રાણા દગ્ગુબાતી : ફિલ્મની અસલી તાકાત એની વાર્તા છે

રાણા દગ્ગુબાતી માત્ર એક અચ્છો એક્ટર જ નહીં, પણ એક ઉમદા નિર્માતા પણ છે. તેમણે તેલુગુ અને હિન્દી ઉપરાંત તમિળ ફિલ્મોમાં પણ નોંધપાત્ર કામ કર્યું છે. ૨૦૧૦માં 'લીડર' ફિલ્મથી રાણાએ અભિનયમાં પદાર્પણ કર્યું અને એ પછી 'દમ મારો દમ' સહિત અનેક ફિલ્મો કરી. હાલમાં તેમણે મનોજ બાજપેયી સાથે નિર્માતા તરીકે 'લાસ્ટ મેન ઈન ટાવર' ફિલ્મ બનાવી છે, જે સિનેમાગૃહોમાં રજૂ થઈ
ચૂકી છે.
એક વાત વિચારવા જેવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ઘર તરીકે ઓળખાતી જગ્યા ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દે ત્યારે શું પરિસ્થિતિ સર્જાય? 'લાસ્ટ મેન ઈન ટાવર'માં આ જ સંવેદનશીલ મુદ્દાને વણી લેવામાં આવ્યો છે. એક વ્યક્તિનો આ મક્કમ નિર્ણય ધીમે ધીમે સમગ્ર સોસાયટી અને સમુદાયને અસ્વસ્થ કરી મૂકે છે, જે દર્શકોને સંબંધોમાં પડતી તિરાડો અને માનસિક દ્વંદ્વ તરફ દોરી જાય છે.
આ ફિલ્મ રાણા દગ્ગુબાતીના 'સ્પિરિટ મીડિયા' પ્રોડક્શનની પ્રથમ હિન્દી ફિલ્મ છે, જે પ્રસિદ્ધ લેખક અરવિંદ અડિગાની નવલકથા પર આધારિત છે. ફિલ્મમાં મનોજ બાજપેયી 'માસ્તરજી'ની કેન્દ્રિય ભૂમિકા ભજવે છે. એ શાળાના નિવૃત્ત શિક્ષક છે. માસ્તરજી પોતાનું ઘર ન છોડવા બાબતે અડગ રહે છે અને એ નિર્ણય સમગ્ર સોસાયટીને એક ટકરાવના માર્ગ પર લાવીને ઊભી કરી દે છે. નાટયાત્મક વળાંકો અને જોશીલા સંવાદો સાથે ફિલ્મ આગળ વધે છે ને અસાધારણ પરિસ્થિતિઓમાં સામાન્ય પાત્રો ફસાતાં જાય છે.
આ ફિલ્મ સાચા અને ખોટા વચ્ચેના સાદા ભેદની વાર્તા નથી. મનોજ બાજપેયી નોંધે છે, 'માસ્તરજી સહિત તમામ પાત્રો ગ્રે શેડ ધરાવે છે. અહીં કોઈ સંપૂર્ણ હીરો કે વિલન નથી. કોઈ સાવ સફેદ કે કાળું નથી. પ્રત્યેક પાત્ર પાસે પોતાનો ભૂતકાળ, આગવો તર્ક અને કંઈક ગુમાવવાનો ભય છે, જે કથાના પ્રવાહ સાથે નવાં સત્યો સપાટી પર લાવે છે.'
આ ફિલ્મ એવા સમયે આવી છે જ્યારે પ્રેક્ષકોને ખરેખર વિચારશીલ વાર્તાઓ આકર્ષી રહી છે. નિર્માતા રાણા દગ્ગુબાતી કહે છે, 'ફિલ્મની મૂળ તાકાત તેની વાર્તાની ઊંડાણપૂર્વકની રજૂઆતમાં છે. જીવનમાં માણસ જે નિર્ણયો લે છે અને પસંદગીઓ કરે છે, તેનું વિષ્લેષણ કરવાની આખી પદ્ધતિ આકર્ષક છે. આ વાર્તાને સ્ક્રીન પર જીવંત કરવામાં આખી ક્રિયેટિવ ટીમનો ફાળો અત્યંત મહત્ત્વનો રહ્યો છે. બેન રેખીએ આ ફિલ્મનું દિગ્દર્શન સંભાળ્યું છે, જ્યારે પટકથા સુની તારાપોરવાલાએ અને સંવાદો જુહી ચતુર્વેદીએ લખ્યા છે. સંગીત ગોવિંદ વસંતનું છે. આ તમામ દિગ્ગજોના સમન્વયે આ ફિલ્મને એક પરિપક્વ સિનેમેટિક અનુભવમાં ફેરવી દીધી છે.'
વેલ, પ્રોડયુસરસાહેબ ભલે પોતાની ફિલ્મના વખાણ કરે, પણ સચ્ચાઈ એ છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર તદ્દન ફ્લોપ થઈ ચૂકી છે.
આમ, 'લાસ્ટ મેન ઈન ટાવર' ઓછા સંવાદોમાં પણ માનવમનની ઘણી બધી વાતો કહી જતી એક પ્રભાવશાળી ફિલ્મ છે. ખેર, ઓટીટી પર તે રિલીઝ થશે ત્યારે તે જોવાનું મન થશે એ તો નક્કી.




