mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જૂહી બબ્બર : રંગભૂમિ જ મને કલાકાર તરીકે જીવંત રાખે છે

Updated: Sep 14th, 2023

જૂહી બબ્બર : રંગભૂમિ જ મને કલાકાર તરીકે જીવંત રાખે છે 1 - image


- 'મેં મારું સઘળું ધ્યાન થિયેટર પર કેન્દ્રિત કર્યું. મને એ વાતનો આનંદ છે કે હું ફિલ્મોની ઝાકઝમાળ,  ખ્યાતિ અને નાણાંની લાલચ છોડીને રંગભૂમિ પ્રત્યે સમર્પિત થઈ શકી.' 

રાજ અને નાદિરા બબ્બરની પુત્રી જૂહી બબ્બર સોની થિયેટરની દુનિયાનું પ્રખ્યાત નામ છે. હવે તે અન્ય માધ્યમોમાં કામ કરવા ઇચ્છુક છે. તાજેતરમાં જ અભિનેત્રી હંસલ મહેતાની 'ફરાઝ'માં જોવા મળી.

વાસ્તવમાં જૂહીએ પોતાની કારકિર્દીનો આરંભ ફિલ્મોથી જ કર્યો હતો. પછીથી તેણે પોતાનું સમગ્ર ધ્યાન થિયેટર પર કેન્દ્રિત કર્યું. જૂહી આ બાબતે કહે છે કે મારી સૌપ્રથમ ફિલ્મ 'કાશ આપ હમારે હોતે' હતી. આ ફિલ્મમાં હું સારી દેખાતી હતી અને મેં કામ પણ સારું કર્યું હતું. પરંતુ આ મૂવી ન ચાલી એ મારું દુર્ભાગ્ય હતું. ત્યાર બાદ પણ મને ફિલ્મોની ઑફરો આવતી હતી. પણ મને તેમાંથી ખાસ કોઈ પસંદ નહોતી પડી. તેથી મેં મારું સઘળું ધ્યાન થિયેટર પર કેન્દ્રિત કર્યું. આજે હું એ વાતનો વિચાર કરું છું તો મને આનંદ થાય છે કે હું ફિલ્મી જગતની ઝાકઝમાળ, ત્યાં મળતી ખ્યાતિ અને નાણાંની લાલચ છોડીને કળા પ્રત્યે સમર્પિત થઈ ગઈ. અભિનેત્રી વધુમાં કહે છે કે મને ટીવી ધારાવાહિકો માટે પણ ઘણી ઑફરો આવી હતી. પરંતુ મારા વિવાહ થઈ ગયા અને મારા પુત્રનો જન્મ થયો એવી સ્થિતિમાં હું સીરિયલ માટે ફાળવવો જોઈએ એટલો લાંબો સમય આપવા નહોતી ઇચ્છતી. હું મારા પુત્રને છોડીને લાગલગાટ ૨૫ દિવસ સુધી કામ કરવા રાજી નહોતી.

જૂહીએ વર્ષ ૨૦૧૬માં 'અય્યારી' ફિલ્મમાં કામ કર્યું હતું. તે કહે છે કે મેં આ ફિલ્મ દ્વારા બૉલીવૂડમાં વાપસી કરી હતી. જોકે કમનસીબે કોઈએ મારી નોંધ જ ન લીધી. ત્યાર પછી પણ મેં ૨૦૧૯ની સાલમાં એક મોટી ફિલ્મ હાથ ધરી હતી. તે વખતે સુધ્ધાં જાણે મારા નસીબ આડેનું પાંદડુ ખસ્યું ન હોય તેમ એ મૂવી અભેરાઈએ ચડાવી દેવામાં આવી. છેવટે મેં સોશ્યલ મીડિયા પર મારા ફોટા અને વિડિયો પોસ્ટ કરવા માંડયા. આ માધ્યમમાં મારી નોંધ લેવાઈ. 'ફરાઝ'ના કાસ્ટિંગ ડાયરેક્ટરની નજર મારા ઉપર પડી અને હંસલ મહેતાએ મને આ મૂવી આપી. તાજેતરમાં જ મેં અલવીરા અને અતુલ અગ્નિહોત્રીની ફિલ્મનું તેમ જ એક વેબ સીરિઝનું શૂટિંગ કર્યું છે.

હકીકતમાં જૂહીને ઘણા સમયથી ફિલ્મોમાં પરત ફરવું હતું. પણ તેને કામ માગતા સંકોચ થતો હતો. અદાકારા કહે છે કે મને ચોક્કસ ફિલ્મ સર્જકો સાથે કામ કરવાની ઇચ્છા હતી. પણ હું તેમને કહી ન શકી કે હું થોડા સમય માટે કામ કરવા નહોતી માગતી. અને હવે મને પરત ફરવું છે. છેવટે મેં સોશ્યલ મીડિયાનો સહારો લીધો.

જો કે હવે પ્રશ્ન એ છે કે અન્ય માધ્યમોમાં કામ શરૂ કર્યા પછી જૂહી થિયેટર છોડી દેશે? આના જવાબમાં તે કહે છે કે મેં ફિલ્મો અને વેબ શોમાં કામ કરવાનું શરૂ કર્યું તોય થિયેટર નથી છોડયું. તેની સાથે સાથે મારા નાટકો 'વિથ લવ' અને 'આપ કી સૈયારા'ના શો ભારતભરમાં જારી હતાં. તેના સિવાય પણ હું વધુ એક નાટક પર કામ કરી રહી છું. જો હું થિયેટરમાં કામ ન કરું તો મારો આત્મવિશ્વાસ ગુમાવી બેસું, હતાશામાં સરી પડું. થિયેટર જ મને એક કલાકાર તરીકે જીવંત રાખે છે.

જૂહીનો પતિ અનુપ સોની પણ થિયેટરનો જીવ છે. બંનેએ રંગમંચ પર સાથે કામ કર્યું છે. અદાકારા કહે છે કે મેં અનુપ સાથે 'બેગમ જાન' અને 'પેન્સિલ સે બ્રશ તક' એમ બે નાટકોમાં કામ કર્યું છે. અમે ફરીથી એકસાથે કામ કરવા ઇચ્છીએ છીએ. પરંતુ હાલના તબક્કે માતાપિતા તરીકે સંતુલન સાધીને રહેવા માગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે બેઉમાંથી એક જણ અમારા ૧૦ વર્ષના પુત્ર 'ઈમાન' સાથે રહે. મારો દીકરો સારી રીતે જાણે છે કે મારી મમ્મી ધીમે ધીમે પોતાના કામ તરફ પાછી વળી રહી છે. તેની ઇચ્છાને માન આપીને જ મેં ફરીથી કામ શરૂ કર્યું છે. 

Gujarat