FOLLOW US

મેઘના નાયડુ ફરી પાછી મેદાનમાં ઉતરવા થનગની રહી છે..

Updated: Sep 14th, 2023

- 'મને ઓટીટી પ્લેટફોર્મ્સ પર કામ કરવું બહુ ગમશે અને મેં લાગતાવળગતાને મળવાનું શરૂ પણ કરી દીધું છે. ડિજિટલ મીડિયમ અમારા જેવા એક્ટરો માટે બેસ્ટ વસ્તુ છે.'

બોલીવૂડ વરસો પહેલા મેઘના નાયડુ નામની અભિનેત્રી આવી હતી એવું આજે ભાગ્યે જ કોઈને યાદ હશે. એટલા માટે કે હિન્દી ફિલ્મોમાં મેઘનાનું ગાડુ લાંબુ ચાલ્યું નહોતું. એ પોતાની એન્ટ્રી અને એક્ઝિટની નોંધ પણ નહોતી લેવડાવી શકી. વરસોથી નાયડુ મેક્સિકોમાં સેટલ થઈ ગઈ છે અને ઓટીટીમાં પોતાનું નસીબ અજમાવવા હમણાં મુંબઈ આવી હતી. મેઘનાએ સિલેક્ટેડ ઇંગ્લિશ મીડિયા સાથે ઇન્ટરએક્શન કર્યું હતું. આવા જ એક ઈન્ટરએક્શનમાં અભિનેત્રી કહે છે, 'મને ઓટીટી પ્લેટફોર્મ્સ પર કામ કરવું બહુ ગમશે અને મેં એ માટે લાગતાવળગતાને મળવાનું શરૂ પણ કરી દીધું છે. ડિજિટલ મીડિયમ અમારા જેવા એક્ટરો માટે બેસ્ટ બાબત છે. હકીકતમાં મારો બે વેબ-શૉ માટે કોન્ટેક્ટ કરાયો હતો, પણ એ માટે હું ફ્રી નહોતી. મેક્સિકોમાં હું મારી બધી જવાબદારીઓ છોડીને ઓડિશન્સ અને સ્ક્રિન ટેસ્ટ માટે મુંબઈ આવી ન શકું.' અચરજ પમાડે એવી વાત એ છે કે મેઘના નાયડુને પોતે ૨૧ વરસ પહેલા કરેલા મ્યુઝિક વીડિયો 'કલિયોં કા ચમન' માટે છેક હવે પ્રસિદ્ધિ મળી રહી છે. એ સોશિયલ મીડિયાને આભારી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલો મેઘનાનો મ્યુઝિક વીડિયો લોકોને બહુ ગમ્યો અને એ  ફરી ન્યુસમાં આવી ગઈ. વીડિયોમાં ચમકવાનો અવસર પોતાને કઈ રીતે મળ્યો એ વિશે જૂના સંભારણા વાગોળતા નાયડુ કહે છે, 'ખરું કહુ તો 'કલિયોં કા ચમન' માટે મારી એક ફ્રેન્ડને ઓડિશન માટે બોલાવાઈ હતી અને હું એને માત્ર કંપની આપવા ગઈ હતી. મારી ફ્રેન્ડને ઓડિશન આપવા માટે ૪ કલાક રાહ જોવી પડી અને એ દરમિયાન હું ઑફિસના સ્ટાફ સાથે હાય-હેલો કરી વાતો કરતી રહી. મને પણ ઓડિશન આપવા કહેવાયું, પણ મેં ના પાડી. એ દરમિયાન અમારા ફોન નંબર લેવાયા અને મારી સરપ્રાઈઝ વચ્ચે મને એ ઑફિસમાંથી ઓડિશન માટે ફોન આવ્યો. આ વખતે ઇન્કાર કરવાનું મને ઠીક ન લાગ્યું અને મેં ઓડિશન આપ્યું. પછી તો ઇતિહાસ રચાઈ ગયો. હકીકતમાં સોંગના વીડિયો મેકર્સ રાધિકા રાવ અને વિનય પ્રભુ એક મોડલ જેવી ન દેખાતી અને અજાણી છોકરી પર રિસ્ક લઈ રહ્યા હતા. મને લાગે છે કે એ જ વાત વીડિયોની પોપ્યુલારિટી અને સક્સેસ માટે નિમિત્ત બની. એ સમયે હું એક પરફેક્ટ વુમન નહોતી દેખાતી. મારી કાયા સુડોળ નહોતી, પણ એ જ વાત કામ કરી ગઈ. મારો કોમન ગર્લ જેવો લુક લોકોને અપીલ કરી ગયો.'

મ્યુઝિક વીડિયોમાં ધમાકો બોલાવ્યા બાદ મેઘનાએ હિન્દી સહિત ઘણી ભાષાની ફિલ્મો કરી લેકિન બાત કુછ બની નહીં. મોટા પડદા પર એ ન ચાલી. એનું કારણ પૂછાતા નાયડુ પોતાની ટંગડી ઊંચી રાખવા કહે છે, 'સાઉથ ઇન્ડિયામાં મેં કેટલીક બેસ્ટ ફિલ્મોમાં મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું અને ત્યાં મારી કરિયર સારી ચાલતી હતી. દિગ્દર્શિક એસ. એસ. રાજામૌલીની એક ફિલ્મમાં મેં એક આઇટમ સોંગ પણ કર્યું એટલે હું એમ નહિ કહું કે હું એક્ટર તરીકે ન ચાલી. વાંક મારો જ હતો કારણ કે મેં વધારે ફિલ્મો મેળવવા પર ફોકસ જ નહોતું કર્યું કારણ કે હું અબ્રોડ શિફ્ટ થઈ ગઈ હતી. મારે બહાર પડવું જોઈતું હતું. લોકોને મળીને એમ કહેવાની મારી ફરજ હતી કે મને તમારી સાથે કામ કરવું ગમશે. એટલા માટે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોલે એના જ બોર વેચાતા હોય છે.' 

Gujarat
English
Magazines