મેઘના ગુલઝારની ફિલ્મો વાસ્તવિકતાની નક્કર ધરતી પર આકાર લે છે

- 'જુઓ, સાચી ઘટના પર 'આધારીત' ફિલ્મ અને સાચી ઘટનાઓથી 'પ્રેરિત' ફિલ્મ વચ્ચે અંતર હોય છે. ડિરેક્ટર તરીકે તમે ચોક્સાઇપૂર્વક હકીકતોને વળગી રહો ત્યારે તમારું કામ સરળ બની જતું હોય છે.'
આજકાલ નેશનલ એવોર્ડ વિજેતા હિન્દી ફિલ્મ દિગ્દર્શિકા મેઘના ગુલઝારની ફિલ્મ દાયરા ચર્ચામાં છે. બળાત્કાર અને તે પછી ન્યાયની પ્રક્રિયાની કેવી અસર સબંધિત લોકો પર થતી હોય છે તેનું રસપ્રદ આલેખન ધરાવતી આ ફિલ્મ બોક્સઓફિસ પર કરોડો રૂપિયાની કમાણી કરવાની નથી પણ દર્શકોના એક વર્ગમાં આ પ્રકારની ફિલ્મોનું એક આગવું મૂલ્ય હોય છે. મેઘના ગુલઝાર પોતે આ પ્રકારની વાસ્તવિકતાની નક્કર ભોંય પર પાંગરતી ફિલ્મો બનાવવાની હથોટી કેવી રીતે આવી તે વિશે ફોડ પાડીને વાત કરેે છે.
પોતાની ફિલ્મના વિષયની પસંદગી બાબતે મેઘના ગુલઝાર કહે છે, વાસ્તવિક જીવનની કથા કહેવાની હોય ત્યારે તમારે ક્યા હેતુથી ફિલ્મ બનાવવી છે તે વિચારી લેવું બહું મહત્વનું હોય છે. તમારી સામે હકીકતો પડી હોય ત્યારે જો તમને એમ લાગે કે તમારે સાચી હકીકતો પર આધારીત કથા કહેવી છે તો તમે હકીકતોનેઅલગ રીતે જોશો. પણ જો તમે સાચી હકીકતથી પ્રેરિત ફિલ્મ બનાવવા માંગતા હો તો તમે હકીકત સાથે ઘણી છૂટછાટ લઇ શકો છો. આ પ્રકારની ફિલ્મોમાં મહત્વની વાત તમારે સમાજને શો સંદેશ આપવો છે તે બાબતે તમે એકદમ સ્પષ્ટ હોવા જોઇએ. તમે નિર્ણય લો કે તમારે શુદ્ધ હેતુથી ફિલ્મ બનાવવી છે અને તમે હકીકતોને છાવરવા માંગતા નથી તો પછી કશું મુશ્કેલ રહેતું નથી. દરેક બાબતને સરળ બનાવવાની દિશામાંઆ પહેલું પગલું બની રહે છે.
મેઘના ગુલઝારે વિક્ટ વાસ્તવિકતામાં મૂળ ધરાવતી સ્ટોરીઓ પ્રામાણિકતાથી રજૂ કરી પોતાની પ્રતિષ્ઠા જમાવી છે. તે સરળ જવાબ આપવાને બદલે દર્શકને નૈતિક રીતે સંકુલ સ્થિતિની વચ્ચે ઉભો કરી દે છે. તાજેતરમાં રજૂ થયેલી દાયરા ફિલ્મમાં પણ તેમણે આ પરંપરા આગળ ધપાવી છે. એક મોટો ગુનો અને તેમાંથી સર્જાતી ન્યાયની કશ્મકશ એ આ ફિલ્મનો વિષય છે.ફિલ્મ જોતી વખતે જ દર્શકોને મુશ્કેલ સ્થિતિનો અંદાજ આવે છે. પણ જો ફિલ્મ જોતી વખતે દર્શકો લાગણીશીલ બની જતાં હોય તો તેને ફિલ્માવતી વખતે મેઘના ગુલઝારની હાલત કેવી થતી હશે તેવા સવાલનો જવાબ આપતાં મેઘનાએ જણાવ્યું હતું કે હું જ્યારે આ પ્રકારની ઘટનાને ફિલ્માવતીહોઉં છું ત્યારે તેનાથી કામચલાઉ અંતર જાળવતાં હું શીખી ગઇ છું. પણ આ પ્રકારના વિષયો પર વાત કરવાનું એક ફિલ્મમેકર તરીકે જ નહીં પણ એક મહિલા અને માતા તરીકે પડકારરૂપ બની રહે છે. આમ છતાં હું જ્યારે સેટ પર હોઉં છું ત્યારે આ લાગણીઓ સાથે અલગ રીતે પનારો પાડું છું. મેં મારામાં જાણે એક આંતરિક સ્વીચ વિકસાવી લીધી છે. જ્યારે આ પ્રકારની હિંસક ઘટના ફિલ્માવતી હોઉં ત્યારે તેનો કોઇ ઇમોશનલ પ્રતિભાવ આપતી નથી. જ્યારે મારામાં રહેલી આ સ્વીચ હું ઓન કરું ત્યારે હું એક મહિલા અને એક પુત્રીની માતા તરીકે તેને પ્રતિભાવ આપતી નથી.
પોતાની આ સ્વીચ કેવી રીતે વિકસી તેની વાત કરતાં મેઘના કહે છે, હું જ્યારે તલવારનું શૂટિંગ કરતી હતી ત્યારે મારું ધ્યાન કન્ટિન્યુઇટી, ટાઇમિંગ, પોઝિશનિંગ અને ડાયલોગ જેવી બાબતો પર કેન્દ્રિત થતું હતું. હું શાનું શૂટિંગ થઇ રહ્યું છે તેના પર ધ્યાન આપતી નહોતી. મારું આ ઇમોશનલ ડિટેચમેન્ટ મારા માટે એક લાગણીકવચ બની રહ્યું છે જે મને આવી વ્યથિત કરી મુકે તેવી ઘટનાઓ સાથે પનારો પાડવામાં સહાયરૂપ બની રહે છે. તમારે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ કામ તો કરવાનું જ હોય છે આવા સમયે અજાગ્રત રીતે તે મારા માટે કવચ બની રહે છે.
મેઘના કહે છે, એવું નથી કે ફિલ્માંકન દરમ્યાન લાગણીઓ ગાયબ થઇ જાય છે. ફિલ્મ પુરી થાય તે પછી મારી પર જાણે તે લાગણીઓનો બમણાં જોરથી હુમલો થાય છે. હવે ફિલ્મ સેટની ડિમાન્ડ્સ ન હોઇ મારા ખાલી દિમાગ પર જાણે તે ત્રાટકે છે. તલવાર ફિલ્મ દરમ્યાન આવું બન્યું હતું. ફિલ્મ નિર્દેશિત કરી તેને રિલિઝ કરી એ પછી હું ત્રણ ચાર મહિના સુધી સૂઇ શકી નહોતી. મને સમજાયું કે ફિલ્મ રિલિઝ થયા બાદ મેં તેનેે પ્રોસેસ કરવા માંડી હતી. મેઘના ગુલઝાર સહેજ હતાશા સાથે કહે છે મને ખબર છે કે આ વખતે પણ આમ જ બનશે.
વેલ, દર્શકો જ્યારે દાયરા ફિલ્મમાં ફિલ્મમેકર મેઘના ગુલઝારના નૈતિક સવાલોનો સામનો કરી રહ્યા હશે ત્યારે ફિલ્મમેકર મેઘના ગુલઝાર આ ફિલ્મ બનાવવાની પ્રક્રિયા દરમ્યાન થયેલાં અનુભવોને પ્રોસેસ કરી તેમની ઉંઘ બગાડી રહ્યા હશે. વેલ, તુઝ સે નારાજ નહીં જિંદગી ગીત લખતી વખતે ગુલઝારે એક સવાલ પણ આ ગીતમાં વણી લીધો હતો, મુશ્કુરાઉં કભી તો લગતા હૈ , જૈસે હોઠોં પે કર્ઝ રખ્ખા હૈ, તુઝ સે નારાજ નહીં ઝિંદગી, હૈરાન હું મેં. જાણે મેઘના ગુલઝાર આપણાં સમયના કરજને પોતાની ફિલ્મોમાં ઉતારી રહ્યા છે.




