For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રિતેશ-જેનેલિયા : બીસ સાલ બાદ... .

Updated: Jan 19th, 2023


- રિતેશ-જેનેલિયા : બીસ સાલ બાદ... 

બો લીવૂડમાં ભાગ્યે જ કોઈ એવું એક્ટર કપલ  હશે, જેણે એકીસાથે કોઈ સીમાચિન્હ સર કર્યું હોય. રિતેશ દેશમુખ અને એની પત્ની જેનેલિયા દેશમુખને આ બાબતમાં બડભાગી કહેવા પડે. એમણે બંનેએ ગઈ ૩ ડિસેમ્બરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે દાયકા પૂરા કર્યા. ૨૦૦૩માં બંનેએ 'તુઝે મેરી કસમ' નામની ફિલ્મમાં સાથે એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું અને ૨૦૨૩માં મરાઠી યુગલની મરાઠી ફિલ્મ 'વેડ' રિલિઝ થઈ છે. રિતેશે આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે અને ફિલ્મને મળેલા રિસ્પોન્સથી દેશમુખ દંપતિ બહુ ખુશ છે.

ઇન્ડસ્ટ્રીમાં ૨૦ વર્ષ પૂરા કરવા નિમિત્તે એમણે તાજેતરમાં એક પાર્ટી રાખી હતી, જેમાં સિલેકટેડ મીડિયાપર્સન્સને ઇન્વાઇટ કરાયા હતા. રિતેશ અને જેનેલિયાએ પાર્ટીમાં મીડિયા સાથે ઇન્ફોર્મલ ઇન્ટર-એક્શન રાખી પોતાની ખુશી એમની સાથે વહેંચી હતી. મીડિયાએ રિતેશ કરતા જેનેલિયાને વધુ પ્રશ્નો કર્યા હતા કારણ કે 'વેડ'માં એની ભૂમિકા સૌથી મહત્ત્વની છે.

સૌપ્રથમ શ્રીમતી દેશમુખને એવું પૂછાયું કે 'વેડ'માં તમારા રોલ સાથે તમે કઈ રીતે કનેક્ટ થઈ શક્યા? પાત્ર સાથેનું તમારું  સંધાન  કઈ રીતે શક્ય બન્યું? એના જવાબમાં જેનેલિયાએ બહુ સહજતાથી કહ્યું, 'હું કોઈ પણ મિડલ ક્લાસ યુવતિ જેવી જ છું. એટલે મેં વધુ પડતી ગ્લેમરસ ભૂમિકાઓ કરવાનો કદી પ્રયત્ન નથી કર્યો. મને લાગે છે કે વેડમાં મને એ મિડલ ક્લાસ કનેક્શન કામ લાગ્યું. એને ઈશ્વર-કૃપા જ કહેવાય. સાઉથમાં હું ફિલ્મના શૂટીંગ માટે જતી ત્યારે ત્યાંના લોકો મને કહેતા કે તું અમારા ફેમિલી મેમ્બર જેવી જ છે. મરાઠી પ્રજા પાસેથી પણ મને આવું કોમપ્લિમેંટ મળ્યું છે. મારે મને આ બહુ મોટી વાત છે. મેં જે છ જુદી જુદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે એ બધામાં મને આ વાત મદદરૂપ થઈ છે.'

પછી રિતેશ-જેનેલિયાની જોડીને મીડિયામાંથી એક કોમન સવાલ કરાયો, 'તમારી આટલી લાંબી સફરમાં કોઈ એવી યાદગાર પળ છે, જે તમને યાદ રહી ગઈ હોય?' રિતેશ ઉત્તર આપવાની પહેલ કરે છે, 'અમે ઘણી સારી અને આનંદની પળો માણી છે. દાખલા તરીકે, હું એક્ટર બન્યો પછી મારા વતન લાતુરમાં મારો પ્રથમ દિવસ અવિસ્મરણીય હતો. ફરી ૨૦ વરસ બાદ જાન્યુઆરી માસમાં જ દિગ્દર્શક તરીકેની મારી પહેલી ફિલ્મ રિલિઝ થઈ.  આને યાદગાર પળ કહેવાય. આજે મારા પિતા હયાત નથી પણ મેં 'વેડ'  એમને ડેડિકેટ કરી છે.'

રિતેશ પછી જવાબ આપવાનો જેનેલિયાનો વારો હતો, '૨૦૦૩માં અમારી બંને વચ્ચે અદ્ભુત પ્રેમ હતો અને આજે પણ એ એવોને એવો જ છે. પહેલી અને હમણાંની બંને ફિલ્મમાં રિતેશમાં એ લાગણી દેખાય છે. મેં એની સાથે પહેલી ફિલ્મ કરી અને દિગ્દર્શક તરીકેની એની પ્રથમ ફિલ્મમાં પણ હું છું. મારા માટે આથી વધુ યાદગાર પળ બીજી કઈ હોઈ શકે?'

જેનેલિયાને એક પર્સનલ પ્રશ્ન પણ કરાયો કે રિતેશ તરફથી તને મળેલી બેસ્ટ કોમપ્લીમેન્ટ કઈ? શ્રીમતીજી થોડું વિચારીને કહે છે, 'રિતેશે મને એકવાર કહ્યું હતું કે હું તારા ક્રાફ્ટ (અભિનય-કળા)નો ફેન છું. મારા માટે એ બહુ મોટા કોમપ્લીમેન્ટ હતા.'

છેલ્લી પૃચ્છા રિતેશને થઈ. એને પૂછાયું કે શું તમને લાગે છે કે વેડમાં સલમાન ખાનનો કેમિયો લકી પુરવાર થયો? દેશમુખ સલ્લુની પ્રશંસામાં જરાય સંકોચ  રાખ્યા વિના કહે છે, 'મારે મન સલમાન લક (ભાગ્ય) કરતા ઘણો વધુ છે. હું એને ભાઉ કહીને બોલાવું છું અને મારા માટે એ ભાગ્યશાળી કરતા એક ભાઈ વધુ છે. 'વેડ'માં કામ કરવા માટે એને સમજાવવામાં મને રતીભારની મુશ્કેલી નથી પડી. મેં  સલમાનને કેમિયો માટે ફોન કર્યો એટલે એણે મને તરત કહ્યું કે 'વેડ'માં તું જે કરવાનું કહીશ એ હું કરીશ. સલમાન જેમને ચાહે છે એમની મદદ માટે હંમેશા ઊભો રહે છે. એમના માટે એ બધું કરી છુટે છે. એ એની સૌથી મોટી ખાસિયત છે.'


Gujarat