Chitralok

મનોજ બાજપેયી: ગાંધીજીના અવતારમાં આગવો અંદાજ

By GS Team
8 Oct 20264 mins read
મનોજ બાજપેયી: ગાંધીજીના અવતારમાં આગવો અંદાજ
  • એકવીસ અજાણ દિવસોની કહાની: ગાંધીજીનાં માતુશ્રી પૂતળીબાઈના પાત્રને સિનિયર એક્ટ્રેસ વહીદા રહેમાન સાકાર કરશે.
  • 'ગાંધી એન્ડ માય મધર'નું શૂટિંગ લખનઉમાં શરૂ થઈ ચુક્યું છે. ફિલ્મમાં સૌરભ શુક્લા અને દિવ્યા દત્તા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. જોકે તેમના પાત્રોની સંપૂર્ણ વિગતો હજી જાહેર નથી કરાઈ.

હિન્દી સિનેમાના વર્સેટાઈલ અભિનેતા મનોજ બાજપેયી ફરી એકવાર પોતાના અભિનયથી દર્શકોને ચોંકાવવા તૈયાર છે. આ વખતે પડદા પર તેઓ કોઈ કાલ્પનિક પાત્ર નહિ, પણ ભારતના ઈતિહાસના સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વમાંના એક મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવતા જોવા મળશે. દિગ્દર્શક સુધીર મિશ્રાની ઐતિહાસકક ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવતા જ મનોજના રૂપાંતરે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. સફેદ વસ્ત્રો, હાથમાં લાકડી અને ગાંધીજીની વિશિષ્ટ બોડી લેન્ગવેજ સાથે મનોજને પ્રથમ નજરે ઓળખવા પણ મુશ્કેલ બને છે. મનોજ બાજપેયીની કારકિર્દીમાં આ પાત્ર ખાસ એટલા માટે પણ છે કે તેઓ પહેલી જ વાર મહાત્મા ગાંધીની ભૂમિકા નિભાવી રહ્યા છે. અલગ અલગ પ્રકારના પડકારજનક પાત્રો માટે જાણીતા આ અભિનેતાએ ગાંધીજીના દેખાવ પૂરતુ જ રૂપાંતરણ સીમિત નથી રાખ્યું. અહેવાલો અનુસાર તેમણે ગાંધીજીની ચાલ, બેસવાની રીત, હાવભાવ અને સમગ્ર બોડી લેન્ગ્વેજ સમજવા પર ખાસ ધ્યાન આપ્યું છે. નિર્માતા અનુભવ સિન્હાના જણાવ્યા મુજબ આ પાત્ર માટે મનોજે વજન પણ ઘટાડયું હતું અને ચોક્કસ ડાયટ તેમજ જીવનશૈલીનું પાલન કર્યું હતું.
ફિલ્મનું કાર્યકારી શીર્ષક 'ગાંધી એન્ડ માય મધર' નક્કી કરાયું છે. તેનું દિગ્દર્શન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા સુધીર મિશ્રા કરી રહ્યા છે, જ્યારે અનુભવ સિન્હા નિર્માણ સાથે જોડાયેલા છે. ફિલ્મનો વિષય ગાંધીજીના જીવનના એવા ૨૧ દિવસો પર આધારીત છે, જે ભારતની આઝાદી અને સત્તાના પરિવર્તનના અત્યંત નાજૂક અને નિર્ણાયક ગાળામાં આવ્યો હતો. પરંતુ આ ફિલ્મનો રસ માત્ર ઐતિહાસીક ઘટનાઓમાં નથી, તે તો ગાંધીજીના એક એવા અંગત પ્રવાસને કેન્દ્રમાં રાખે છે, જેનાથી કદાચ સામાન્ય દર્શકો માટે બિલકુલ અપરિચિત હશે.
દેશ આઝાદીની દિશામાં આગળ વધી રહ્યો હતો. દિલ્હી સત્તાના નવા કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું હતું અને રાજકીય પરિવર્તન ઝડપથી થઈ રહ્યું હતું. એવા સમયે ગાંધીજીએ દિલ્હીથી દૂર જવાનો એક અણધાર્યો નિર્ણય લીધો. ફિલ્મ આ નિર્ણય પાછળ રહેલી લાગણીઓ અને વ્યક્તિગત સંઘર્ષને સમજવાનો પ્રયાસ કરશે. એટલે આ માત્ર ગાંધીજીના રાજકીય જીવનની ઘટનાઓને પડદા પર રજૂ કરતી ફિલ્મ નહિ રહે,પણ રાષ્ટ્રપિતાના માનવીય અને અંગત પાસાને પણ સ્પર્શવાનો પ્રયાસ કરશે.
આ ફિલ્મને રસપ્રદ બનાવતું બીજુ નામ છે વહીદા રહેમાન. હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી આ ફિલ્મમાં મહાત્મા ગાંધીની માતા પુતળીબાઈની ભૂમિકા નિભાવશે. લાંબા સમયથી પસંદગીની જ ફિલ્મોમાં દેખાતી વહીદા રહેમાન માટે આ ભૂમિકા વિશેષ છે. એક તરફ મનોજ બાજપેયી ગાંધીજીના યુવાન અને ઐતિહાસીક વ્યક્તિત્વને સાકાર કરશે, તો બીજી તરફ વહીદા રહેમાન પૂતળીબાઈ તરીકે ફિલ્મની લાગણીસભર પરતને મજબૂત બનાવશે.
દિગ્દર્શક સુધીર મિશ્રા માટે પણ વહીદા રહેમાન સાથે કામ કરવું એક ખાસ અનુભવ છે. તેમણે વહીદાની 'પ્યાસા', 'સાહિબ બીબી ઔર ગુલામ', 'કાગઝ કે ફૂલ' અને 'ગાઈડ' જેવી ફિલ્મો સાથે પોતાની અંગત લાગણીનો ઉલ્લેખ કર્યો. જે અભિનેત્રીની ફિલ્મો જોઈને દિગ્દર્શક મોટા થયા હોય, એ જ અભિનેત્રીને પોતાના દિગ્દર્શનમાં કામ કરાવવાની તક તેમના માટે સ્વાભાવિક રીતે જ વિશેષ બની રહે તેમાં આશ્ચર્ય નથી.
વહીદા રહેમાનનું નામ માત્ર ફિલ્મની સ્ટારકાસ્ટમાં ઉમેરાયેલુ નામ નથી. તેમની લાંબી કારકિર્દી ભારતીય સિનેમાના અનેક યાદગાર પાત્રોથી સમૃદ્ધ છે. 'ગાઈડ', 'પ્યાસા', 'કાગઝ કે ફૂલ', 'તીસરી કસમ' અને 'ખામોશી' જેવી ફિલ્મોમાં તેમણે પોતાની અભિનય ક્ષમતાની અલગ છાપ છોડી છે. 'રેશમા ઔર શેરા' માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો, જ્યારે ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
'ગાંધી એન્ડ માય મધર'નું શૂટિંગ લખનઉમાં શરૂ થઈ ચુક્યું છે. ફિલ્મમાં ૧૯૪૦ના દાયકાનું વાતાવરણ ઊભુ કરવા માટે જૂની કાર, તે સમયના વસ્ત્રો, સાઈનબોર્ડ્સ અને અન્ય વિન્ટેજ તત્વોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સમયગાળાની વિશ્વસનીયતા જાળવવી ફિલ્મના દેખાવ માટે મહત્વપૂર્ણ રહેશે. મનોજ બાજપેયી અને વહીદા રહેમાન ઉપરાંત ફિલ્મમાં સૌરભ શુક્લા અને દિવ્યા દત્તા પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે, જો કે તેમના પાત્રોની સંપૂર્ણ વિગતો હજી જાહેર નથી કરાઈ.
મનોજ બાજપેયીની તાજેતરની ફિલ્મી સફર પણ વિવિધતાથી ભરેલી રહી છે. 'ગવર્નર-ધી સાઈલન્ટ વોરિયર'માં તેમના અભિનયની પ્રશંસા થઈ હતી, જ્યારે 'ડિસ્પેચ'ને લઈને પણ તેમના કામની ચર્ચા થઈ રહી છે. તેમની આગામી ફિલ્મોમાંથી 'ધી લાસ્ટ ટાવર'નો પણ સમાવેશ થાય છે. આ પૃષ્ઠભૂમિમાં ગાંધીજીનું પાત્ર તેમના માટે માત્ર વધુ એક ફિલ્મી ભૂમિકા નથી, પરંતુ અભિનયની દ્રષ્ટિએ એક અલગ પ્રકારનો પડકાર છે.
ગાંધીજી જેવા ઐતિહાસીક પાત્રને પડદા પર રજૂ કરવું હમેંશા સંવેદનશીલ અને જવાબદારીભર્યું કામ રહ્યું છે. અહીં પડકાર માત્ર દેખાવમાં સામ્યતા લાવવાનો નથી, પણ વ્યક્તિના વિચારો, મૌન, ચાલ, હાવભાવ અને આંતરિક ભાવજગતને વિશ્વનીય રીતે રજૂ કરવાનો છે. મનોજ બાજપેયીના ફર્સ્ટ લૂકે એટલું તો સ્પષ્ટ કરી દીધું છે કે તેમણે આ પડકારને માત્ર મેકઅપ અને કોસ્ચ્યુમ સુધી સીમિત નથી રાખ્યો. ફિલ્મની સત્તાવાર રિલીઝ તારીખ સર્જકો તરફથી જાહેર થાય ત્યાં સુધી 'ગાંધી એન્ડ માય મધર' ચર્ચામાં રહેવાનું એક મોટુ કારણ મનોજ બાજપેયીનું રૂપાંતરણ બની રહેશે. પરંતુ અંતે સાચી કસોટી ફર્સ્ટ લૂકની નહિ, પડદા પર ગાંધીજીના વ્યક્તિત્વને કેટલું સંવેદનશીલ અને વિશ્વસનીય રીતે જીવંત કરવામાં આવ્યું છે તેની રહેશે.