રાશિ ખન્ના : અભિનેત્રી તરીકે જ નહીં, જિંદગી ભણીનો દ્રષ્ટિકોણ બદલાયો

- 'તાજેતરમાં જ મેં મેટ હેગ લિખિત વિખ્યાત પુસ્તક 'ધ મિડનાઇટ લાઇબ્રેરી' વાંચ્યું. આ પુસ્તકે મારા દ્રષ્ટિકોણ અને વિચારો પર ઊંડી અસર છોડી છે. જીવન, પસ્તાવો, વિકલ્પો અને આશા જેવા વિવિધ વિષયો વિશે આ પુસ્તકમાં અદ્ભુત વાતો થઈ છે.'
રાશિ ખન્ના માટે ભારતીય સિનેમામાં વિતાવેલા ૧૩ વર્ષ માત્ર ફિલ્મો અને વિવિધ ભજવેલી ભૂમિકાની જ સફર નથી રહી, પણ આતો પોતાને સતત સમજતા રહેવા અને અનેકવિધ રીતે નિખરાવાની તક પણ બની રહી છે. માત્ર બોલીવુડ જ નહીં, પણ સાઉથના સિનેમામાં પણ પોતાની ઓળખ ઉભી કરનારી આ અભિનેત્રી અત્યારે એક એવા મુકામ પર છે જ્યાં કામ અભિનય એક વ્યવસાય જ નહીં, પણ એક મોટું સૌભાગ્ય પણ છે.
સૌથી રસપ્રદ વાત તો એ છે કે આટલી લાંબી કારકિર્દી પછી પણ તે પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોને જરાય ભૂલી નથી. તેણે કારકિર્દીના પ્રારંભિક દિવસોને ગોઠે બાંધી રાખ્યા છે.
રાશિ ખન્નાએ ૨૦૧૩માં રિલિઝ થયેલી ફિલ્મ 'મદ્રાસ કેફે'થી અભિનયના વ્યવસાયમાં ડગ માંડયા હતા. આ પછી તો તેની કારકિર્દી ઝડપભેર આગળ વધી. રાશિના જણાવ્યા પ્રમાણે કામ કરતાની તક મળવી એ તો આજે પણ તેના માટે અત્યંત ખાસ છે.
આ સંદર્ભે રાશિએ જણાવ્યું, 'તેર વર્ષ એક લાંબો સમયકાળ છે. પણ આ સમય અત્યંત ઝડપથી વિતી ગયો. એનું એક કારણ એ પણ છે કે કામ કરવું એ તો એક વિશેષાધિકાર છે એ સમજવું કદીય બંધ થયું નથી. 'ંમદ્રાસ કેફે' પછી મને એવી અનુભૂતિ થઇ કે મેં શરૂઆત જ શા માટે કરી હતી. આ ફિલ્મે મને એવી કથા કહેવાની તક પૂરી પાડી, જે મારા માટે અત્યંત વિશેષ અને મહત્વની હતી.'
ચાર ભાષામાં ઓળખ બનાવી
'મદ્રાસ કેફે' પછી રાશિએ હિન્દીની સાથો સાથ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ પ્રવેશ મેળવ્યો અને તમિળ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું.
અલગ- અલગ ભાષાઓ અને ઇન્ડસ્ટ્રીઝમાં પોતાને સાબિત કરવાની બાબત તો તેના માટે અત્યંત ખાસ સાબિત થઇ તેણે એવા પાત્રો પસંદ કર્યા જેના થકી તેણે એક અભિનેત્રી તરીકે વિભિન્ન રંગો દર્શકો સમક્ષ રજૂ કરી શકે અને તેમને પોતાની અભિનયક્ષમતાથી પરિચિત કરાવતી ગઇ.
રાશિ ખન્નાની આ સફર એ માટે ખાસ છે કે તેણે પોતાની કારકિર્દીને માત્ર એક ઉદ્યોગ સુધી સીમિત નથી રાખી. તેણે સતત અલગ-અલગ પ્રકારની વાર્તાઓ અને ભૂમિકાની હિસ્સેદાર બની. પેન- ઇન્ડિયામાં પોતાની ઓળખ વિસ્તારી એક અખિલ ભારતીય અભિનેત્રી તરીકેની ઓળખ પ્રાપ્ત કરી. આ જ વિવિધતા અત્યારે તેની કારકિર્દીને અનોખો વળાંક આપે છે. નવી તેજસ્વી છાપ ઉભી કરે છે.
જીવનને નવી દ્રષ્ટિએ નિહાળવાની તક તો અનન્ય પુસ્તકે પૂરી પાડી
અભિનયની સાથોસાથ અંગત જીવન, વિચાર અને અભિપ્રાય અંગે પણ રાશિ ખન્ના ચોક્કસ- સચોટ દ્રષ્ટિકોણ ધરાવે છે. તાજેતરમાં જ તેણે મેટ હેગના વિખ્યાત પુસ્તક 'ધ મિડનાઇટ લાઇબ્રેરી' વાંચ્યું છે. અને સાથે જણાવ્યું છે કે આ પુસ્તકે મારા દ્રષ્ટિકોણ અને વિચારો પર ઊંડી અસર છોડી છે.
રાશિએ વધુમાં જણાવ્યું છે કે શક્ય છે કે જિંદગીનો અર્થ એ વાતમાં નથી સમાયો કે આપણે શું બની શકીએ છીએ, પણ ખરો અર્થ તો એ છે કે આપણે જીવન કેવી રીતે જીવી શકીએ છીએ. જે અત્યારે આપણી સાથે બની રહ્યું છે.
રાશિના આ વિચાર પરથી એવું લાગે છે કે તેર વર્ષ લાંબી કારકિર્દીએ તેને એક અભિનેત્રી તરીકે જ નહીં, પણ જીવન માટે પણ વધુ ઊંડાઇથી વિચારતી સ્ત્રી બનાવી છે.
'ધ મિડનાઇટ લાઇબ્રેરી' જીવન, પસ્તાવો, વિકલ્પો અને આશા જેવા વિવિધ વિષયોની આસપાસ ફરતી વાતો કરતું અદ્ભુત છે.
હવે પડકારરૂપ ભૂમિકા પર નજર
રાશિના અભિનય કારકિર્દીની વાત કરીએ તો તેની પાસે તો અત્યારે અત્યંત રસપ્રદ પ્રોજેક્ટસ છે. તે અત્યારે રાજ અને ડીકેની જાણીતી વેબ સીરિઝ 'ફર્જી'ની બીજી સિઝનમાં નજરે પડશે. જેમાં તે ફરી એકવાર આર.બી.આઇ અધિકારી મેઘા વ્યાસની ભૂમિકા નિભાવશે. શાહિદ કપૂર અને વિજય સેતુપતિ સ્ટારર આ ક્રાઇમ થ્રિલરની વાર્તા નકલી નોટોના વ્યાવસાય અને તેના પાછળની દુનિયા પર આધારિત છે.
આ ઉપરાંત રાશિખન્ના તમિળ એક્શન થ્રિલર 'ધર્મન'માં પણ સુપરસ્ટાર રજનીકાંત સાથે નજરે પડશે. આ ઉપરાંત અનિસ બાઝમીની આગામી કોમેડી ડ્રામા ફિલ્મમાં તે અક્ષયકુમાર સાથે સ્ક્રીન શેર કરવાની છે. આમ રાશિ ખન્નાએ સારીએવી લોકપ્રિયતા તો મેળવી જ છે સાથોસાથ લોકોના હૃદયમાં પણ સ્થાન જણાવ્યું છે.




