંસની વાતો ચગાવી રહ્યા છીએ. હકીકતમાં બે એક્ટર્સ સાથે કામ કરે અને એમની વચ્ચે સાસે તાલમેલ હોય તો સ્ક્રીન પર એમની કેમેસ્ટ્રી દેખાય છે. અમારી પણ સ્ક્રીન પર બહુ સરસ કેમેસ્ટ્રી છે. પરંતુ કેમેસ્ટ્રીનો મતલબ દરેક વખતે રોમાંસ નથી હોતો. બંને કલાકારો પોતાના પાત્રોને એન્જોય કરતા હોય ત્યારે જ એમનો રોમાંસ વાસ્તવિત લાગે.'
દિલ્હીમાં ઉછરેલો રોહિત ૧૨ વરસનો હતો ત્યારે એણે પિતાની છત્રછાયા ગુમાવી. આટલા વરસે પણ એ પોતાના પપ્પાને ભૂલ્યો નથી. સરાફ પોતાની સફળતા પાછળ પિતાના આશીર્વાદ હોવાનું માને છે. એક્ટર ઈમોશનલ ટોનમાં કહે છે, 'મારો અંતરાત્મા એવું કહે છે કે આજે મારી લાઈફમાં જે કાંઈ પણ બની રહ્યું છે એ બધુ પાપાને કારણે છે. હું ૧૫ વરસથી ઈન્ડસ્ટ્રીમાં છું અને સદ્નસીબે મારો પ્રવાસ બહુ સરસ રહ્યો છે. એ દરમ્યાન જે સંઘર્ષ કરવો પડયો અને જે પડકારો આવ્યા એની સામે ઝીંક જેલવાનું સાહસ પિતાના આશિષથી આવ્યું. એટલે જ હું મારી તમામ સફળતાનો શ્રેય પાપાને આપું છું. અને મારી મોમનું યોગદાન પણ ઓછું નથી, મને અહીં ્ક પ્રસંગ યાદ આવે છે, નોયડાની એમિટી યુનિવર્સિટીમાં હું મારી ફિલ્મ ધ સ્કાય ઈઝ પિન્કની પ્રમોશનલ ઈવેન્ટમાં હાજરી આપવા ગયો હતો. હજારો લોકો મારું નામ પોકારી રહ્યા હતા. એ વખતે પ્રિયંકા ચોપરાએ મને સ્ટેજ પર બોલાવી મારો પરિચય આપ્યો. એનો વિડીયો લાઈવ હતો અને મમ્મી પણ એ જોતી હતી. પછીથી મોમે મને કહ્યું કે બેટા, એ બધુ જોઈને મને એવું થયું જાણે હું કોઈ સારું સપનું જોઈ રહી હોઉં. આ બધી લાગણી સાથે રાખીને હું ચાલી રહ્યો છું. મનમાં સમજું છું કે એક એક્ટર તરીકે ટકી રહેવું કેટલું મુશ્કેલ છે.'




