Chitralok

મોહિત મલિકને 'મિર્ઝાપુર'નો બિરજુ ખૂબ ફળ્યો

By GS Team
8 Oct 20263 mins read
મોહિત મલિકને 'મિર્ઝાપુર'નો બિરજુ ખૂબ ફળ્યો
  • 'મારા પાત્ર માટે મેં જોરદાર હોમવર્ક કર્યું હતું. તેને કારણે મારો બધો ડર છુમંતર થઈ ગયો હતો. મને લાગે છે કે માણસ એકવાર પોતાના કામમાં ખૂંપી જાય પછી એને કશાનો ભય લાગતો નથી.'

હિન્દી ફિલ્મોનો બિજનેસ આજકાલ એક પછી એક આંચકા આપી રહ્યો છે. છેલ્લા સમાચાર એવા છે કે બે મોટી ફિલ્મો 'હેવાન' અને 'દાયરા'ને બોક્સ ઓફિસ કલેક્શનમાં ક્યાંય પાછળ રાખીને 'મિર્ઝાપુર ધ મૂવી' અને 'હનુમાન અંશ' જેવી ઓછા બજેટની ફિલ્મો ટંકશાળ પાડી રહી છે. દાયરામાં કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારન જેવા મોટા સ્ટાર્સ છે અને એના ડિરેક્ટર મેઘના ગુલઝાર પણ નામવંત હસ્તી છે. જ્યારે 'હેવાન'માં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન જેવા મોટા સ્ટાર્સ હોવા ઉપરાંત એના ડિરેક્ટર પ્રિયદર્શન 'ભુલભુલૈયા' અને 'હેરાફેરી' જેવી મોટી હિટ્સ આપી ચુક્યા છે. છતાં 'હેવાન' એની કોસ્ટ કરવા હવાતિયા મારી રહી છે.
મિર્ઝાપુર ફ્રેન્ચાઈસની બહુ જ લોકપ્રિય થયેલી વેબ સિરિઝ પરથી બનેલી 'મિર્ઝાપુર : ધ મૂવી'એ એની સ્ટારકાસ્ટ અને એના ટેકનીશ્યનોને તારી દીધા છે. એમાં ટીવી સીરિયલોના ટોપના સ્ટાર મોહિત મલિકનું નામ પણ સામેલ છે. ટીવી શો 'ડોલી અરમાનોં કી'ના સમ્રાટ સિંહ રાઠોડ અને 'કુલ્ફી કુમાર બાજેવાલા'ના સિકંદર સિંહ તરીકે જાણીતા મોહિતે ફિલ્મોમાં નસીબ અજમાવવા ગયા વરસે અજય દેવગન સ્ટારર 'આઝાદ' કરી હતી. અજયે પોતાના ભત્રીજા અમન દેવગન અને રવીના ટંડનની પુત્રી રાશા થડાનીને લોન્ચ કરવા આ ફિલ્મ બનાવી હતી, જે કમનસીબે ૨૦૨૫ની એક સૌથી ફ્લોપ ફિલ્મ બની રહી. પરંતુ 'મિર્ઝાપુર : ધ મૂવી'ની સુપર સકસેસ બાદ મોહિતને આશા જાગી. ફિલ્મમાં એણે ભજવેલો બિરજુનો રોલ સારો એવો વખણાયો છે.
પોતાને તાજી તાજી મળેલી પ્રસિદ્ધિની રોકડી કરી લેવા ૪૨ વરસના મલિકે મીડિયાને ફટાફટ ઇન્ટરવ્યુજ આપવા માંડયા છે. આવી જ એક અખબારી મુલાકાતમાં મોહિતને પૂછાયું, 'તમે બિરજુના પાત્રની બોડી અને લુક મેળવવા કઈ રીતે તૈયારી કરી હતી?' જવાબમાં દિલ્હીનો વતની અભિનેતા કહે છે, 'મેં પહેલા અમારા ડિરેક્ટર ગુરમીત સિંહ સાથે મારી બોડી બાબતમાં ચર્ચા કરી અને પછી એ સંબંધમાં મારા ટ્રેનર સાથે વાતચીત કરી. પછી અમે બિરજુના રોલને ન્યાય આપવા એકદમ દેશી ટાઈપની બોડી બનાવવાનું નક્કી કર્યું. રોલ માટે મારે પોતાને સાવ જુદો લુક આપવો હતો એટલે મેં દાઢી વધારી અને ગુરમિતને પણ એ ગમ્યું.'
બીજા સવાલમાં રસપ્રદ પૃચ્છા થઈ, 'એક હિટ ફ્રેન્ચાઈસની મૂવી કરતા તમે નર્વસ નહોતા થયા?' મોહિત પ્રશ્નને હળવાશથી લઈ હસતા હસતા જવાબ આપે છે, 'હા, સાચે જ હું બહુ નર્વસ થઈ ગયો હતો. આખી સ્ટારકાસ્ટથી મને ડર લાગ્યો કારણ કે એમણે બહુ જબરદસ્ત પાત્રો ભજવ્યા છે, એ બધા ઈન્ડસ્ટ્રીના બેસ્ટ એકટર્સ અને એમની વચ્ચે રહીને પોતાની જાતને પુરવાર કરવી મારા માટે એક ચેલેન્જ હતી. પરંતુ મને લાગે છે કે મેં મારા પાત્ર માટે જે સઘન હોમવર્ક કર્યું એને લીધે બધો ડર છુમંતર થઈ ગયો. માણસ એકવાર પોતાના કામમાં ખૂંપી જાય પછી એને કશાનો ભય લાગતો નથી.'
હવે ત્રીજો પ્રશ્ન 'મોહિતજી, બિરજુએ તમને એક નવો દર્શક વર્ગ આપ્યો છે. તમારા ફેન્સ વધી ગયા છે. એ સંબંધમાં શું કહેશો?' એક્ટર એકદમ કૃતજ્ઞા ભાવ સાથે કહે છે, 'મિર્ઝાપુર'નો એક વિશાળ ચાહક વર્ગ છે. ફ્રેન્ચાઈસના ફેન્સે મને પોતાનો ગણી પુષ્કળ પ્રેમ આપ્યો. એમના સ્નેહ બદલ આભારી છું. આજના સમયમાં બિરજુનું પાત્ર એકદમ સુસંગત છે. એના જેવા લખલૂંટ પ્રેમ વહેંચતુ વ્યક્તિઓની આજે જરૂર છે.'
સમાપનમાં એકટરે થોડી કડવી લાગે એવી પૂછપરછનો સામનો કરવો પડે છે, 'મિર્ઝાપુર'ની એના હિંસક દ્રશ્યો અને અભદ્ર ભાષા માટે ટીકા થાય છે. તમે એને કઈ રીતે લો છો? એના જવાબમાં મોહિતની મેચ્યોરિટી વર્તાય છે, 'મારા મતે એ બહુ સબ્જેક્ટીવ (વ્યક્તિગત) બાબત છે.
એ લોકોને કહેવા જેવી સ્ટોરી છે અને એક ફિક્શન ફિલ્મ છે. એમાં હકીકત જેવું કાંઈ નથી. ફિલ્મો તો કળાનું એક માધ્યમ છે અને એની ટીકાની સૌને છુટ છે. કોઈ પણ વ્યક્તિ ફિલ્મ વિશે પોતાનો વ્યક્તિગત ઓપિનિયન આપી શકે છે.'