Chitralok

કૃતિ સેનનનું લાખેણું શમણું

By GS Team
9 Oct 20263 mins read
કૃતિ સેનનનું લાખેણું શમણું
  • 'જ્યારે દીકરીઓ રાતે પણ નિર્ભય બનીને એકલી ઘરે પહોંચી શકશે, બગીચાઓમાં સાંજ પછી પણ એકલી ટહેલી શકશે, પોતાની મરજી મુજબનાં વો પહેરી શકશે, જાહેર જગ્યાઓએ છેડતીની ચિંતા વિના આવ-જા કરી શકશે અને સહેજ પણ ડર વગર ગમે ત્યારે ઘરની બહાર નીકળી શકશે ત્યારે જ 'ડોટર્સ ડે'ની ઉજવણી સાચા અર્થમાં સાર્થક ગણાશે.'

એકવીસમી સદીનો પા ભાગ વીતી ગયો છે અને હજુય બાળકીઓથી લઈને પ્રૌઢાઓ અને વૃદ્ધાઓ પર થતા જાતીય અત્યાચારોના સમાચારો અવારનવાર સાંભળવા મળે છે. પા પા પગલી કરતી ટેકનોલોજી આજે આટફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી પહોંચી ગઈ છે અને દુનિયાભરમાં મહિલા દિવસ તેમજ દીકરી દિવસની ધામધૂમથી ઉજવણી થાય છે, પરંતુ સવાલ એ છે કે શું તેનાથી જમીની વાસ્તવિકતામાં કોઈ સકારાત્મક બદલાવ આવ્યો છે ખરો?
તાજેતરમાં જ વિશ્વભરમાં 'ડોટર્સ ડે' મનાવાયો, પરંતુ આજના સમયમાં દીકરીઓ કેટલી સલામત છે? આ સંદર્ભમાં અભિનેત્રી કૃતિ સેનન કન્યાઓ માટે સાચા અર્થમાં સલામત સ્વર્ગ સમી દુનિયા કોને કહેવાય તેની વાત માંડે છે. અદાકારા કહે છે કે, 'એક સમય એવો હતો જ્યારે છોકરીઓ ઘરની બહાર નીકળ્યા પછી નિર્ધારિત સ્થળે પહોંચી જાય ત્યારે પરિવારજનોને તુરંત મેસેજ કરીને જણાવતી કે તેઓ હેમખેમ પહોંચી ગઈ છે, ત્યારે જ ઘરના સભ્યોને હાશકારો થતો. આનો સીધો અર્થ એ થયો કે દીકરીઓ માટે ઘરની બહાર નીકળવું જરાય સલામત નહોતું. સાંજ ઢળ્યા પછી તેઓ રસ્તા પર ચાલતી હોય ત્યારે આજુબાજુ સતત ત્રાંસી નજરે જોતી રહેતી અને કોઈ પીછો તો નથી કરી રહ્યું ને તેની ખાતરી કરવા વારંવાર પાછળ વળીને જોવું પડતું. જો સહેજ પણ શંકા પડે તો ઘરે મેસેજ મોકલતી કે કોઈ અજાણ્યો શખ્સ તેમની પાછળ પડી ગયો છે. રાત્રે એકલા પ્રવાસ કરતી વખતે જીવ તાળવે ચોંટી જતો અને એવામાં જો મોબાઈલની બેટરી ઉતરી જાય તો ગભરાટના કારણે પગેથી પરસેવાના રેલા છૂટી જતા.'
જોકે હવે સમય થોડો બદલાયો છે. યુવતીઓ પોતાની સલામતી માટે સજાગ બનીને જાતે જ પગલાં ભરવા લાગી છે. તેઓ સ્માર્ટફોન દ્વારા પરિવાર સાથે પોતાનું લાઈવ લોકેશન શેર કરતી થઈ ગઈ છે અને પર્સમાં પેપર સ્પ્રે રાખવાનું ચલણ તો હવે સાવ સામાન્ય બની ગયું છે. આ ઉપરાંત કેબ બુક કર્યા પછી જો સહેજ પણ અસલામતીની ગંધ આવે, તો તેઓ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરે છે અથવા કોઈ સ્વજનને ફોન જોડીને જાણીજોઈને મોટેથી જણાવે છે કે પોતે ફલાણા નંબરની ટેક્સીમાં બેઠી છે, હાલનું લાઈવ લોકેશન શેર કર્યું છે અને આટલી મિનિટમાં ઘરે પહોંચી જશે. મુસાફર યુવતીની આ વાતો સાંભળીને કેબ ડ્રાઇવર પોતાની મેલી દાનતને મનમાં જ દબાવી દઈને તેને સલામત રીતે મુકામ પર પહોંચાડી દે છે.
કૃતિ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, 'મારા મતે આવી બધી સાવચેતી રાખવાની જરૂર પણ ત્યારે જ પડે છે જ્યારે વાતાવરણ કન્યાઓ માટે અસુરક્ષિત હોય. હું માનું છું કે જ્યારે દીકરીઓ રાત્રિના સમયે પણ નિર્ભય બનીને એકલી ઘરે પહોંચી શકશે, બગીચાઓમાં સાંજ પછી પણ એકલી કે પોતાની સખીઓ સાથે મુક્તપણે ટહેલી શકશે, પોતાની મરજી મુજબનાં વો કોઈપણ ક્ષોભ વિના પહેરી શકશે, જાહેર પરિવહનમાં છેડતીની ચિંતા વિના પ્રવાસ કરી શકશે અને કોઈ જાતીય હુમલો કરશે એવી લેશમાત્ર ભીતિ વિના ગમે ત્યારે ઘરની બહાર નીકળી શકશે ત્યારે જ 'ડોટર્સ ડે'ની ઉજવણી સાચા અર્થમાં સાર્થક ગણાશે. આ 'ડોટર્સ ડે' નિમિત્તે મેં આ જ સ્વપ્ન જોયું છે અને મારી તીવ્ર ઈચ્છા છે કે તે વહેલી તકે સાકાર થાય.'
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દેશમાં બનેલી કેટલીક અત્યંત શરમજનક અને અરેરાટીભરી ઘટનાઓથી વ્યથિત થઈને કૃતિ સેનને સોશિયલ મીડિયા પર આ હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી હતી.