- 'કોઈ પણ એક્ટરને એની ઉંમરના આધાર જજ ન કરવો જોઈએ. તમે સિનેમાના પડદા પર યુવાન લોકોને જ જોવા ઇચ્છો છો, પરંતુ હકીકત એ છે કે કોઈ વ્યક્તિ કાયમ યંગ દેખાવાની નથી.'
બો લિવુડ છેલ્લાં થોડાં વરસોમાં ખાસ્સું બદલાયું છે તે તો સ્વીકારવું પડે. આજે ચાલીસ કે પચાસની થયા પછી પણ અભિનેત્રીઓની દમદાર ભૂમિકા કરવાની હોંશ અને ઉત્સાહ ઓછો નથી થતી. રાની મુકરજીનો જ દાખલો લો. ૪૫ વરસની પાકટ વયે પણ એની અભિનય કરવાની ઉત્કટતા ૨૫ વરસની હિરોઈનને શરમાવે એવી છે.
પોણાત્રણ દાયકા લાંબી કરીઅરમાં રાની મુકરજી-ચોપરાએ પોતાને એક ડિપેન્ડેબલ એક્ટર તરીકે પુરવાર કરી છે. એની પાસે પોતીકા મૌલિક વિચારો છે, સિનેમાની ઊંડી સમજ છે. એ કહે છે, 'દર્શકો જ્યારે મને સ્ક્રીન પર જુએ છે ત્યારે તેઓ રાની મુકરજીને નહીં, પણ જે-તે પાત્રને નિહાળે છે. મારાં પાત્રોને અસલી બનાવવા હું સખત મહેનત કરું છું. પાત્રની ચાલવાની રીત અને બોલવાની ઢબ પર બહુ ધ્યાન આપું છું. હું દ્રઢપણે એવું માનું છું કે તમે એક ચોક્કસ વ્યક્તિને જે રીતે સમજો છો એમાં એની બોડી લેંગ્વેજ અગત્યનો ભાગ ભજવે છે. પાત્રને યોગ્ય લુક મળી જાય તો સમજોને કે એક્ટરનું ૫૦ ટકા કામ પૂરું થઈ ગયું ગણાય. બાકીનું કામ તમે કેમેરા સામે પર્ફોર્મ કરીને પૂરું કરી શકો. મારા આવા અપ્રોચને પ્રતાપે જ હું ટીના (કુછ કુછ હોતા હૈ), અભિશા (ગુલામ) અને મિશેલ (બ્લેક) બની શકું છું.'
સંજય લીલા ભણસાલીનો સુવર્ણ સ્પર્શ એક્ટરો પર જાદુ કરે છે. રાનીને આ અનુભવ 'બ્લેક'માં થયો. રાની કહે છે, 'આ ફિલ્મમાં મારું પાત્ર હેલન કેલર પર આધારિત હતું. આ એવી સ્ત્રી છે, જે નથી જોઈ શકતી, નથી સાંભળી શકતી કે નથી બોલી શકતી. આ ફિલ્મ કરતી વખતે મને એવું બ્રહ્મજ્ઞાાન થયું કે દુનિયામાં કોઈ પણ બાબત અશક્ય નથી. આપણે મગજમાં એવું ઠસાવી દઈએ છીએ કે આ-આ વસ્તુ હું કરી ન શકું. આપણા જીવનનો અભિગમ અશક્ય લાગતી વાતને શક્ય બનાવવાનો હોવો જોઈએ. 'બ્લેક' ફિલ્મે મારા માટે એ જ કર્યું. એણે મને એક માનવી તરીકે બદલી નાખી. સંજય લીલા ભણસાલી એક્ટર પાસેથી બેસ્ટ પરફોર્મન્સ કઢાવી શકે છે.'
રાનીએ આમિર ખાન સાથે 'ગુલામ' કરી ત્યારે એ નવીસવી હતી. એ કહે છે, 'એ સમયે અભિનેત્રીઓનો અવાજ મીઠો મધુરો હોવો ફરજિયાત ગણાતો. મારો અવાજ જુદો છે. ઘણાને એવું લાગતું હતું કે દર્શકો કદાચ મારા વોઇસને કારણે મને નહીં સ્વીકારે. ખેર, 'ગુલામ'માં તો મારો અવાજ ડબ કરવામાં આવ્યો હતો, પણ તે પછીની તમામ ફિલ્મોમાં મારો અવાજ યથાવત્ રહ્યો અને ઓડિયન્સને મારો અવાજ ઊલટાનો વિશેષપણે ગમ્યો.'
રાનીની 'હિચકી' નામની ફિલ્મ યાદ છે તમને? રાનીએ આ તોતડાપણાથી પીડાતા પાત્રના રોલની તૈયારી માટે ટોરેટ સિન્ડ્રોમ ધરાવતા ઘણા લોકોને મળી હતી. રાની કહે છે, 'પડદા પર કોઈ પણ પાત્ર ભજવવા માટે એ વ્યક્તિ શું અને કઈ રીતે વિચારે છે એ જાણવું મહત્ત્વનું છે. એક્ટરે એની ફિલિંગ્સ સમજવી પડે. આખરે તો અમારે તો દર્શકોને સ્પર્શી જાય તે રીતે લાગણી કેમેરા સામે વ્યક્ત કરવાની હોય છે.'
આટલંુ કહીને રાની ઉમેરે છે, 'દર્શકોના પ્રેમને લીધે હું છેલ્લા ૨૭ વરસથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું અને હજુ બીજા ૨૭ વરસ રહીશ એવી આશા છે. મારા ચાહકો મને વયની વાડાબંધી તોડવામાં મદદરૂપ થયા છે અને આજે મારે એમને એવું પ્રોમિસ આપવું છે કે હું ૮૦ વરસની થઈશ ત્યાં સુધી એક્ટિંગ કરીશ. હું તો કહું છું કે કોઈ પણ એક્ટરને એની ઉંમરના આધાર જજ ન કરવા જોઈએ. આપની હિન્દી ફિલ્મો પોપ્યુલર સિનેમા તરીકે જાણીતી છે એટલે તમે સિનેમાના પડદા પર યુવાન લોકોને જ જોવા ઇચ્છો છો, પરંતુ હકીકત એ છે કે કોઈ વ્યક્તિ કાયમ યંગ દેખાવાની નથી.'


